તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૧
- પ્રસંગ : ગુરુના દર્શનનું ખેચાણ
૦૧-૦૧-૨૦૦૦. અમદાવાદ. સંતોએ પ્રમુખસ્વામી મહારાજને કહ્યું : “ગોંડલમાં આપને ઘનશ્યામ મહારાજે સાક્ષાત્ દર્શના આપ્યા તે પ્રસંગ સાંભળવાની ઇચ્છા છે.'
સ્વામી કહે : ‘આ પ્રસંગ હું દીક્ષા પછી ગોંડલ ભણવા માટે રહ્યો'તો એ વખતે બન્યો હતો. શાસ્ત્રીજી મહારાજ વિષે સ્વાભાવિક હેત ને છુટા પડેલા એટલે યાદ આવે. વળી ત્યાં મને ઘનશ્યામ મહારાજની સેવા મળેલી. ગોંડલમાં સવારે ૪-૩૦ વાગે જેતલપુર તરફથી ગાડી આવતી હતી. હું ઘણી વખત સ્વામીને યાદ કરું અને તે દિવસે એ ભ્રમણામાં સૂતો હતો. પછી જાગ્યો, નાહ્યો-ધોયો, પૂજા કરતો હતો ને કોઈકે કહ્યું કે ‘શાસ્ત્રીજી મહારાજ આવ્યા. એટલે મે પૂજા મૂકી ને દોડ્યો કે 'ક્યાં છે ?'
મંદિરનાં પગથિયાં આગળ ગયો ને પૂછ્યું કે 'શાસ્ત્રીજી મહારાજ આવ્યા એ ક્યાં છે ?' તો એક માણસ ઊભો હતો. એ કહે, 'ઉપર ગયા'. એટલે હું દોડીને પગથિયાં ચઢીને ઉપર ગયો. ત્યાં ઘનશ્યામ મહારાજ સિંહાસન છે ત્યાં પોઢેલા દેખાયા . હું તેમને પગે લાગ્યો.
- પ્રસંગ : ૨૪ કલાક ગુરુ દેખાય !!
૧૧-૮-૨૦૧૭ . હ્યુસ્ટન ( અમેરિકા ). બાળદિનમાં એક બાળકે પૂછ્યું , ' સ્વામી ! અમે આંખો બંધ કરીએ ત્યારે અમને કાળુ - કાળું દેખાય છે. આપ આંખો બંધ કરો ત્યારે શું દેખાય છે ? લખી આપો. ' મહંતસ્વામી મહારાજે આંખો બંધ કરી આઈ પેડ પર લખ્યું : ' યોગીબાપા. ' રાત્રે ભોજન બાદ સેવકે આ વાત યાદ કરાવી પૂછ્યું , “ આપે આંખો બંધ કરી ત્યારે યોગીબાપા દેખાતા હતા ? ' સ્વામી કેફમાં કહે, ' તેઓ તો ૨૪ કલાક દેખાય છે. ”
ગુણાતીત સંતને ૨૪ કલાક ગુરુ દેખાય છે. આપણે પણ દિવસમાં જ્યારે સમય મળે ત્યારે વિચારવું : “ મહંતસ્વામી અત્યારે શું કરતા હશે ? ' એ રીતે દરેક કાર્યમાં તેમની સ્મૃતિ કરવી જોઈએ. વળી , જમતી વખતે : “મહારાજ જમો , સ્વામી જમો. ' સ્નાન વખતે : ‘મહારાજ ન્હાવ, સ્વામી ન્હાવ. ’ - એમ દરેક ક્રિયામાં તેમને યાદ કરવા જોઈએ.
- પ્રસંગ : અખંડ ગુરુની યાદ
- પ્રસંગઃ પોતાનું અસ્તિત્વ ભૂલી ગયા
સંવત ૧૯૨૦ માં ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી બાલમુકુંદદાસ ભગતજીને આસને ગયા , પરંતુ ભગતજી સૂઈ ગયા હતા. તેથી તેમણે ૨-૩ વખત ‘ પ્રાગજી ભક્ત ઊઠો, સ્વામી બોલાવે છે. ’ એમ કહ્યું, પરંતુ ભગતજી જાગ્યા નહીં.
એટલે બાલમુકુંદદાસે સ્વામી પાસે આવીને વાત કરી. એ સાંભળી સ્વામી હસ્યા અને ફરી કહ્યું, ‘ હવે જઈને કહો કે ગુણાતીત ઊઠો. ’ એ પ્રમાણે બાલમુકુંદદાસ સ્વામીએ ભગતજી પાસે જઈને કહ્યું એટલે ભગતજી તરત જ ઊઠ્યા અને સ્વામી પાસે આવ્યા. એટલે સ્વામીએ બાલમુકુંદદાસને કહ્યું, ‘ પ્રાગજી ભક્ત હવે પ્રાગજી નથી રહ્યા. એ તો ગુણાતીત થઈ ગયા છે એટલે તમે એને ‘પ્રાગજી - પ્રાગજી’ કહો, તે કેમ સાંભળે ? ’
આટલી હદે ગુરુહરિમય થવાનો આદર્શ ગુણાતીત સંતોએ મૂક્યો છે .
🔵 આત્મા સુધી વિચાર પહોચી જવો જોઈએ.
આપણા શરીર પર વિચારોની ખૂબ જ અસર છે. ગુરુમાં જોડાવાના આપણા વિચારો એટલી હદે તીવ્ર હોવા જોઈએ કે છેક આત્મા સુધી પહોંચી જાય એટલે કે આપણી દરેક ક્રિયામાં, દરેક વિરાારમાં ગુરુભક્તિ જ ઝળકવી જોઈએ.
આ દુનિયામાં અમુક વ્યક્તિને અમુક વસ્તુની લગની લાગી જાય છે, તો તેઓ તેની પાછળ ગાંડા જેવા થઈ જાય છે. એ વસ્તુ વિના તે વ્યક્તિને બીજું કાંઇ જ દેખાતું નથી. એવું આપણે થઈ જવું જોઈએ.
મુંબઈ. એકવાર પ્રમુખસ્વામી મહારાજની અંગત સેવામાં રહેતા યોગીચરણદાસ સ્વામીએ સ્વામીને પૂછ્યું , ‘ આપને કચારેય એમ થયું છે કે હું જ શાસ્ત્રીજી મહારાજ છું ? '
સ્વામી પ્રશ્ન સાંભળી થોડી ક્ષણ એમની સામું જોઈ રહ્યા. પછી ધીમે-ધીમે કહેવા લાગ્યા, ‘ પહેલેથી જ એમની સાથે પેલી રીતે શિષ્યભાવે રહ્યા હોઈએ એટલે એવું ન થાય, પણ જ્યારે મોટાં-મોટાં કાર્યો થાય ત્યારે એમ થાય કે મારી પોતાની તાકાત બહારની આ વાત છે. એટલે આપણામાં રહીને શાસ્ત્રીજી મહારાજે જ આ કાર્ય કર્યું છે. જ્યારે આસન કરતી વખતે હું ૐ પ્રાણાયામ કરતો હોઉં છું ત્યારે એમ અનુભવાય કે શાસ્ત્રીજી મહારાજ જ આ બોલી રહ્યા છે... '
આને કહેવાય આત્મા સુધી પહોંચી ગયેલો વિચાર.
🔵 તો પૃથ્વી પર અક્ષરધામનું સુખ.
આ રીતે આખો દિવસ ગુરુહરિમય દરેક ક્રિયા થાય તો પૃથ્વી પર જ અક્ષરધામનું સુખ આવે.
સને ૧૯૮૮. વિદેશયાત્રા દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ મોરેશિયસ જતા હતા. પ્લેનમાં સંતોએ પ્રશ્ન પૂછ્યો, ' અક્ષરધામનું સુખ કેવી રીતે આવે ? ' ત્યારે જવાબમાં સ્વામી બોલ્યા હતા, ‘ સત્પુરુષને પોતાનો આત્મા માની લેવો. સત્પુરુષનો વિચાર એ જ અક્ષરધામનું સુખ છે. એ વિચાર સાથે અક્ષરરૂપ માનતા જાઓ તો સંકલ્પમાત્ર (માયામાત્ર) ટળી જાય. આ વિચાર સાથે ભજન-ભક્તિ થાય તો અંગ દૃઢ થાય. એ વિના કર્યા કરીએ તો સંસ્કાર થાય પણ અંગ ન બંધાય. ’
" ભક્તિ સંબંધિત દરેક ક્રિયા ‘હું શરીર નથી, આત્મા છું, મહંતસ્વામી મહારાજ જેવો છું - એ ભાવ સાથે અક્ષરરૂપ થઈને કરવી જોઈએ તથા મહારાજ-સ્વામીને રાજી કરવાની ભાવના સાથે જ કરવી જોઈએ.
આ રીતે તીવ્રતાથી માળા ફેરવવાથી કે દંડવત્, આરતી, માનસી વગેરે કરવાથી ભગવાન અને સંતનો આનંદ અનુભવાય છે. અને વધુ ને વધુ ભક્તિ કરવાનું મન થાય છે. "
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------


Comments
Post a Comment