ભગવાનના કર્તાપણાનો વિચાર
:- સફળતા મળે તોપણ ભગવાનની ઇચ્છા -:
- પ્રસંગ : વરસાદ મેં વરસાવ્યો જ નથી
ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઊજવાશે એની જાહેરાતો બધે જ થઈ ચૂકી હતી, પણ વરસાદ ખૂબ ખેંચાયો. નિર્ણય એવો લેવાયો કે ઉત્સવ ૫૯ દિવસોને બદલે ૪-૫ મુખ્ય દિવસો પૂરતો ઊજવવો. મીટિંગ બાદ ઊભા થતાં-થતાં પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘ ભલે આપણે આ નિર્ણય લીધો પણ મને શ્રદ્ધા છે કે વરસાદ પડશે. અમે રોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ”
આ અરસામાં બીજો પ્રસંગ બન્યો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ અમદાવાદમાં લાલ દરવાજે બસસ્ટેન્ડ ઉપર લાઇનમાં ઊભા હતા. બાજુમાં આપણા એક હરિભક્ત ઉપેન્દ્ર રાવલ ઊભા હતા, બાબુભાઈ તેમને કહે, ‘ પ્રમુખસ્વામી ઉત્સવ લઈને બેઠા છે, પણ વરસાદ નથી તો ન ઊજવે તો સારું.’ ઉપેન્દ્રભાઈ કહે, ‘ વરસાદ પડશે જ.’ બાબુભાઈએ પૂછ્યું, ‘ તમને શાથી ખાતરી છે ? ' ઉપેન્દ્રભાઈએ જવાબ આપ્યો, ' પ્રમુખસ્વામીએ કહ્યું છે એટલે. સ્વામી તો સમર્થ અને અંતર્યામી છે. '
જુલાઈથી સપ્ટેમ્બર કોરા ગયા, પણ ૫ ઓક્ટોબરે મુશળધાર વરસાદ પડ્યો. સ્વામીની શ્રદ્ધાને સૌ વંદી રહ્યા. બાબુભાઈને અમેરીકામાં વરસાદના સમાચાર મળ્યા. તેઓ ખૂબ રાજી થયા. ઉત્સવના પ૭ મે દિવસે તેઓ સ્વામિનારાયણ નગરમાં આવ્યા ને અને લાલ દરવાજાવાળો પ્રસંગ વર્ણવ્યો.
ઉત્સવ સારી રીતે ઊજવાયો. વાત પણ બધે ફેલાઈ કે પ્રમુખસ્વામીએ વરસાદ વરસાવ્યો. આ સાંભળી દ્વેષીઓ ઊંચા-નીચા થયા. સને ૧૯૮૬ માં વરસાદ ફરી ખેંચાયો, એટલે દ્વેષીઓ કહેવા લાગ્યા, ‘લોક અને ઢોર વરસાદ વગર પીડાય છે, તો પ્રમુખસ્વામીમાં તાકાત હોય ફરી વખત વરસાદ વરસાવે.’ કોઈકે સ્વામીને આ વાતની જાણ કરી ત્યારે સ્વામી કહે, એ લોકો સાચું કહે છે. વરસાદ મેં વરસાવ્યો ન જ નથી. ભગવાન શ્રીજીમહારાજે વરસાવ્યો હતો. આ વખતે એમની ઇરછા હશે તો વરસશે. નહીં ઇચ્છા હોય તો નહીં વરસે. '
- પ્રસંગ : છાતી ઉપર કાંકરીનોય ભાર નથી
૮-૭-૨૦૦૫. દિલ્હી. અક્ષરધામ બાબતે પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘જોગીબાપાનો સંકલ્પ એટલે એ સંકલ્પ કામ કરે છે. એક સંત કહે, ‘યોગીજી મહારાજનો સંકલ્પ તો આટલું મોટું અક્ષરધામ કરવાનો ન જ હતોને !' તેઓને અટકાવતાં સ્વીમી કહે, ‘એવું કેમ બોલો છો ? એમનો અકેય સંકલ્પ નાનો હતો નહીં. બ્રહ્માંડ ડોલાવવાની જ વાતો તેઓ કરતા, તો આ અક્ષરધામ તો શું હિસાબમાં ?”
તે સંત કહે, ‘પણ આ અક્ષરધામ તો આપે જ કર્યુંને ?' સ્વામી કહે, ‘મારી વાત ક્યાં કરો છો ? એ તો જોગી બાપાનો જબરજસ્ત મોટો સંકલ્પ. માટે ડંકો વાગી ગયો.”
ત્યારબાદ બહારના મહાનુભાવો પણ ‘અક્ષરધામ સ્વામીએ જ કર્યું છે.' એવું કહે છે છતાં સ્વામી સ્વીકારતા નથી-તેની વાત નીકળી. બીજા એક સંત કહે, 'તમને 'મેં નથી કર્યું.' એમ કહેવામાં શું મળે છે ?' સ્વામી કહે, ‘કર્તા ભગવાન જ છે. ભગવાનની ઇચ્છા પ્રમાણે ચાલે છે ને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે કર્યું છે-એમ આપણે સેવક થઈને કરવાનું છે.’
પેલા સંત કહે, ‘પણ એમાં લોકોને ગેરસમજ થાયને.” સ્વામી કહે, ‘ના થાય.' સંત કહે, ‘ગુણાતીતાનંદ સ્વામીએ મરેલું ઢોર પડેલું જોઈને કહ્યું હતું કે અમારી શક્તિ કાઢી લઇએ તો આખું બ્રહ્માંડ ગંધાઈ ઊઠે. એમ બધી જ શક્તિ અક્ષરબ્રહ્મની છે, આપની જ છે. 'સ્વામી કહે, ‘હા, એ જ વાત કરે છેને. 'સંત કહે, ‘એ જ તમે છોને ?' સ્વામી કહે, ‘એમની શક્તિથી જ આ થાય છે. તેઓ જ બધું કામ કરે છે.’
સંતો હારી ગયા હોય એ ભાવ સાથે બોલ્યા, ચાલો, જવા દો હવે,” આ સાંભળતાં જ હસતાં- હસતાં સ્વામી કહે,‘આપણી ગુરુપરંપરાની વાત જ આ છે. બધાને એક જ વિચાર હતો કે સર્વ કર્તા પરમાત્મા જ છે.'
૩-૨-૨૦૦૩. દિલ્હી, 'સ્વામિનારાયણ અક્ષરધામ' નું વિશાળ બાંધકામ પુરજોશમાં ચાલતું હતું. ચારે બાજુ અનેક પત્થરો પડેલા હતા. એક સંતે આ જોઈને સ્વામીને કહ્યું, ‘આ આખું સંકુલ તૈયાર કરીને કોઈને ભેટ આપી દઈએ તોપણ તેને હાર્ટએટેક આવી જાય કે હું આ કેવી રીતે સંભાળી શકીશ ! જ્યારે આપ બધું નચિંતપણે વ્યવસ્થિત કરી રહ્યાં છો.'
આ સાંભળીને સ્વામીએ કહ્યું, ‘શાસ્ત્રીજી મહારાજ અને યોગી મહારાજની કૃપાથી, આટલા બધા પથરા બધે પડયા છે, પણ અમને અમારી છાતી ઉપર કાંકરીનોય ભાર નથી, કારણ કે અમે ક્યાં કાંઈ કરીએ છીએ ? બધું શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ ગોઠવે છે. તેમની ગણતરી પ્રમાણે કામ ચાલે છે. મને પણ આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે ચાલે છે !'
- પ્રસંગ : શક્તિ ગુરુની છે, ભગવાનની છે
૯-૫-૨૦૦૮. સારંગપુર. પ્રમુખસ્વામી મહારાજ ઠાકોરજી જમાડવા બિરાજ્યા. એ દરમ્યાન એક સંત કહે, ‘ લંડનમાં જગદીશભાઈ રહે છે. જલારામ બાપાનો પ્રવેશ તેઓમાં થાય છે, એવું તેઓના શિષ્યો માને છે. આ શિષ્યગણમાં ક્રાઇમલ નામનો એક ઇટાલિયન પણ છે. ક્રાઇમલને લગ્ન પછી ૨૨ વર્ષે જગદીશભાઈના આશીર્વાદથી દીકરો થયો હતો. આ ક્રાઇમલ પોપ બેનીડીટ સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવે છે. ક્રાઇમલે પોપને આ ચમત્કારની વાત કરી ત્યારે જગદીશભાઈને ખાસ આમંત્રણ આપીને પોપે બોલાવ્યા હતા. અને તેઓને પૂછ્યું હતું કે, ‘ તમારામાં આ શક્તિ છે, એ પહેલેથી જ છે કે કોઈ સાધનાથી મેળવી છે. '
ત્યારે જગદીશભાઈએ કહ્યું કે, ‘ સાધના કોઈ કરી નથી, પણ ભગવાનની કૃપાથી મળી છે, અને આ જગદીશભાઈને આપનો અને દિલ્હી અક્ષરધામનો ખૂબ મહિમા છે. એમણે આપની અને દિલ્હી અક્ષરધામની વાત પણ પોપને કરી. ત્યારે પોપે કહ્યું કે, ‘ અમારી પાસે દિલ્હી અક્ષરધામની બધી જ માહિતી છે. એના ફોટાથી માંડીને બધું જ છે. ' જગદીશભાઈએ જ્યારે પોપને કહ્યું કે, ' પાંચ જ વર્ષમાં પ્રમુખસ્વામીએ આટલું અદ્ભુત સ્મારક બાંધી દીધું ! ’ ત્યારે એ સંદર્ભમાં પોપે એમને પૂછ્યું કે, ‘ આવી દૈવી ચમત્કારિક શક્તિ પ્રમુખસ્વામીમાં પહેલેથી જ છે કે મેળવેલી છે ? ’ ત્યારે જગદીશભાઈએ કહ્યું કે, ‘ એમને મેળવવાનું હોય જ નહીં. એમને તો પહેલેથી જ છે. આ એમની કુદરતી શક્તિ છે. ’
પ્રસંગ સાંભળી રહેલા સ્વામીએ તરત જ કહ્યું, ‘ શક્તિ આપણી જાતે પહેલેથી ક્યાંથી હોય ? આ તો ગુરુએ આપેલી છે. ભગવાને આપેલી છે. ’
એક સંત કહે, ‘ ગુરુની કૃપા જ છેને આપને તો. ’ સ્વામી કહે, ‘ કર્તાહર્તા તેઓ જ છે. શક્તિ એમની છે. એ વિચાર રહે તો અખંડ આનંદ રહે, નહીંતર અહંકાર આવી જાય. ’
:- નિષ્ફળતા મળે તોપણ ભગવાનની ઇચ્છા -:
- પ્રસંગ : મહારાજ જેમ રાખે તેમાં રાજી રહેવું
સને ૧૯૮૩ માં લંડનમાં હેરો વિસ્તારમાં સંસ્થાએ મંદિર બાંધવા મોટી જમીન ખરીદી હતી. સને ૧૯૮૫ માં તે વિસ્તારમાં વસતા. અંગ્રેજોના વિરોધના કારણે ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટે મંદિર બાંધવાની પરવાનગી ન આપી, પછી સંસ્થાએ મોટો વકીલ રોકી કોર્ટમાં કેસ દાખલ કર્યો, મંદિર બાંધવાના ટેકા માટે તે વિસ્તારમાં વસતા વીસેક હાર ભારતીયોની સહીઓ એકત્રિત કરી. કેસ મજબૂત હતો છતાં અમુક સાવ નજીવાં કારણોસર કોર્ટે સંસ્થા વિરુદ્ધ ચુકાદો આપ્યો. સત્સંગીઓ નિરાશ થઈ ગયા. સ્વામી તે વખતે અટલાદરા બિરાજતી હતા. લંડનથી ટ્રસ્ટી જશભાઈ પટેલનો રાત્રે ૧૧ વાગ્યે આ અંગેનો ફોન આવ્યો. ફોન બાદ સ્વામીએ ફોનની વિગત સંતોને જણાવી અને ' જેવી ભગવાનની મરજી ' એમ કહીને તેમનો સમય પ્રમાણે તરત સૂઈ ગયા ! ઘણા સંતોને ઊંઘ ન આવી. સ્વામીએ બીજે દિવસે લંડન મંડળ ઉપર મોટો પત્ર લખ્યો ? "મહારાજ જેમ રાખે તેમ રાજી રહેવું. તેઓ જે કરતા હશે તે સારા માટે જ હશે.”
- પ્રસંગ : ભગવાન કરે તે સારા માટે
૨૪-૯-૨૦૦૨. ગાંધીનગર અક્ષરધામમાં બે યુવાન આતંકવાદીઓ ઘુસી આવ્યા. તેમણે ૩૦ લોકોને મારી નાંખ્યા અને ૮૦ લોકોને ઈજા પહોંચાડી. ગુજરાત પોલીસદળ અને NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) ના કમાન્ડોએ ઓપરેશન હાથમાં લીધું અને બીજા દિવસની સવારે જ બંને આતંકવાદીઓને મોતને હવાલે કરી દીધા.
ગાંધીનગરનું અક્ષરધામ એ સંસ્થા માટે ખૂબ જ મહત્ત્વનું સ્મારક કહેવાય. વળી, અમેરિકા, દિલ્હીના અક્ષરધામ પહેલાં આ અક્ષરધામ થયેલું છે તેથી તેને બનાવવામાં પ્રમુખસ્વામી મહારાજને ખૂબ જ પરિશ્રમ પડ્યો હતો. છતાં જ્યારે તેમને સારંગપુરમાં પ્રથમવાર આતંકવાદના સમાચાર મળ્યા ત્યારે તેઓએ ખૂબ જ સ્થિરતાથી કહ્યું, ‘જેવી ભગવાનની ઇરછી. આતંકવાદીઓ હવે વધુને જાનહાનિ ન કરે અને વહેલી તકે પકડાઈ જાય એ માટે પ્રાર્થના કરીએ છીએ, વળી, સ્વામીએ દેશની તમામ જનતાને શાંતિ જાળવવાની આગ્રહપૂર્વક અપીલ કરી. આવા કટોકટીના સમયે પણ તેમની સમજણ ખૂબ જ સ્પષ્ટ હતી.
૨૬-૯-૨૦૦૨. સારંગપુર, ટી.વી. ચેનલ પર સંદેશ આપતાં સ્વામી બોલ્યા, ‘અક્ષરધામમાં જે પ્રસંગ બન્યો તે ખૂબ જ દુ:ખદ બનાવ બન્યો, કેવી રીતે પ્રસંગ બન્યો તે તો ભગવાન જ જાણે. જે કરતા હશે તે સારું જ કરતા હશે-એ અમારી માન્યતા છે. અમારી એ દૃઢતા છે કે ભગવાન જે કરતા હોય તે સારા માટે જ કરતા હોય. એટલે આ જે થયું છે તે અમારા હિત માટે જ હશે, અમારા સારા માટે જ હશે અથવા અમને અંતદ્રષ્ટિ થાય એના માટે પણ હશે.”
- પ્રસંગ : ભયંકર દુઃખમાં પણ ભગવાન કર્તાહર્તા
સને ૨૦૦૧. ૨૬ જાન્યુઆરી. સવારે ૮-૪૬ વાગ્યે ૨ મિનિટ માટે ભૂજમાં ભૂકંપ આવ્યો. અડધા ઉપર ગુજરાત હચમચી ઊઠ્યું. ૨૦ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા. ૧ લાખ ૬૫ હજાર લોકોને ઈજા થઈ. ૪ લાખ ઘરો પડી ગયાં !!
આ કુદરતી આપત્તિમાં સૌ પ્રથમ રસોડું આપણી સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ૧૫ ગામો અને ૪૯ શાળાઓનું પુનઃનિર્માણ સંસ્થાએ હાથ ધર્યું હતું. ટીન સિટી ઊભી કરી સંસ્થાએ વર્ષો સુધી પીડિતોની સંભાળ લીધી હતી. આ સૌમાં પ્રમુખસ્વામી મહારાજે રાતોની રાતો જાગી માર્ગદર્શન આપ્યું હતું અને સંસ્થા દ્વારા જેટલું થઈ શકે તેટલું કરવાની આજ્ઞા આપી હતી.
૬-૪-૨૦૦૧. દુબઇ. ભૂકંપનાં રાહતકાર્યો અંગેની સભામાં આશીર્વાદ આપતાં સ્વામીએ કહ્યું હતું : ‘ ભૂકંપ એ દૈવી કોપ છે. આપણે આવી બધી આફતોનો હિંમતથી સામનો કરવાનો છે. આપણને ભગવાનમાં શ્રદ્ધા છે કે તેઓ બધું સારું જ કરશે. તમે સહકાર આપ્યો, એ પણ ભગવાનની ઇચ્છાથી. લોકોને સહાય મળી, એ પણ ભગવાનની ઇરછાથી. બી.એ.પી.એસ. સંસ્થાએ રાહતકાર્ય કર્યું, એ પણ ભગવાનની ઇચ્છાથી. એટલે દુઃખ આવ્યું એ પણ ભગવાનની ઇચ્છાથી. ’
સને ૨૦૦૫. જામનગર, લંડનમાં છ બોમ્બબ્લાસ્ટ થયા હતા. એના પરથી અયોધ્યામાં ફૂટેલા બોમ્બની વાત નીકળી. કોઈએ પૂછ્યું , ‘ આમાં શું સમજવું ? ’ પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘ એક વાત સમજવાની છે કે જે કરે છે એ ભગવાન જ કરે છે. ’ કોઈએ પૂછ્યું, ‘ પણ આમાં રહસ્ય શું છે ? ’ સ્વામી કહે, ‘ જો ભગવાનને કર્તા માનીએ તો પછી કોઈ શંકા જ રહે નહીં. એ કરે એ પણ સારા માટે અને ન કરે એ પણ સારા માટે, સુખ આપે એ પણ સારા માટે અને દુ:ખ આપે એ પણ સારા માટે. '
- પ્રસંગ : ૮૦ % માર્કસ સર્વકર્તાના જ છે
૩૦-૫-૨૦૧૭ . સારંગપુર. રાત્રે ભોજન બાદ આજના દિવસનું પ્રેરણાવાક્ય લખવાનું મહંતસ્વામી મહારાજને કહેવામા આવ્યું. સ્વામીશ્રીએ લખ્યું, ' ભગવાન સર્વકર્તા છે. (સાધનામાં) ૮૦% માર્કસ આના જ છે.'
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------


રામ રાખે તેને કોણ ચાખે.....
ReplyDeleteરામ રાખે તેમ રહીએ ઓધવજી....
બીજા ના ભલામા આપણુ ભલુ.