અહં અને મમત્વરૂપ માયા કરાવે છે દુઃખ
🔵અહં - મમત્વ એટલે શું ?
અહં એટલે માન. અભિમાન. ગર્વ. અહંકાર. ‘ હું જ સર્વશ્રેષ્ઠ છું. હું વિચારું એ જ સાચું. મારા કરતાં કોઈ આગળ વધવો ન જોઈએ.' આવા વિચારો એટલે અહં. વ્યક્તિને સત્તા, બળ, રૂપ, વિદ્વત્તા-બુદ્ધિ, આવડત વગેરેનું અભિમાન હોય છે. ‘ હું શરીર છું. ” એ મૂળ વિચારમાંથી આ બધા વિચારો જન્મે છે.
મમત્વ એટલે મારું, ‘ મારું શરીર, મારાં માતા-પિતા, મારું કુટુંબ, મારી જ્ઞાતિ, મારો દેશ.' એ રીતે શરીર સાથે જોડાયેલું બધું મારું છે - એવા વિચારો એટલે મમત્વ.
દુનિયામાં જે કાંઈ ઝઘડા, બોલાચાલી, છૂટાછેડા, યુદ્ધો વગેરે થાય છે તેનું કારણ:અહં - મમત્વ છે. આખી દુનિયા માયાના આ બંધનમાં દુઃખી.
🔵 અહં - મમત્વથી વ્યક્તિગત દુઃખ (દુર્યોધન)
મહાભારતના યુદ્ધમાં લાખો લોકો મરાયા. કરોડોની સંપત્તિનું નુકસાન થયું. કારણ શું ? દુર્યોધનનો અહંકાર. તેમાંથી મહાભારત થયું. અહંકાર, ઈર્ષ્યા, ક્રોધથી ખદબદતા લોકો પોતે તો હેરાન થાય જ છે, પરંતુ તેની આસપાસના અનેક લોકોને હેરાન-પરેશાન કરી મૂકે છે.
દુર્યોધનને હસ્તિનાપુર જેવું મોટું રાજ્ય હોવા છતાં તેને અશાંતિ રહેતી. તેને કારણે શરીર પણ તે પાતળો પડવા લાગ્યો હતો. તેના પિતાએ વૈધો પાસે ઘણા ઇલાજ કરાવ્યા, પણા દુર્યોધનની તબિયત સુધરી નહીં. કોઈએ દુર્યોધનને જ આ વિષે પૂછયું ત્યારે તેણે કહ્યું, ‘ મારી આ બીમારીનો ઇલાજ કોઈ વૈધ કરી શકે તેમ નથી. '
સૌને આશ્ચર્ય થયું કે એવી કઈ બીમારી તેને વળગી હશે ? દુર્યોધને કહ્યું,‘ યુધિષ્ઠિર રોજ ૧૦,000 બ્રાહ્મણોને જમાડે છે અને બક્ષિસમાં સોનામહોર આપે છે. તે બધા બ્રાહ્મણો યુધિષ્ઠિરની જય બોલાવતા આપણા મહેલ આગળથી પસાર થાય છે, આ જોઈ મારું હૈયું કંપી ઊઠે છે.’
તેવી જ રીતે પાંડવોના મહેલ ઇંદ્રપ્રસ્થનો વૈભવ જોઈને દુર્યોધને વાત કરી હતી, ‘ આ લોકોની સુખ-સંપત્તિ મને અંદરથી કોરી ખાય છે ! મને ખાવાનુંય ભાવતું નથી ! આનો ઉપાય કરો ! પાંડવો દુ:ખી નહીં થાય ત્યાં સુધી મને સુખ થશે નહીં ! ' પછી તો મામા શકુનિની સૂચના પ્રમાણે બધાએ ભેગા થઈને જુગાર રમવા યુધિષ્ઠિરને આમંત્રણ આપ્યું. કપટ કરી સૌએ યુધિષ્ઠિરને હરાવ્યા. પાંડવોને વનવાસ મળ્યો. ઇંદ્રપ્રસ્થ કૌરવોનું થયું ! પાંડવો વનમાં ઠોકરો ખાતાં ભટકવા લાગ્યા ત્યારે દુર્યોધનને શાંતિ થઈ , આનંદ થયો !
રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ જોઈને પણ દુર્યોધનને ખૂબ જ બળતરા થઈ હતી. હસ્તિનાપુર પાછા ફરતાં સમયે શકુનિના પૂછવાથી દુર્યોધને કહ્યું હતું, ‘ હું અગ્નિમાં પ્રવેશ કરીશ, ઝેર ખાઈશ, પાણીમાં ડૂબીને મરી જઈશ. હવે મારે જીવવું નથી કારણ કે હું પાંડવોને મારવા માટે સમર્થ નથી. '
🔵 અહં-મમવથી પરિવારમાં દુઃખ (કૈકેયી)
રામાયણ કેમ સર્જાયું ? મૂળમાં છે કૈકેયી, તેને મમત્વ હતું . મારો પુત્ર ભરત રાજગાદીએ બેસે અને રામને વનવાસ મળે.
રામના રાજય અભિષેકના સમાચાર મંથરાએ કૈકેયીને આપ્યા અને કહ્યું ' તારી પર મોતનું તાંડવ નાચે છે. ' કૈકેયી કહે, ‘ એવી કોઈ અશુભ ઘટના નથી થઈ. ” મંથરા કહે, ‘ કાલે દશરથ રામને ગાદી સોંપવાના છે, આ વાત સાંભળી કૈકેયી રાજી થઈ કહે, ‘ તેં મને ખૂબ સારા સમાચાર આપ્યા. મારે મન ભરત અને રામમાં કોય ફરક નથી.
મંથરા કહે, ‘ આટલું મોટું સંકટ હોવા છતાં દુ:ખી થવાને બદલે તમે રાજી થાઓ છો ? રાજય પર તો રામ અને ભરતનો સરખો અધિકાર હોવો જોઈએ. જો રામને રાજ્ય મળશે તો ભરતને રામની ગુલામી કરવી પડશે. તારે પણ કૌશલ્યાની દાસી થવું પડશે. ’ કૈકેયી કહે, ‘ રામ તો મારા માટે ભરતથી પણ અધિક છે. રામને રાજ્ય મળે તે ભરતને જ મળે છે, પણ રામના અભિષેકના સમાચારથી તને કેમ ઈર્ષ્યા થાય છે? '
મંથરા લાંબો શ્વાસ ખેંચીને કહે, ' તમે મૂર્ખતાવશ દુ:ખને સુખ માની બેઠા છો. જો રામને ગાદી મળશે તો ભવિષ્યમાં તેના જ પુત્ર ગાદી પર આવશે. ભરત તો રાજપરંપરાથી દૂર રહેશે. વળી તમે ભરતને મોસાળમાં મોક્લ્યા છે, તેઓ જો અહીં હોત, તો રાજાને તેમનામાં હેત થાત ને કદાચ અડધું રાજ્ય આપી દેત. પરંતુ હવે જો રામ ગાદી પર આવશે તો લક્ષ્મણને તો કંઈ ચિંતા નથી કારણ કે બંનેનો પ્રેમ પ્રસિદ્ધ છે, પણ ભરતનું તો ખરાબ થશે તે નક્કી જ છે. વળી, તમે પણ કૌશલ્યા અનાદર કર્યો છે. તેથી રાજમાતા બન્યા બાદ કૌશલ્યા પણ જરૂર વેર વાળશે. મંથરાના શબ્દો વારંવાર સાંભળી કૈકેયીના હૃદયમાં પડેલો મમત્વભાવ જાગ્રત થયો.
એક વાર યુદ્ધ સમયે કૈકેયીએ રાજા દશરથની જાન બચાવી હતી . ત્યારે દશરથે તેમને વરદાન માંગવાનું કહ્યું હતું. કૈકેયીએ ત્યારે કહ્યું હતું, ‘ ભવિષ્યમાં વરદાન માંગીશ. ’ વરદાનને યાદ કરાવી કૈકેયીએ સ્ત્રીયુક્તિ વાપરી. તેથી દશરથ રાજાએ કૈકેયીને વશ થઈ વરદાન આપવું પડ્યું કે ‘ અયોધ્યાના રાજા ભરત બનશે અને રામને ૧૪ વર્ષનો વનવાસ ! '
એક વ્યક્તિના મમત્વથી આખો પરિવાર ભિન્ન - ભિન્ન થઈ ગયો: (૧) ૧૪ વર્ષ રામ-સીતા-લમણને અનેક દુ:ખ સહન કરવાં પડયાં. (૨) ભરત નંદિગ્રામ પર્ણકુટિરમાં રહ્યા. (૩) લમણની પત્ની ઊર્મિલાને પતિનો વિયોગ વેઠવો પડ્યો. (૪) પુત્રવિયોગથી દશરથ રાજાનું મૃત્યુ થયું વગેરે ઘણું.
🔵 અહં-મમત્વથી ધંધા-વ્યવસાયમાં દુઃખ (હેન્રી ફોર્ડ)
ફોર્ડ કંપનીના માલિક હેન્રી ફોર્ડ ( Henry Ford ) ની કંપનીમાં જેમ્સ કઝન્સ ( James Cousins ) નામની વ્યક્તિ અત્યંત હોશિયાર અને શક્તિશાળી હતી . કહેવાય છે કે તેમનો જન્મ કેનેડામાં ન થયો હોત તો તેઓ કદાચ અમેરિકાના પ્રમુખ થઇ શક્યા હોત . જેમ્સની મેઘાવી બુદ્ધિને કારણે ફોર્ડ મોટર કંપનીનો વિકાસ ખૂબ ઝડપી થયો હતો . આથી હેન્રી ફોર્ડને જેમ્સ પ્રત્યે ઈર્ષા જાગી.
જેમ્સને કેટલાક બનાવોની સૂઝ અગાઉથી પડી જતી હતી . તેમણે એકવાર હેન્રી ફોર્ડને સલાહ આપી હતી કે , 'આપણે મોડેલ 'ટી' મોટરનું સુધારા - વધારા સાથેનું નવું મોડેલ બનાવવાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ' જેમ્સ કોઈપણ સલાહ આપે , તે હેન્રીથી ખમાતું નહીં . આવી સલાહ આપવા બદલ ફોર્ડ ઘણીવાર તેમના પર ગુસ્સે થતા . થોડા સમય બાદ જેમ્સને કંપનીમાંચી બરતરફ કરી દીધા ! જેમ્સ કઝન્સ ફોર્ડ કંપનીમાં હતા ત્યાં સુધી કંપનીની પ્રગતિ વેગવંતી હતી , પણ તેમના ગયા પછીના થોડા જ મહિના બાદ કંપનીની પડતી શરૂ થઈ અને એની અસર ૩૦ વર્ષ સુધી રહી !
એક વ્યક્તિનો અહંકાર રાખી કંપનીના હજારો લોકોને ૩૦ વર્ષ સુઘી નુકસાન પહોંચાડતો રહ્યો.
🔵 અહં - મમત્વથી સમાજ-દેશમાં દુ:ખ (હિટલર)
હિટલર , મુસોલિની , સ્ટાલિન જેવા અહંકારી સરમુખત્યારો એટલા ભયભીત રહેતા કે કદી એક જ રૂમ માં સૂતા નહીં ! દરેક દિવસે રૂમ બદલે. સુવા માટે એક સરખા અનેક રૂમો હોય કોઈને ખબર ન પડે કે આજે કઈ રૂમમાં સુતા છે , જેથી કોઈ તેમને મારી ન નાખે.
હિટલર પોતાના જેવા દેખાતા બીજા પાંચ માણસો સાથે રાખતો છતાં પોતાની ગોળી થી જ મર્યો. પોતે દુખી - ડરમાં રહ્યો અને આખી દુનિયાને હેરાન કરી . કારણ શું ? અહં મમત્વરૂપ માયા.હિટલરે એક પુસ્તક લખ્યું હતું : ' Main Kampf ' (માઈન કામ્ફ એટલે કે મારો સંઘર્ષ !) તે પુસ્તક એટલું ઘાતક હતું કે તે વાંચી જર્મનીના લોકોએ હિટલરને સહકાર આપ્યો અને સૌએ ભેગા થઈ ૬0 લાખ યહૂદીઓને મારી નાંખ્યા ! છતાં લોકોને આ વાત માટે જરાય અફસોસ ન હતો, ઊલટું ગર્વ હતો.કારણ શું ?
હિટલરને સ્કૂલમાં તેનો ઇતિહાસના શિક્ષક ડો.લિયોપોલ્ડ પુચ્છ કહેતા : ' જર્મનોના વિકાસમાં યહૂદીઓ અવરોધરૂપ છે. ઉચ્ચ જાતિના લોકો નીચી જાતિના લોકોની સાથે રહે તો ઉચ્ચ જાતિની પ્રજામાં ખરાબ સંસ્કારો આવે છે અને ધીરે ધીરે સંસ્કૃતિ નાશ પામે છે. જેટલી સારી સંસ્કૃતિઓ નાશ પામી છે, તે બધામાં નિમ્ન કક્ષાની જાતિ જવાબદાર છે. આપણે બધા આર્ય જાતિની છીએ અને યહૂદીરો અનાર્ય છે, તેઓ આપણા દેશમાં રહેશે તો આપણી સંસ્કૃતિ અને આપણો દેશ બરબાદ થશે અને આપણી આર્ય પ્રજાના સંસ્કારો નાશ પામશે. ” આવી રીતે તેઓ સીધી અથવા આડકતરી રીતે વારંવાર આ વાત દોહરાવતા તેથી આ વાત હિટલરે પકડી અને તે બીજા વિશ્વયુદ્ધનું એકમાત્ર કારણ બન્યો, ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ એટલે બીજું વિશ્વયુદ્ધ.
અમારી જાતિ જ શ્રેષ્ઠ - આ એક મમત્વભર્યા વિચારે વિશ્વયુદ્ધમાં પાંચ કરોડ ૬૦ લાખ લોકોનો ભોગ લીધો અને અબજોની સંપત્તિ જમીનદોસ્ત કરી દીધી !!
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------

Comments
Post a Comment