સત્સંગ
- પ્રસંગ : ૪૦૦ કુટુંબોને સત્સંગી કર્યા
મુંબઈના શંકર ભગત. તેમનું વર્તન સાહજિક એવું કે નવા હરિભક્તોને કાર્યકર થવાની પ્રેરણા મળે. સને ૧૯૭૪ માં તેમનાં પત્ની ધામમાં ગયાં. તેમને ૨ નાના દીકરા હતા. તેઓ પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીને મળ્યા. સ્વામી કહે, ‘ હવે બીજા લગ્ન ન કરતા. તમે મહારાજનું સત્સંગનું કામ કરજો, શ્રીજીમહારાજ તમારો ઘર-વ્યવહાર ચલાવશે. ’ આથી તેઓ સત્સંગ પ્રચારનો જ વિચાર રાખવા લાગ્યા.
તેઓ અત્યારે મલાડમાં એકલા રહે છે. રોજ સવારે બે ટાઇમનું રાંધી લે છે. હીરામાં દલાલી કરી સાંજે ૫ વાગ્યે પાછા આવે છે. હાલ તેઓ કોઈ નિમાયેલા કાર્યકર નથી, પરંતુ તેમણે ઉત્તર ગુજરાતના પોતાના ગામ એવા ગઢ ગામમાં ખૂબ સત્સંગ કરાવ્યો છે. ગઢ ગામની આસપાસનાં ૧૬ ગામનાં ૧,000 કુટુંબો મુંબઈમાં વસે છે. શંકર ભગતે બધાંને સત્સંગ કરાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં બધા તેઓને ધુત્કારતા,ટી.વી. જોતા હોય તો સામે પણ ન જુએ. છતાં શંકર ભગત શ્રદ્ધાથી બધાના ઘરે બેસે અને પ્રેમથી વાત સમજાવે.
છેલ્લાં ૩૫ વર્ષમાં તેમણે ૧,૦૦૦ કુટુંબોમાંથી ૪00 કુટુંબોને નિષ્ઠાવાન સત્સંગી કર્યા છે ! ઝોળીમાં તેઓ ૧,૫૦૦ મણ ઘઉં ભેગા કરે છે, તેમની સમજણ એવી કે, “ સેવા લઈએ અને વ્યક્તિનું અન્ન ઠાકોરજી જમે તો તેને સત્સંગ થાય. ' તેમનામાં કોઈ વિશેષ આવડત પણ નથી. પ્રમુખસ્વામી મહારાજના ભોજન વખતે તેમનો રિપોર્ટ અપાયો ત્યારે કોઈએ પૂછ્યું, શું વાત કરો છો ? ' તેઓ કહે, ‘ પ્રમુખસ્વામી મહારાજ સાચા સંત છે. આશરો કરો તો કલ્યાણ થશે. વ્યસન મૂકો તો સુખી થશો. આજે ગોરેગાંવ અને મલાડના મોટાભાગના કાર્યકરોના મૂળમાં શંકર ભગત છે. તેમની મહેનતના ફળરૂપે મલાડમાં ૮૦૦ હરિભક્તોની સભા થાય છે.
એકવાર દાદરની રવિસભામાં પ્રમુખસ્વામી મહારાજે શંકર ભગતની વાત કરી કહ્યું હતું ‘ આપણે પર્વતભાઈને જોયા નથી, પણ આમનાં દર્શન કરો. આ પર્વતભાઈ જેવા છે.
- પ્રસંગ : આખા દેશમાં સત્સંગ
સને ૧૯૬૮. ગોરાણા. યોગીજી મહારાજ કહે, ‘આખો દેશ સત્સંગમાં લેવો છે. આખું બ્રહ્માંડ જગાડવું છે. નાના સંતો આખું હિંદુસ્તાન વશ કરશે. દરેક ઠેકાણે ફરશે. આપણે તો દરેક ગામમાં ભીડો વેઠીને અક્ષરપુરુષોત્તમની મૂર્તિ પધરાવી દેવી છે. ”
સને ૧૯૭૦. નૈરોબી. યોગીજી મહારાજ કહે, ‘આ દેશમાં પુરુષોત્તમનારાયણ બેસે તે ઓછાં ભાગ્ય ન કહેવાય. દરેક ગામમાં, દરેકશહેરમાં પુરુષોત્તમનારાયણ બેસી જશે. એ વાતની ખાતરી રાખજો.
- પ્રસંગ : આખા બ્રહ્માંડમાં સત્સંગ
૯-૪-૨૦૦૬. સારંગપુર. પ્રમુખસ્વામી મહારાજ સંતો સાથે હળવી ગોષ્ઠિ કરી રહ્યા હતા. એક સંતનો પરિચય પૂછ્યો. કોઈએ કહ્યું , ‘ તેણે એમ.એસ.સી. (M.S.C) કર્યું છે. ' સ્વામી કહે, ‘ વિજ્ઞાનનું જે કાંઈ ભણ્યા છો એ બધું યાદ રાખવાનું. કારણ કે યોગીજી મહારાજ કહેતા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે. ” તો વિજ્ઞાનવાળા ભેગા થયા છો તો એવી ટેકનિક શોધો-એવું સંશોધન કરો કે બ્રહ્માંડમાં સત્સંગ થઈ જાય. ’
એમ કહી સ્વામીએ સામે એક બીજા સંત હતા તેમને પૂછ્યું , ‘ તમે શું ભણ્યા છો ? ' તેઓ કહે, “ કમ્યુટર પ્રોગ્રામિંગ. ' સ્વામી તરત જ બોલ્યા, ‘ તો એવા પ્રોગ્રામ બનાવો કે આખા બ્રહ્માંડમાં સત્સંગ થઈ જાય અને બધા ભગવાનનું ભજન કરે. ”
સામે એક બીજા સંત ઊભા હતા. તેઓ વિવિધ વીડિયો બનાવતા હતા. તેમને જોઈને સ્વામી કહે, ‘ તમે જુદી-જુદી વીડિયો બનાવો છોને ! તો હવે એવી વીડિયો બનાવો કે તેને જુએ ને જોનારને તરત જ સત્સંગ થઈ જાય. '
એક સંત કહે, ‘ આપનો પ્રવેશ થાય તો જ આ બધું થાય. ” સ્વામી કહે , ‘ પ્રવેશ થયો ત્યારે તો તમે અહીં આવ્યા છો. જેમ ટેક્નોલોજીથી એક જગ્યાએ બેઠા-બેઠા બધે કામ થાય, તેમ આપણે એવું કરો કે બેઠા-બેઠા આખી દુનિયામાં બધાને જ્ઞાન થઇ જાય ! યોગીજી મહારાજનો સંકલ્પ આપણે પૂરો કરવાનો છે. તમે બધા ટેકનિક લઈને આવ્યા છો , તો કરજો. ”
- પ્રસંગ : બાળકે ૭૫ યજમાન બનાવ્યા
રાત્રે સૂતાં સમયે સ્વામીશ્રી હરિભક્તોને દર્શન આપવા રૂમની બહાર પધાર્યા. ભક્તેશને જોઈને કહે, ‘ પેલા ૭૫ યજમાનવાળાને બોલાવો. ' એમ કહી સ્વામીશ્રીએ ભકતેશને નજીક બોલાવી માથે હાથ મૂકી ખૂબ જ આશીર્વાદ આપ્યા અને પ્રેમથી ભેટ્યા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા : કાર્યકરો ! કાર્ય કરો. કાર્યકરો એ ધોળા કપડે સાધુ જ છે. ”
- પ્રસંગ : બીજાને હેતે કરીને સત્સંગ કરાવવો
સંવત ૧૮૭૧ ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામી શ્રીજીમહારાજ સાથે ગઢડા પધાર્યા. એક વખત સભામાં ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો : ‘ (૧) ભગવાનનું અખંડ ધ્યાન કરવું, (૨) આત્મારૂપે વર્તવું, (૩) માંદાની સેવા કરવી અને (૪) વાતો કરવી - આ ચારમાં કયું સાધન સાધક માટે શ્રેષ્ઠ છે ? ’ શ્રીજીમહારાજે આ જ પ્રશ્ન સભામાં સર્વ સંતોને પૂછ્યો. કોઈકે ધ્યાન તો કોઈકે સેવા શ્રેષ્ઠ છે, તેમ કહ્યું. પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નહીં. તેથી શ્રીજીમહારાજે નાજા જોગિયાને કહ્યું, ‘ મુક્તાનંદ સ્વામીને બોલાવો. તેઓ ઉત્તર કરશે. ’
મુક્તાનંદ સ્વામી સભામાં આવ્યા. પ્રશ્ન સાંભળી કહ્યું, ‘ મને તો ધ્યાન કરવું એ જ શ્રેષ્ઠ લાગે છે. ’ પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, ‘ દક્ષના ૧૦ હજાર દીકરા કયા કારણે ત્યાગી થયા હતા ? ’ તે સાંભળી મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે શ્રીજીમહારાજનો મત વાતો કરવી - એ છે.
પછી શ્રીજીમહારાજે પ્રશ્નનો ઉત્તર કરતાં કહ્યું ‘ આ ૪ માં પ્રથમનાં ૩ સાધનો તો મુમુક્ષુના પોતાના કલ્યાણ માટે જ છે, પરંતુ વાતો કરવી કે ઉપદેશ કરવો તે પોતાના અને અન્યના બંને માટે કલ્યાણકારી છે. રામાનંદ સ્વામીએ અમને સત્સંગ સોંપ્યો ત્યારે સત્સંગ થોડો જ હતો, આજે આટલો પ્રસરી ગયો છે અને હજુ પણ પ્રસરશે જ. આ બધો વાતોનો પ્રભાવ છે. આજથી અમારી તમને સૌને આજ્ઞા છે કે જેમ કોઈ વિદ્યાર્થી ભણતો જાય અને પાછળના વિધાર્થીને ભણાવતો જાય, તે જ પ્રમાણે અમારા આશ્રિત ત્યાગી - ગૃહસ્થ ભાઈ કે બાઈ હોય તેમણે પોતાને જેટલો સત્સંગ દૃઢ થયો છે, તે બીજાને પણ હેતે કરીને દૃઢ કરાવો. ’
શ્રીજીમહારાજે આગ્રહપૂર્વક ઉપદેશેલા આ ઉત્તરથી સભામાં બેઠેલા સંતોને શ્રીજીમહારાજનું રહસ્ય સમજાઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યારથી જ નિશ્ચય કરી લીધો કે, વાતો જ કરવી, સોંપો પડવા દેવો જ નહીં, ’
- પ્રસંગ : પાંદડે પાંદડે ભજન
સને ૧૯૬૪. વિદ્યાનગર. છાત્રાલયની લોબીમાં બેસી યોગીબાપાએ કેફમાં કહ્યું હતું : ‘ ૫૦૦ વર્ષમાં પૃથ્વીનો કોઈ ખૂણો બાકી નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. પાંદડે - પાંદડે ભજન થશે, એ વાત સાચી ઠરશે. '
- પ્રસંગ : આખા વિશ્વમાં સત્સંગ
૧૪-૦-૨૦૦૭ , જેક્સનવીલે. કાર્યકર્તાઓ અમેરિકાનો નકશો લઈને આવ્યા હતા. દરેક સ્ટેટમાં જ્યાં - જ્યાં સત્સંગ છે, ત્યાં ભગવા રંગની નિશાની કરી હતી. તેઓ પ્રમુખસ્વામી મહારાજની નજીક આવ્યા. કાર્યકરો પાસે એક વાટકામાં ભગવા રંગનું પ્રવાહી હતું.
તેઓએ સ્વામીને વિનંતી કરતાં કહ્યું, ‘ સમગ્ર અમેરિકાને રંગવું હોય તો એ માટે આપ બધાં સ્ટેટ ઉપર ભગવો રંગ છાંટી આપો. ’ સ્વામીએ ગુલાબનાં પુષ્પો વડે બધાં સ્ટેટ ઉપર રંગ છાંટી દીધો અને કૃપાદૃષ્ટિ કરી કહ્યું, ‘ જોગીબાપાનો સંકલ્પ તો બહુ મોટો છે. આફ્રિકા, અમેરિકા, લંડન, રશિયા ને ચીન સુધી રંગવાની એમની ઇચ્છા છે. એટલે આપણે તો મંડવાનું જ છે. ' એક કાર્યકર કહે, ‘ આપના આશીર્વાદ વગર એ શક્ય નથી. ’ સ્વામી કહે, ‘ જોગી બાપાના આશીર્વાદ છે જ ને. એ તો હું કહું છું ક્યારનો. અમેરિકા તો શું બધું જ રંગાવાનું છે. ’ સ્વામીએ સમગ્ર વિશ્વમાં ડંકો મારવાની પ્રેરણા સૌને આપી.
૨૨-૧૨-૨૦૦૮. સુલતાનાબાદ. કેનેડા રહેતા હર્ષદભાઈ પટેલે પ્રમુખસ્વામી મહારાજને કહ્યું, ‘ કોઈ એક વિશિષ્ટ નિયમ આપો. ’ સ્વામી તરત જ કહે, ‘ સત્સંગ કરવો અને કરાવવો. ’
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Comments
Post a Comment