ભગવાનની પ્રાપ્તિ. લેખ-૧

મુદ્દો-૧ : " અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે  "
  • પ્રસંગ : બીજા જન્મે ભગવાનની પ્રાપ્તિ થઈ 

                  વૃંદાવનના લક્ષ્મીચંદ શેઠે શ્રીરંગજીનું મંદિર બનાવ્યું હતું. તેના આંગણામાં ૨૨ મણ સોનાથી મઢાવેલો કીર્તિસ્તંભ બનાવ્યો હતો. તેઓ દરરોજ સદાવ્રત આપતા. એકવાર પરમહંસ સુખાનંદ સ્વામી સદાવ્રતના સ્થળે દૂર ઊભા હતા. તેથી શેઠે આશ્ચર્યથી આ બાબતે તેમને પૂછ્યું ત્યારે સુખાનંદ સ્વામીએ સ્ત્રી-ધનના ત્યાગની અને ભગવાન સ્વામિનારાયણ વિશેની વાત કરી. એ દિવસે લક્ષ્મીચંદ શેઠને રાત્રે શાંતિથી ઊંઘ આવી ગઈ. 

                 લક્ષ્મીચંદ શેઠે સંતોને અત્તરની શીશી આપી અને શ્રીજીમહારાજને વૃંદાવન પધારવા વિનંતી કરી. ગઢડામાં આ અત્તર લઈને શ્રીજીમહારાજે સર્વ સંતોને નાકે ચચર્યું અને કહ્યું, ‘તમારું નાક (આબરૂ) રહેશે અને બીજા ભેખ ધૂળધાણી થઈ જશે.' પછી બોલ્યા, ‘આ લક્ષ્મીચંદ શેઠનાં પુણ્ય હજી ઉદય થયાં નથી. તેથી અમારો યોગ થશે નહીં, પરંતુ તેમની આ સેવાથી આવતા જન્મે તેમને અમારો યોગ થશે.' 

                આ બાજુ શેઠે ૩-૪ મહિના રાહ જોઈ, પણ શ્રીજીમહારાજ ના આવ્યા તેથી તેઓ ગઢડા આવવા નીકળ્યા. વચ્ચે ઘોડી પરથી પડ્યા ને મૃત્યુ પામ્યા. તેમનો બીજો જન્મ કારિયાણીના નથુ પટેલ તરીકે થયો હતો.



મુદ્દો-૨ : " સર્વોપરી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે  "

  •  પ્રસંગ : શ્રીજીમહારાજમાં ૨૪ અવતારોનાં દર્શન

                અગતરાઈ ગામમાં પર્વતભાઈ રહેતા હતા. તેઓ શ્રીજીમહારાજના નિષ્ઠાવાન ભક્ત હતા. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વૈરાગ્યમય જીવન જીવતા હતા. એક વાર હળ ચલાવતાં ચલાવતાં તેમને વિચાર થયો કે, 'ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો હતો, તે કેવોક હશે ?' ત્યાં તો તેમની નજર સામે તેમને વરાહ અવતારનાં દર્શન થયાં. થોડી વાર પછી કૂર્મ અવતારનાં દર્શન થયાં. પછી તો એક પછી એક એમ નૃસિંહ, વામન, રામ, કૃષ્ણ, બુદ્ધ-એમ ૨૪ અવતારો તેમની નજર સમક્ષ આવ્યા. 

                એમને થયું, ‘આ બધું શું થાય છે ?' પરંતુ શ્રીજીમહારાજે અંતર્યામીપણે તેમનો વરાહ અવતાર જોવાનો સંકલ્પ જાણી લીધો હતો. આજે વરાહ અવતાર જોવાની ઇરછા થઈ છે, તો કાલે બીજી થશે..... માટે બધા અવતાર દેખાડી દઉં.’ એમ વિચારી, શ્રીજીમહારાજે પર્વતભાઈનો સંકલ્પ પૂરો કર્યો હતો.

               થોડી વાર પછી પર્વતભાઈને વિચાર આવ્યો, આ ચોવીસેય અવતારના કારણ કોણ હશે ?' અને તરત જ તેમને શ્રીજીમહારાજ નજર સમક્ષ દેખાયા. અને આશ્ચર્ય તો એ થયું કે ચોવીસેય અવતારો, એક સાથે શ્રીજીમહારાજના તેજમાં દેખાયા. પછી એક પછી એક બધા અવતારો શ્રીજીમહારાજમાં સમાઈ ગયા !! પર્વતભાઈના આનંદનો પાર ન રહ્યો. ‘અહોહો ! મહારાજનું એશ્વર્ય તો જુઓ !' એવા ઉદગારો તેમના મુખમાંથી સરી પડ્યા. 

               પર્વતભાઈને સમજાઈ ગયું : “જે સર્વોપરી હોય તે જ બીજાને પોતાના સ્વરૂપમાં લીન કરી શકે. શ્રીજીમહારાજ ખરેખર સર્વોપરી ભગવાન છે.' 

🔵 તર્ક :

(૧) શાસ્ત્રોમાં દર્શાવેલ વર્ણન મુજબ શ્રીકૃષ્ણ ભગવાનનું ધામ ગોલોક, શ્રીરામચંદ્ર ભગવાનનું ધામ સાકેત, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું ધામ વૈકુંઠ છે. તે તમામ ધામોમાં સ્ત્રી-પુરુષના ભાવો છે. એટલે કે ત્યાં કોઈક સ્ત્રી છે ને કોઈક પુરુષ પણ છે. સ્ત્રી-પુરુષના ભાવો તો માયિક છે. માટે તે તમામ ધામો માયામાં છે-એમ કહી શકાય, પરંતુ અક્ષરધામમાં સ્ત્રી પુરુષ એવો માયાનો કોઈ ભાવ નથી. સૌ અક્ષરમુક્ત છે. 

(૨) વળી, આત્યંતિક પ્રલયમાં ગોલોક, વૈકુંઠ વગેરે બધાં ધામો નાશ પામે છે. તેવું અન્ય ધર્મગ્રંથોમાં જ લખાયું છે, પરંતુ અક્ષરધામ ક્યારેય નાશ પામતું નથી. આવું સનાતન જેમનું ધામ હોય તે ભગવાન પણ સર્વોપરી જ હોયને. 

(૩) હિંદુ શાસ્ત્રો મુજબ અનંતકોટિ બ્રહ્માંડો છે. દરેક બ્રહ્માંડમાં ૩ વ્યવસ્થાપક દેવ હોય છે : (૧) બ્રહ્મા=સૃષ્ટિનું સર્જન કરે છે. (૨) વિષ્ણુ=પાલન-પોષણ કરે છે અને (૩) મહેશ=પ્રલય કરે છે.

                શાસ્ત્રો મુજબ રામ, કૃષ્ણ, વરાહ, મરછ, કરછ વગેરે વિષ્ણુ ભગવાનના અવતારો છે. વળી, અનંતકોટિ બ્રહ્માંડો હોઈ, અનંત વિષ્ણુ ભગવાન પણ થયા. પરંતુ શ્રીજમહારાજ તો તે તમામ બ્રહ્માંડો તથા બ્રહ્માંડોના દેવોના પણ દેવ છે.


મુદ્દો-૩ : " પ્રગટ શ્રીજીમહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે "

  •   પ્રસંગ અખંડ રહ્યો છું

                ૪૯ વર્ષે શ્રીજીમહારાજ અક્ષરધામમાં જવા ઇચ્છતા હતા. એમનું કાર્ય સમાપ્ત થયું હતું. એમણે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢથી બોલાવ્યા. સ્વામીને મળીને શ્રીજીમહારાજ તેમને ભેટ્યા ને સ્વામીની સામું જોઈ ગાવા લાગ્યા : 

              ‘મીઠા વહાલા કેમ વિસરું મારું, તમથી બાંધેલ તન હો... ' 

              કોઈ સંત કહે, ‘મહારાજ ! તમારો વિયોગ ગુણાતીતાનંદ સ્વામી નહીં સહી શકે. માટે એમને ક્યાંક બીજે મોકલી દો તો સારું. ' શ્રીજીમહારાજ મંદ હાસ્ય કરી કહે, ક્યાં મોકલી દઉં એમને ? જ્યાં હું છું ત્યાં તેઓ છે, ને જ્યાં તેઓ છે ત્યાં હું છું. અમે તો એમની સાથે અનાદિકાળની પ્રીતથી બંધાયેલા છીએ. '

               આખરે ૧-૬-૧૮૩૦ના દિવસે શ્રીજીમહારાજે દેહનો ત્યાગ કર્યો. આથી ગુણાતીતાનંદ સ્વામીને અત્યંત દુ:ખ થયું. તેઓ જ્યારે લક્ષ્મીવાડીથી દૂર શૌચક્રિયા માટે જતા હતા દરે તેમણે લીલી ધ્રો (એક પ્રકારનું ઘાસ) જોઈ. તેમને વિચાર આવ્યો કે, ‘ પાણી છે, તો આ ધ્રો જીવે છે. તેમ શ્રીજીમહારાજને લીધે અમે જીવતા હતા. હવે કેમ જીવીશું ? ’ આ વિચાર આવતાં વિયોગના દુઃખથી તેઓ બેભાન થઈ જમીન પર પડી ગયા. 

               ત્યાં તો ચમત્કાર થયો ! સ્વામીને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. શ્રીજીમહારાજે એમનો હાથ ઝાલી તેમને બેઠા કર્યા ને નજીક લઇ કહ્યું, ‘ આ શું ? હું ક્યાં ગયો છું ? ’ હું તો તમારામાં અખંડ રહ્યો છું. અખંડ રહ્યો છું. અખંડ રહ્યો છું.

               આ રીતે ગુણાતીત ગુરુપરંપરા દ્વારા આપણને શ્રીજીમહારાજની પ્રાપ્તિ થઈ છે. 

🔵 તર્ક :

(૧)  શ્રીજીમહારાજે વરતાલ પ્રકરણના ૧૯ મા વચનામૃતમાં કહ્યું છે : ‘ આ જીવને જ્યારે ભરતખંડ (ભારત) ને વિશે મનુષ્યનો દેહ આવે છે, ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. ’ શ્રીજીમહારાજે ૫૦ થી વધારે વચનામૃતોમાં લખ્યું છે કે પ્રત્યક્ષ ભગવાનથી જ કલ્યાણ થાય છે. માટે જો શ્રીજીમહારાજ હાલ પ્રગટ ન હોય, તો આ તમામ વચનામૃતો ખોટાં પડી જાય.

(૨)  હાલ પણ અનેક દેવ-દેવીઓ પોતાના ભક્તોને દર્શન દઈ કહે છે કે મોક્ષ જોઈતો હોય, તો સ્વામિનારાયણ પાસે છે. તેઓ હાલ ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ છે.


મુદ્દો-૪ : " સારનો સાર : ગુરુમાં ‘પ્રત્યક્ષ પરબ્રહ્મ’નો ભાવ "

                  અનંત બ્રહ્માંડના રાજાધિરાજ, અનંત સુખના નિધિ, સર્વોપરી શ્રીજીમહારાજ હાલ ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે. આપણે મહંતસ્વામી મહારાજમાં ' પ્રત્યક્ષ પરબ્રહ્મ 'ના એટલે કે ભગવાન શ્રીજીમહારાજના ભાવથી જોડાઈ જઈએ એ સાધનામાં સારનો સાર છે. આપણને ગુણાતીત સંત દ્વારા ભગવાન મળી ગયા છે - એ વાતનો આપણે અખંડ કેફ રાખવો જોઈએ. 

                  સને ૧૯૭૭. લંડન. સભામાં આશીર્વાદ આપતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું : ‘અહીં મનુષ્ય સ્વરૂપે છે એ જ અક્ષરધામનું સ્વરૂપ છે અને અક્ષરધામમાં છે તે જ અહીં છે. એમાં જુદો ભાવ સમજવાનો નથી. આ વાત સમજાય એટલે પરિપૂર્ણ નિશ્ચય થઈ ગયો.’ 

                  આજે મહંતસ્વામી મહારાજ સ્વરૂપે ભગવાન શ્રીજીમહારાજ આપણને દર્શન દે છે ! ભગવાન આપણી સાથે વાતો કરે છે, આપણી વાત સાંભળે છે, આપણને આશીર્વાદ આપે છે. આપણને માયા પાર કરવા તેઓ પૃથ્વી પર આવ્યા એ કેટલું મોટું ભાગ્ય !! આપણાં પુણ્યનો પાર નથી !


🙏Jai Swaminarayan🙏

--------------------------------------------

--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------


Comments