કલ્યાણ

  • કીડી - મંકોડાનુંય કલ્યાણ

                    શ્રીજીમહારાજ સંતો સાથે અડાલજની વાવ પાસે આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ વાવ પાસે લખેલો લેખ વાંચ્યો. તેમાં વાવ બંધાવનાર રાણીએ લખ્યું હતું : ‘ હું સ્ત્રી છું. ક્ષત્રિય રાજાની દીકરી છું. મેં આ વાવ મારા કલ્યાણ માટે બંધાવી છે. મને મારા જીવન દરમિયાન કોઈ મોટા પુરુષ ન મળ્યા, પણ પાછળથી મોટા પુરુષ પ્રકટ થાય, તો આ વાવનું પાણી પીને મારું કલ્યાણ કરે, એ મારી મરજી છે.

                    શ્રીજીમહારાજ અને સંતોએ વાવનું પાણી પીધું. શ્રીજીમહારાજે આશીર્વાદ આપ્યા : ' વાવ કરાવનાર રાણી, વાવમાં કામે આવનાર મજૂર, પશુ ને મરનાર કીડી - મકોડાનુંય કલ્યાણ થશે. આ વાવ સરસવના દાણાથી ભરી દઈએ ને ઉપર સગ (ઢગલો) થાય તેટલા જીવોનું મારે કલ્યાણ કરવું છે.

--------------------------------------------

  • આંબાનું કલ્યાણ 

                   સને ૧૯૫૭. જામનગર પાસે ધુવાવ ગામે યોગીજી મહારાજે એક હરિભક્તના મકાનનું ખાતમુહૂર્ત કર્યું. યોગીજી મહારાજે તે બધી જ વિધિ કરાવી. પછી હરિભક્ત કહ્યું, ‘ મારે મારા ખેતરમાં પણ આપનાં પગલાં કરાવવાં છે. ” યોગીજી મહારાજ કહે, ‘ હા, નીકળતી વખતે ખેતરે આવીશું. ' જામનગરથી રાજકોટ જતાં રસ્તામાં યોગીજી મહારાજે ગાડી પાછી લેવડાવી, પેલા પટેલના ખેતરમાં પગલાં કરવાનાં રહી ગયાં છે. ચાલો જઈએ. ' બધા કહે, બાપા, પટેલ ભૂલી ગયા ને આપણે પણ ભૂલી ગયા, જવા દોને, રાજકોટ ભેગા થઈ જઈએ.” છતાં યોગીજી મહારાજ પટેલના ખેતરે ગયા અને વિનુ ભગતનો હાથ પકડી છેક ખેતરના બીજા શેઢા સુધી ગયા. ત્યાં બે નાનાં આંબાનાં વૃક્ષો હતાં. તેનો સ્પર્શ કરી કહે, ‘૧૦ હજાર વર્ષથી તપ કરે છે. તેનું કલ્યાણ કરવા જ અમે આવ્યા હતા ! '



--------------------------------------------
  • અંગ્રેજનું કલ્યાણ 

 

                                 સને ૧૯૬૦. રોડેશિયા (આફ્રિકા). ત્યાંના ગટુમા ગામે ‘રોડ્સ-ગ્રેવ-વર્લ્ડવ્યૂ’ જોવા યોગીજી મહારાજ પધાર્યા. લગભગ ૭૫ વર્ષ પૂર્વે ' રોડસ ' નામના અંગ્રેજ પાદરીએ કેટલીય તકલીફો વેઠીને આ દેશ શોધ્યો હતો. વળી, મરણ પછી દફન માટે પણ તેણે આ જગ્યા બતાવી હતી, તેથી તે કેપટાઉનમાં મરણ પામ્યો હોવા છતાં તેને અહીં દફનાવવામાં આવ્યો હતો. રોડ્સ-ગ્રેવ સુધી જઈ સ્વામીએ ધૂન-પ્રાર્થના કરાવી. કબર નજીક પુષ્પો છાંટયાં ને કહે, ‘ઘણાં વર્ષોથી અહીં તપ કરે છે. તેથી ૧૦ વર્ષમાં બદરિકાશ્રમમાં તપ કરીને સત્સંગમાં જન્મ લેશે ! '

--------------------------------------------

  • સૌનું કલ્યાણ                      
                સને ૧૯૭o , આફ્રિકામાં યોગીજી મહારાજ કંપાલાથી મ્વાંજા જતા હતા. પ્લેન વિક્ટોરિયા સરોવર ઉપરથી જઈ રહ્યું હતું. કોઈએ કહ્યું , ‘બાપા ! નીચે વિક્ટોરિયા સરોવર છે.’ યોગીજી મહારાજ બોલ્યા, ‘આ સરોવરમાં જે સ્નાન કરશે, તે બધાનું કલ્યાણ થઈ જશે. આ પ્લેનમાં જે બેસશે તેનુંય કલ્યાણ થશે. તળાવનાંય મોટાં ભાગ્ય કે તેના ઉપર સંત હાલ્યા (પસાર થયા). તે તળાવમાં (હોડીમાં) જે બેસશે, (તેના કિનારે) હાલશે તેનુંય કલ્યાણ.


--------------------------------------------
  • આખી પૃથ્વીનું કલ્યાણ

                                   સને ૧૯૧૦, સારંગપુર , મહંતસ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો : “ આપ માનસીમાં શું કરો છો ? ' દુનિયાના મોટા ભાગના તમામ દેશોનાં નામ બોલી તેઓએ કહ્યું : “ આ બધા દેશોને યાદ કરું છું કે કોઈ સાથે વેર ન થાય. સૌનું કલ્યાણ થાય.”

                       
           ટૂંકમાં, સૌનું કલ્યાણ કરનાર સર્વોપરી ભગવાન અને ગુણાતીત સંત દ્વારા આપણી પસંદગી થઈ છે. આપણે મોક્ષ પાક્કો છે. આપણાં ભાગ્યનો પાર નથી.

--------------------------------------------

  • અનેક જીવોનું કલ્યાણ

                     સંવત ૧૮૬૭. અડાલજની વાવ ઉપર શ્રીજીમહારાજે સંતોને કહ્યું હતું કે , “ આ વાવ સરસવના દાણાથી ભરી દઈએ ને ઉપર સગ (ડુંગર) થાય એટલા જીવોનું મારે કલ્યાણ કરવું છે. માટે તમારે ગામડે-ગામડે જઈને, લોકોને પંચવ્રત આપી, સત્સંગી કરી, અમારો આશ્રય કરાવવો. રોજ પાંચ જણને પંચ વર્તમાન આપીને પછી જ અન્નજળ લેવું. ” 

              સંતોને પાંચ જણ ન મળે તો ૨-૪ દિવસના સામટા ઉપવાસ પણ થતા, છતાં સંતો ઉમંગથી મંડ્યા રહેતા. શ્રીજીમહારાજને આ વાતની ખબર પડી એટલે તેમણે કહેવડાવ્યું કે ‘ સવારથી સાંજ સુધી મુમુક્ષુ શોધવા પ્રયત્ન કરવો. જો કોઈ મુમુક્ષુ ન મળે તો પછી વૃક્ષ આદિક લીલોતરીમાં જીવ છે -તેમ માની, છેક સાંજે તેને વર્તમાન ધરાવીને અન્નજળ લેવું. '

--------------------------------------------
--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------

Comments

Post a Comment