દુ:ખો શાથી જન્મે છે ?? લેખ-૩

 મુદ્દો-૧ : પોતાને આત્મા માનીએ તો કોઈ દુ:ખ લાગે નહીં "


(૧) શારીરિક દુઃખ લાગે નહીં :        

                        શાસ્ત્રીજી મહારાજ એકવાર ટ્રેનમાં જતા હતા. એવામાં તેમને ઊભા થવાનું થયું. અજાણતાં તેમનું માથું ઉપરની બર્થ સાથે જોરથી ભટકાયું. શાસ્ત્રીજી મહારાજ તો શાંત જ રહ્યા કે જાણે કઈ થયું જ નથી. હરિભક્તોએ પૂછ્યું, ‘ સ્વામી ! બહુ વાગ્યું હશે ! ' ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા , ‘ ધૂળ સાથે ધૂળ ભટકાઈ, એમાં દુઃખ શું લગાડવાનું ! '


 (૨) માનસિક દુઃખ લાગે નહીં : 

                   સને ૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકાના પ્રવાસ દરમ્યાન હર્ષદભાઈ રાણાએ પ્રશ્ન પૂછ્યો હતો, ‘ બાપા ! એવું કોઈ ઇરેઝર (રબર) છે, જે ફેરવવાથી સુખ-દુ:ખ, માન અપમાન બધું ભૂંસાઈ જાય ? ’ સ્વામી તરત બોલ્યા હતા, ‘ એવું રબર તો આપેલું જ છે, પણ કોઈ વાપરતું નથી. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે તે - નિજાત્માનં બ્રહ્મરૂપ ... '


(3) આર્થિક દુઃખ લાગે નહીં :

                   જનક રાજા તેમના ગુરુ અષ્ટાવક્ર પાસેથી સાંખ્ય ને યોગનું જ્ઞાન પામ્યા હતા. એકવાર અષ્ટાવક્ર ઋષિના આશ્રમમાં કથા કરવા પહોંચ્યા. જનક રાજા અને ૠષિઓ કથા સાંભળવા આવતા હતા. પરંતુ જનક રાજા આવે પછી જ અષ્ટાવક્ર ઋષિ કથા શરૂ કરતા. તેથી ઋષિઓને થયું કે ‘ જનકરાજા તો ગૃહસ્થ છે. છતાં ૠષિ આપણા કરતાં તેનું માન વધુ કેમ રાખે છે ? ’ 

                   આ જ વખતે અષ્ટાવક્ર ઋષિએ યોગમાયાથી મિથિલા નગરીને બળતી દેખાડી. ૠષિઓ ઝોળીઓ અને તુંબડાં બચાવવા કથા મૂકીને દોડ્યા. અષ્ટાવક્રે જનકને કહ્યું, ‘ તમારી નગરી સળગે છે, ઊઠો ! ’ જનકે કહ્યું, ‘ મિથિલા નગરી બળે તેમાં મારું કંઈ બળતું નથી. આપ કથા ચાલુ જ રાખો ! ' 

                  મિથિલા કાંઈ સાચી બળતી નહોતી. પરંતુ આ પ્રસંગથી ઋષિઓને જનકની સ્થિતિ સમજાઈ ગઈ. સંસારમાં રહીએ અને આત્મા અને પરમાત્માનું જ્ઞાન સિદ્ધ કરીએ તો આર્થિક નુકસાન સમયે પણ સ્થિરતા રહે છે. 


(૪) પારિવારિક દુઃખ લાગે નહીં :

                   મહાભારતમાં અભિમન્યુના મૃત્યુના દુઃખથી દુ:ખી અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ લટાર મારવા નીકળ્યા હતા. ત્યારે એક પોપટને બતાવી શ્રીકૃષ્ણે કહ્યું, ‘ જો અર્જુન ! આ તારો પુત્ર અભિમન્યુ. મૃત્યુ પામી તે આ પક્ષીના શરીરમાં જન્મ્યો છે. ’ આ સાંભળતાં જ મોહથી અંધ અર્જુન પોપટ પાસે પહોંચી ગયો અને તેને ' બેટા, બેટા ' કહી બોલાવવા લાગ્યો. ત્યારે પોપટને વાચા કુટી, પોપટે કહ્યું, ‘ હૈ અર્જુન ! તું શું મને બેટો, બેટો કહ્યા કરે છે ! કેટલાય જન્મમાં હું તારો બાપ થઈ ચૂક્યો છું. ' આત્મજ્ઞાનની આ વાત સાંભળી અર્જુનને શાંતિ થઈ ગઈ. 

                  આ રીતે પરિવારમાં સૌને આત્મા માનીએ, શરીરને નાશવંત માનીએ તો દુઃખ ન લાગે. વળી, માતા, પિતા, દાદા, દાદી, ભાઈ, બહેન વગેરે સૌને આત્મા માનીએ, અક્ષરમુક્ત માનીએ તો ગુસ્સો, શંકા-કુશંકા, દુરાગ્રહ વગેરે કાંઈપણ ન થાય અને અખંડ સુખ રહે. 


મુદ્દો-૨ :પોતાને શરીર માનીએ છીએ તેથી જ તમામ દુ:ખો જન્મે છે "


  • પ્રસંગ : પોતાને ગણવાનું ભૂલી ગયા 

                   ૧૦ યુવાનો મેળામાં જવા નીકળ્યા હતા. તેઓ એકબીજાને ગણીને નીકળ્યા હતા કે જેથી કોઈ ક્યાંક વિખૂટો ન પડી જાય. રસ્તામાં નદી આવી. સામે કિનારે યુવાનોએ ગણતરી કરી, ત્યારે નવ જ થયા. વારાફરતી સૌએ ગણતરી કરી, પણ નવ જ થયા. યુવાનો બેસીને રડવા લાગ્યા : ‘ અમારો એક સાથી ડૂબી ગયો. ’ ત્યાં એક સંત આવ્યા તેમણે આ જોયું અને પૂછ્યું તો યુવાનોએ બધી વાત કરી. સંત હસ્યા અને બોલ્યા, ‘ હું હમણાં જ તમને તમારો સાથી મેળવી આપું. ’ પછી તેમણે સૌના માથા પર ૧-૧ ટપલી મારીને ગણતરી કરી. ૧૦ થઈ ગયા. ગણનારો દરેક પોતે પોતાને ગણતો નહોતો. સંતે કહ્યું : ‘ दशम त्वम अस्ती । દસમો તું છે. ’ 

                 ૧૦ યુવાનો રડતા હતા, ચિંતામાં હતા, હતાશ-નિરાશ હતા. કારણ શું ? તેઓ બીજાને ગણતા હતા, પોતાને ગણતા ન હતા. બસ તે જ રીતે આપણે બીજાને જોયા કરીએ છીએ, પોતે પોતાને જોતા નથી. જગતને જોયા કરીએ છીએ આત્માને જોતા નથી. અને એટલે જ બધા પ્રશ્નો-દુઃખો આપણને વળગે છે.


મુદ્દો-૩ : થઈએ અક્ષરરૂપ

આત્મારૂપ = બ્રહ્મરૂપ = અક્ષરરૂપ = ગુણાતીતરૂપ = મહંતસ્વામી મહારાજ જેવા થવું. "

આપણા સંપ્રદાયમાં ‘ હું આત્મા છું. ’ એનો અર્થ છે : ‘ હું બ્રહ્મ છું, અક્ષર છું, ગુણાતીત છું, મહંતસ્વામી મહારાજ જેવો છું.


  • પ્રસંગ : હું હરિજન છું 

                    શ્રીજીમહારાજે અગતરાઈ ગામમાં જન્માષ્ટમીનો સમૈયો કર્યો. પછી ત્યાં સભા કરી. દૂર એક હરિજનનો છોકરો બેઠો-બેઠો શ્રીજીમહારાજને પગે લાગતો હતો. શ્રીજીમહારાજે તેને પાસે બોલાવ્યો અને પૂછ્યું, ‘ કેમ દૂર બેઠો હતો ? ’ તે કહે, ‘ હું હરિજન છું. ' 

                   ત્યારે શ્રીજીમહારાજે બાળકને ૧૦૦ વાર બોલવા કહ્યું કે, ‘ હું આત્મા છું. ’ બાળક ૧૦૦ વાર શ્રીજીમહારાજે કહ્યું તે મુજબ બોલ્યો. ત્યારબાદ શ્રીજીમહારાજે ફરીથી બોલાવ્યું અને પૂછ્યું, ‘ તું કોણ છે ? ’ ત્યારે તેણે કહ્યું, ' મા-બાપ ! તમે મંડ્યા છો તેથી કહું છું કે હું આત્મા છું. પણ સાચું પૂછો તો હું હરિજન જ છું. ’ 

                  ત્યારે શ્રીજીમહારાજે ભક્તોને કહ્યું, ‘ આ છોકરો અજ્ઞાનથી કેવો દેહ સાથે જડાઇ ગયો છે. દેહ પ્રત્યેની તેની આત્મબુદ્ધિ મટતી જ નથી. એવી રીતે તમારે પણ જ્યાં સુધી સાધુપણું, કાઠીપણું અને પાટીદારપણું મટશે નહીં ત્યાં સુધી તમે આ છોકરા જેવા છો. એ અજ્ઞાન મટશે ત્યારે તમને ‘ હું આત્મા છું. ' એમ મનાશે. '


  •  પ્રસંગ : આપોપુ ( આપણા-પણું , પોતા-પણું ) 

                 સંવત ૨૦૦૩, સારંગપુર , સવારે સંતમંડળની સભામાં શાસ્ત્રીજી મહારાજ વાતો કરતા હતા. ત્યારે સનાતનદાસ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ‘ જેતલપુરના પહેલા વચનામૃતમાં આપોપુ (પોતાપણું) કરવાનું કહ્યું છે તે કેમ કરવું ? '

                 પછી સ્વામી બેઠા હતા તે ઊભા થઈને સનાતનદાસ સ્વામીના ખોળામાં બેઠા અને કહ્યું, ' તમારો દેહ છે તે ભૂલી જવું અને આ બેઠા છે તેને પોતાનું સ્વરૂપ માનવું. ' એમ સૌને સ્મૃતિ આપી શાસ્ત્રીજી મહારાજે આત્મબુદ્ધિનો સિદ્ધાંત સમજાવી દીધો.


🙏Jai Swaminarayan🙏

--------------------------------------------

--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------

Comments