ગુરુહરીનું આજ્ઞાપાલન

(વચનામૃત:ગઢડા પ્રથમ - ૩૪)

                'માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે..... ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુ:ખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ”


                            એક હરિભક્ત શ્રીજીમહારાજની કેડ દાબતા હતા. શ્રીજીમહારાજ કહે, ‘ ઉપર ચડીને દાબો. ' હરિભક્ત કહે, ‘ આપની કેડ પર પગ કેમ દેવાય ? ’ શ્રીજીમહારાજ કહે, ‘ મારી જીભ પર તો પગ મૂકે જ છે. ત્યાં વિચાર નથી આવતો ? ’ 

" આજ્ઞા લોપવી એ ભગવાન અને સંતની જીભ પર પગ દેવા બરાબર છે "


🔵 આજ્ઞાપાલનથી સુખ : 

                પ્રમુખસ્વામી મહારાજ ગોંડલ હતા. તેમણે માણાવદરના ભગવાનભાઈને પત્ર લખીને ગોંડલ તેડાવ્યા. ભગવાનભાઈ તરત ગોંડલ આવ્યા. સ્વામીએ પૂછ્યું, 'બધું કામ પતાવીને આવ્યા છો ?' તેમણે કહ્યું, હા. 'સ્વામીએ કહ્યું, 'ના. એક કામ બાકી છે, ઘરે જાવ.' આજ્ઞા પાળી ભગવાનભાઈ ઘરે ગયા. ઘરે સરકારી વોરંટ આવ્યું હતું. મહેસૂલ નિમિત્તેની ખટપટમાં તેમની ૮૦ વીઘાની વાડી જપ્ત થઈ જાત અથવા તેમને છ માસ જેલની સજા થાત. પરંતુ ભગવાનભાઈએ આજ્ઞા પાળી, મહેસૂલ ભરી દીધું તેથી તેઓ બચી ગયા. આમ, સ્વામીએ તેઓની રક્ષા કરી.


🔵 આજ્ઞાલોપથી દુઃખ :

               ઘણા બાળકોને પ્રશ્ન હોય છે: 'હું વાંચું છું પણ યાદ રહેતું નથી. ભણવાનો કંટાળો આવે છે.' આ પ્રશ્નો પાછળ કુસંગ આજ્ઞાલોપ કારણભૂત છે. સિનેમા- સિરિયલ-વીડિયોગેમ-કાર્ટૂનનાં વિચારો મનમાં ચડભડાટ મચાવી દે છે. શરીર પણ બગડે છે અને મન પણ અપવિત્ર બને છે. પછી ભણવાનું કેમ ગમે ? વાંચેલું યાદ કેમ રહે ? એક સત્ય ઘટના જાણીએ... 

                   દેવાશિષ ઘોષ. આ યુવાન અમદાવાદમાં દૂધેશ્વરની બાજુમાં નાની જગ્યામાં રહેતો હતો, કોલેજમાં ભણતો ત્યારથી ઘણી વખત સત્સંગી મિત્ર સાથે મંદિરે સંતોને મળવા આવતો. અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં તે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં થ્રૂઆઉટ ગોલ્ડમેડલિસ્ટ રહ્યો હતો.  દિલ્હી આઈ.આઈ.ટી.માં ૧૦ માંથી ૯.૯ પોઈન્ટ મેળવીને તો એરોનોટિક્સ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું. પછી તેણે રડાર ટેકનોલોજીમાં પીએચ.ડો. શરૂ કરી પૃથ્વીથી માત્ર ૫૦ મીટર ઊંચે જતું પ્લેન પકડી પાડે એવી રડાર ટેક્નોલોજી તણે વિકસાવી. હાર્વર્ડમાં તેનું સિનોપ્સીસ (સારાંશ) રજૂ થયું. તે જોઈ નાસાવાળા દિલ્હી આવ્યા. દેવાશિષને ઓફર કરી, ‘તું અમેરિકા આવ.' ત્યારે તેણે કહ્યું, ‘મારે મારી બુદ્ધિનો ઉપયોગ ભારતના વિકાસ માટે કરવો છે.' તેણે જે પ્રથમ થિસિસ લખી હતી તે જોઈ ભારતના સંરક્ષણ ખાતાએ તેનો ભણવાનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો. કલામ અને ચિદમ્બરમ્ દેવાશિષની થિસિસ વાંચે એવો તે હોશિયાર હતો. 

                    પરંતુ ત્યાર પછી ખરાબ મિત્રોનો સંગ થતાં દેવાશિષ સિગારેટ, દારૂ, ડ્રગ્સ વગેરેનો વ્યસની થઈ ગયો. સંરક્ષણ ખાતાનો વિશ્વાસુ માણસ હોવાથી તેને અમુક દિવસે સંરક્ષણ વિભાગમાં હાજરી પુરાવવી પડતી, પરંતુ વ્યસનોને લીધે તે અનિયમિત થયો. સંરક્ષણ ખાતાએ તપાસ કરી તો ડ્રગ્સ વગેરે પકડાયું. તેનાં બધાં જ સર્ટિફિકેટ પર સંરક્ષણમંત્રીના લાલ સિક્કા લાગી ગયા. કે કોઈ તેને નોકરી ન આપી શકે અને જે આપે તે દેશદ્રોહી ગણાય. ત્યાર પછી તે અમદાવાદના વટવા વિસ્તારમાં કાપડના સામાન્ય પ્રોસેસ હાઉસમાં રૂ .૧૧૫૦ ની નોકરી કરતો હતો. સંતોને મળવા આવ્યો ત્યારે સર્ટિફિકેટનો થોકડો લઈને આવ્યો હતો અને રડી પડ્યો હતો.

                   ખરેખર, આશા, નિયમ-ધર્મ એ ભગવાનની બહુ મોટી કૃપા છે. આજ્ઞા પાળવાથી આપણી કુસંગથી રક્ષા થાય છે અને પરિણામે જન્મ મરણ અટકે છે. રાજીપો મળે છે અને અક્ષરધામ મળે છે. 


🔵 સૌથી મહત્વની આજ્ઞા : સ્ત્રી-પુરુષ મર્યાદા

                  (વચનામૃત : લોયા -૬) ‘ ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે. '

  • પ્રસંગ : બ્રહ્મચર્યની દૃઢતા 
                  આણંદ. યોગીજી મહારાજના યોગમાં આવ્યા ત્યારથી જ મહંતસ્વામી મહારાજના વૈરાગ્યના રંગો ઊભરાઈ આવ્યા હતા. વી.પી. સાયન્સ કોલેજમાં સ્ત્રીઓ સાથે ભણવું પડે તેથી તેઓએ ખેતીવાડી કોલેજમાં ભણવું પસંદ કર્યું હતું. તપ-ઉપવાસ-સંયમ વગેરે ગુણો તેમનામાં મૂર્તિમાન દેખાતા હતા.
                 એકવાર તેઓ આણંદના નિવાસસ્થાને ઉપરના માળે રૂમમાં ‘વેદરસ’ વાંચતા હતા. ‘ વેદરસ ’ એ શ્રીજીમહારાજે પરમહંસોને કરેલી ત્યાગ-વૈરાગ્યની ઉચ્ચ વાતોનો ગ્રંથ છે . આ વાંચન દરમ્યાન સ્વામીશ્રીનાં પૂર્વાશ્રમનાં ભાભી કોઈક વસ્તુ લેવા ઉપરના માળે આવ્યાં. તેઓનો સાડીનો છેડો વિનુભાઈ-સ્વામીશ્રીને અડી ગયો અને સ્વામીશ્રીને ઊલટી ઊપડી. કોઈને જણાય નહીં તે રીતે વિનુભાઈ નીચે બાથરૂમ સુધી જવા ઝડપથી ધસ્યા, પરંતુ ઊલટી એટલી વેગમાં હતી કે ઉપરના માળેથી રસ્તા પર જ કરી દેવી પડી. આવી છે સ્વામીશ્રીની બ્રહ્મચર્યની દૃઢતા
                એક નિયમમાં નહીં ગુણાતીત સત્પુરુષ શ્રીજીમહારાજે આપેલા દરેક નિયમને ૧૦૦ % પાળે છે. આપણે પણ દરેક નિયમ ૧૦૦ % પાળીએ તો જ અક્ષરરૂપ થયા કહેવાઈએ. 

  • પ્રસંગ : ૧૦૦ નિયમથી ચઢિયાતો નિયમ 
                ૨૪-૪-૨૦૧૭. કોલકાતા. બપોરે મુલાકાત દરમ્યાન નમન કામદાર નામનો એક યુવક આવ્યો. તે કહે, ‘ સ્વામી ! સને ૨૦૧૨ માં આપની પાસે મેં ફિલ્મો નહીં જોવાનો નિયમ લીધો હતો. આજે તેને પાંચ વર્ષ પૂરાં થયાં. આપની પ્રેરણા અને આશીર્વાદથી એ નિયમ બરાબર પળાય છે. ’ સ્વામી રાજી થઈને કહે, ‘ બેસ્ટ નિયમ.’ 
                નમન કહે, ‘ આ નિયમ લીધા પછી વચ્ચે તકલીફ થઈ હતી. ફિલ્મ જોવાની બહુ ઇચ્છા થતી હતી. તેથી મેં આપને પત્ર લખ્યો હતો. જવાબમાં આપે કહ્યું હતું, ‘ ના. આ નિયમ પાળવાનો જ છે. આ નિયમ બીજા ૧૦૦ નિયમ કરતાં વધુ (ચઢિયાતો) છે. ’ એ પત્રથી મને બળ મળી ગયું તેથી આજેય નિયમ સારધાર પળાય છે. ' સ્વામીશ્રીએ અંતરથી રાજી થઈ આશીર્વાદ આપ્યા. 

  • સ્ત્રી-પુરુષ મર્યાદામાં દૃઢ રહી મહા-રાજીપો લેતા ભક્તો 
                  ૭-૭-૨૦૦૭. જેક્સનવીલે. પ્રમોદ નામનો કિશોર ન્યૂયોર્કમાં ભણતો હતો. ચોથા વર્ષમાં એનો પ્રવેશ થયો એ વખતે ફરજિયાત ઓછામાં ઓછો એક ક્લાસ નૃત્યનો લેવો પડે એમ હતો. સત્સંગના નિયમ પ્રમાણે છોકરા-છોકરીઓએ ભેગા થઈને ડાન્સ ન કરાય એટલે પ્રમોદ એ બાબતમાં દૃઢ રહ્યો. તેણે એના ટીચરને સમજાવ્યા અને છોકરીઓને પણ સમજાવી.                      ટીચરના મનમાં વાત બેઠી અને પ્રમોદને એવી છૂટ મળી કે એકલો ડાન્સ કરશે તો વાંધો નથી. પ્રમોદે શ્રીજીમહારાજની મૂર્તિ લઇને સ્વાગતનૃત્ય રજૂ કર્યું ને આખા ક્લાસને કીર્તનના શબ્દો સમજાવ્યા. સૌ ખૂબ રાજી થયા. 

(નોંધ : અહીં સત્યપ્રસંગમાં ગામ અને નામ બદલ્યાં છે)


                   પ્રમુખસ્વામી મહારાજ કહેતા : ‘ઘરેઘર ટી.વી.નું ઝેર પેઠું છે. એ ખાય તે વિનાશને પંથે જાય છે. ટી.વી. શું શીખવે છે ? ખૂન કેમ કરાય ? ચોરી કેમ થાય ? વ્યસન કેમ થાય ? બાળક અને યુવાન બધા આવું શીખે છે. ખબર ન પડે ને દૂષણ પેસી જાય છે. જોતાં સારું લાગે, પણ પછી ઝેર પ્રસરે છે ને આખું કુટુંબ છિન્ન-ભિન્ન થઈ જાય છે. એટલે ટી.વી.-સિનેમાથી દૂર જ રહેવું. જોવા જેવા તો ભગવાન અને સંત છે. એનાથી જ શાંતિ થાય, પણ ટી.વી. જોવામાં કોઈ લાભ નથી એટલે એ ન જ જોવું.


🙏Jai Swaminarayan🙏

--------------------------------------------

--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------

Comments