રાજીપાનો વેગ
- પ્રસંગ : મોક્ષ અને જમીન બંને મળ્યા
ઝીંઝાવદરથી લોયા જતાં શ્રીજીમહારાજને રસ્તામાં તરસ લાગી. સુરાખાચરે બાજુના ખેતરમાં નાના બાળક પાસે જઈ પાણી માગ્યું. બાળકે ગાળેલા પાણીની નવી માટલી આપી.
સુરાખાચર બાળકને સમજાવતાં કહે, ‘ ભગવાન તને કંઈ માંગવાનું કહે તો બીજું કંઈ ન માગતો પણ મોક્ષ માંગજે. ’ બાળક કહે, ‘ અમારી ૩૦ વીઘા જમીન બાજુના ખેતરવાળાએ દબાવી છે તે ન કહું ? ’ સુરાખાચર કહે, ‘ તેના આશીર્વાદ તો મળશે જ. ’ બાળકે તે પ્રમાણે મોક્ષ માંગ્યો. શ્રીજીમહારાજ કહે, ‘ આગળ મોટા - મોટાને ન આવડ્યું એવું આને માગ્યું ને મારા સંકલ્પે તેમની જમીન પણ મળી જશે.
- પ્રસંગ : કઠિયારામાથી દીવાન બન્યા
શિયાળાની એક સાંજે ઠંડી વધી ગઈ. ગુણાતીતાનંદ સ્વામીએ મનજી ઠક્કરને દૂર બેઠેલા કઠિયારા પાસેથી લાકડાં લાવવા કહ્યું. કઠિયારા બાઉદ્દીન અને તેની માએ સ્વામીને ઓલિયા ફકીર જાણી આશીર્વાદની આશાએ લાકડાં મફત આપ્યા. આ જાણી સ્વામીએ કહ્યું, ' માંગ.' તેની માતાએ તેને સમજાવેલો એટલે બાઉદ્દીને પૈસાની ના પાડી અને દુઆ માંગી. આ જાણી સ્વામીએ કહ્યું, ' હવે તેને લાકડાં કાપવા નહીં પડે.'
અને બન્યું પણ એવું જ. બાઉદ્દીનની બહેનને નવાબે પત્ની બનાવી અને બાઉદ્દીનને દીવાન બનાવ્યો. આ બાઉદ્દીનના નામની કોલેજ આજે પણ જુનાગઢમાં છે.
- પ્રસંગ : મારા પરિવારને સત્સંગ રહે
બોટાદ. રંગોત્સવ બાદ શ્રીજીમહારાજ ભગા દોશીને કહે, ‘ શેઠ ! બહુ સેવા કરી. કાંઈક વરદાન માંગો. ’ ભગા દોશી કહે, ‘ હે મહારાજ ! મારી પાસે બધું છે. છતાં મારું મન આપનાં ચરણકમળ સિવાય જગતની બીજી કોઈ વસ્તુમાં લોભાય નહીં તે માંગું છું. ’ શ્રીજીમહારાજ કહે, ‘ એ તો સહેજે મળશે. બીજું કાંઈ માંગવું છે ? ’ ભગા દોશી કહે, ‘ મહારાજ ! મારા વંશમાં જે પુત્ર - પરિવાર થાય તે તમામને આપના સ્વરૂપમાં હેત રહે અને આપની જે પરંપરા ચાલે તેમાં સાક્ષાત્ આપના જ જેવો ભાવ રહે. ’ શ્રીજીમહારાજે તેમને રાજી થઈ એ વરદાન આપ્યું.
આજે પણ ભગાદોશીના વંશજોને સત્સંગનો સારો એવો ગુણભાવ છે.
- પ્રસંગ : માયાનું કણું કાઢજો
એકવાર શ્રીજીમહારાજની આંખમાં કણું ખટકવા લાગ્યું. ૨-૩ ભક્તો એ પ્રયત્ન કર્યો, પણ નિકળ્યું નહીં. દામોદર ભક્ત કહે, ‘ મહારાજ ! હું કણું કાઢી દઉં, પણ મને જીભથી કાઢતા આવડે છે. ' શ્રીજીમહારાજે કહ્યું, ‘ કાઢો જીભથી કણું. ’ દામોદર ભક્તે જીભથી કણું કાઢી દીધું. શ્રીજીમહારાજની આંખ હળવી થઈ ગઈ. શ્રીજીમહારાજ કહે, ‘ કામ સરસ કર્યું, પણ અમારી આંખ અભડાવી. ’
દામોદર ભક્ત કહે, ‘ કોઈ સારું કામ કરે તો લોકમાં ઇનામ આપે, વખાણ કરે અને તમે તો ઊલટી ખોટ કાઢો છો. ’ આ સાંભળી શ્રીજીમહારાજ રાજી થયા અને તેમને પ્રસાદ આપ્યો. દામોદર ભક્ત કહે, ‘ પ્રસાદથી કામ પતાવી દો તેમ નહીં ચાલે. તમારે અમારું એક કામ કરી દેવું પડશે. ' શ્રીજીમહારાજ કહે, ‘ કયું કામ ? ’ તેઓ કહે, ‘ અમારી હૃદયરૂપી આંખમાંય માયારૂપી કણું પડ્યું છે. તેને તમે આમ જ કાઢી નાંખજો. એ કણું અમને ખૂબ જ ખટકે છે. સૂવા દેતું નથી. નહીંતર કણું આંખમાં ખૂંચી જશે ને અમે અંધ થઈ જઈશું ને જન્મમરણમાં ગોથાં ખાધા કરશું. ' શ્રીજીમહારાજ રાજી થઈ ગયા અને દામોદર ભક્તને ખૂબ આશીર્વાદ આપ્યા.
- પ્રસંગ : રાજીપાથી રોગ મટી ગયો
જુનાગઢ. ગુણાતીતાનંદ સ્વામી ઉત્તમચરણદાસ સ્વામીને આસને આવ્યા. આ સાધુ બહુ જ વિદ્ધવાન હતા. પણ તેમને ક્ષય (ટી.બી.) રોગ હતો. તે સમયે ક્ષય રોગની કોઈ દવા ન હતી. એટલે તેમણે દેહની આશા મૂકી દીધી હતી. પરંતુ છેલ્લી વાર સ્વામીના દર્શન કરી, પૂજા કરવાની તેમની ઈચ્છા હતી.
- પ્રસંગ : અક્ષરધામનો ફોન
સને ૧૯૮૭. ગુજરાતમાં સતત ૩ વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ઘાસ અને પાણી વિના ટળવળતાં પશુઓની સંભાળ માટે આપણી સંસ્થાએ ઠેર - ઠેર કેટલકેમ્પ શરૂ કર્યા હતા. તેમાંનો એક કેટલ કેમ્પ બોચાસણમાં હતો. એ વખતે બોચાસણ મંદિરમાં ફોનની એક સાદી લાઇન હતી, પરંતુ ફોનનું સ્પેશિયલ કનેક્શન મળતું ન હતું. એવામાં કેટલકેમ્પ જોવા ટેલિફોન વિભાગના એક અધિકારી આવ્યા. પશુઓની ઉત્તમ સારસંભાળનું આયોજન જોઈ તેઓ ખૂબ રાજી થઈ ગયા. સંતોએ તેમને વાત કરી તો તરત જ તેમણે ફોનના સ્પેશિયલ કનેક્શનની વ્યવસ્થા કરી દીધી !
આ વાત એક સંતે મોમ્બાસા (આફ્રિકા) માં પ્રમુખસ્વામી મહારાજને કરી. તે સાંભળી સ્વામી તરત જ બોલ્યા, ‘ આ દુનિયાના માણસ રાજી થાય, તો કેટલું કામ થઈ જાય છે ! તો ભગવાન ને સંત રાજી થાય તો ? અક્ષરધામનો સ્પેશિયલ ફોન જોડી આપે, અક્ષરધામ આપી દે. આ લોક અને પરલોક - બંનેમાં સુખિયા કરી દે. ’
- પ્રસંગઃ કડિયામાંથી કોન્ટ્રાક્ટર
રાજકોટના કડિયા માવજીભાઈ મિસ્ત્રીની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. એકવાર તેઓ જૂનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને બધી વાત કરી. સ્વામી કહે, ‘ માવજી ! તારું દુ:ખ હવે નહીં રહે. જા, ગામમાંથી બ્રાહ્મણની દુકાનેથી ચોખ્ખા કળી ગાંઠિયા, દાળિયા કે મમરા લઈ આવ. ’ માવજીભાઈ જતા હતા ત્યાં મંદિર બહાર મુસાભાઈ નામે મુસલમાન ભાવિક બેઠા હતા. તેમણે માવજીભાઈને પૂછ્યું, ‘ આમ ઉતાવળા ક્યાં જાઓ છો ? ’ માવજીભાઈએ બધી વાત કરી તો તેમણે કહ્યું, ‘ લ્યો આ મારો એક આનો. મારા વતી પણ દાળિયા - મમરા સ્વામીને ધરાવજો. અને પ્રસાદીમાં મારો અડધો ભાગ રાખજો. ’
માવજીભાઈ દુકાનેથી દાળિયા - મમરા લાવ્યા. સ્વામીએ ઠાકોરજીને ધરાવીને પોતે બે દાણા જમ્યા ને સંતો - ભક્તોને વહેંચી દીધા. પછી માવજીભાઈને કહ્યું, ‘ તમે કરાચી જાઓ. ત્યાં કોન્ટ્રાક્ટરનો ધંધો કરો. ખૂબ કમાશો. ' વળી, સ્વામીએ અંતર્યામીપણે કહ્યું, ‘ તમારા ધંધામાં પેલા મુસાભાઈનો પણ ભાગ રાખજો. ’
માવજીભાઈ અને મુસાભાઈ કરાચી ગયા. ત્યાં પહોંચ્યા કે તરત જ તેમને અંગ્રેજો તરફથી ગોદીના કામનો મોટો કોન્ટ્રાક્ટ મળી ગયો. ધીરે - ધીરે ‘ માવા - મુસા 'ની કોન્ટ્રાક્ટરની કંપની જામી ગઈ.
- પ્રસંગઃ ધન્ય છે કે ધામ માંગો છો
સને ૧૯૫૩. મોજીદડ. ગામના મંદિરમાં કેસર ભગત નામના ભક્તને પેટમાં ગોળાનું દરદ હતું. કોઈ ઉપાયે મટ્યું નહીં. તેઓ યોગીજી મહારાજના આશીર્વાદ લેવા આવ્યા. કહે, ‘ મારું દરદ મટાડવું તમારા હાથમાં છે, પણ મારે દરદ મટાડવું નથી, ભવરોગ મટાડવો છે. માટે મને ધામમાં લઈ જાઓ. શ્રીજીમહારાજ તમારું માને છે. તમે શ્રીજીમહારાજને સર્વ પ્રકારે વશ કર્યા છે. માટે તમારાં ચરણમાં અરજ કરું છું. ’
ભક્તનાં આવાં દીન વચનો સાંભળી સ્વામી બોલ્યા, ‘ આવું કોઈ માંગતું નથી, તમને ધન્ય છે, જે તમે ધામ માંગો છો ! ' સ્વામીએ રાજી થઈ તેમને અક્ષરધામના આશીર્વાદ આપ્યા.
" રાજીપાનું ફળ = અક્ષરધામનું સુખ "
એકવાર પ્રમુખસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું હતું : આપે આપના જીવનમાં કયો વિચાર સતત રાખ્યો છે ? ' સ્વામીએ લખી આપ્યું : ‘ ગુરુ જેમ રાજી થાય એમ જ કરવું છે અને એમ જ રહેવું છે.'
સ્વામી તેમના ગુરુને રાજી કરવાનો વિચાર સતત રાખતા હોય તો આપણે શું કરવાનું ? દરેક ક્રિયામાં ‘ મહંતસ્વામી રાજી થશે ? ’ એવું સતત વિચારીએ તો આપણે અક્ષરરૂપ થયા કહેવાઈએ.
મહારાજ - સ્વામીનો સંકલ્પ છે કે જે - જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. ’ તેથી તેઓ આપણને અક્ષરરૂપ કરવા માટે જુદી - જુદી તકો ઊભી કરશે. આપણે એ દરેક તક ઝડપી લેવી, પણ દુઃખી થઈ ક્યારેક સત્સંગ છોડી ન દેવો.
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Comments
Post a Comment