પંચવિષયરૂપી માયા જન્મ પર જન્મ લેવડાવે છે
- મુદ્દો ૧ : લોભને લીધે ફરી જન્મ
પ્રસંગ : લોજ ગામમાં બે બાવાજી આવ્યા. તેમાં ગુરુનું નામ જાનકીદાસ અને શિષ્યનું નામ શીતલદાસ. ગુરુ જાનકીદાસે શ્રીજીમહારાજને કહ્યું, ‘ અમે દ્વારિકા જઈએ છીએ. અમારા પુસ્તકની આ પોથી સાચવી રાખજો.
થોડા સમય બાદ શિષ્ય શીતલદાસ લોજ આવ્યો. કહે, ‘ગુરુજી રસ્તામાં મૃત્યુ પામ્યા છે. તેથી તેમની પોથી મને પાછી આપો. ‘શ્રીજીમહારાજે પોથી આપી અને ખોલવા કહ્યું. તેમાં પુસ્તકની સાથે એક ડબ્બી હતી. શ્રીજીમહારાજે તે ડબ્બી ખોલવા કહ્યું. શિષ્યે જોયું કે એ ડબ્બીમાં ૫૦ પૈસા અને સાપનો કણો (બચ્ચું) હતા. શિષ્ય શીતલદાસ આશ્ચર્ય પામ્યો. શ્રીજીમહારાજ કહે, ‘ આ સાપ નથી તમારા ગુરુ છે. તેઓ આ ડબ્બીમાં પૈસા રાખતા હતા. મરતાં સમયે તેમનું મન પૈસામાં હતું તેથી તેઓ હાલ સાપનો જન્મ પામ્યા છે. ’
આ રીતે લોભ, સ્વાદ, કામ વગેરે ઇચ્છાઓને લીધે આપણે જન્મ પર જન્મ લેવા પડે છે. (૮૪ લાખ જન્મ)
- મુદ્દો ૨ : અહંને લીધે ફરી-ફરી જન્મ
પ્રસંગ : શ્રીમદ ભાગવત પુરાણમાં એક સત્ય ઘટના આવે છે. સનક વગેરે ૪ ઋષિકુમારો તત્ત્વજ્ઞાની હતા, બ્રહ્માની સૃષ્ટિમાં ઉમરમાં સૌથી મોટા હોવા છતાં પણ તેઓ શરીરથી તો પાંચ વર્ષના બાળક જેવાં જણાતા હતા. તેઓ દિગંબર રહેતા હતા. એકવાર તેઓ ભગવાનનાં દર્શનની ઇચ્છાથી વૈકુંઠધામના ૬ દ્વાર પાર કરીને ૭મા દ્વાર પર પહોંચ્યા. ત્યાં ઊભેલા દ્વારપાલ જય-વિજયે અહંભાવથી સનકાદિકની મજાક ઉડાવી અને તેમને નેતરની સોટીથી રોકી લીધા.
ભગવાનનાં દર્શનમાં વિઘ્ન પડવાને કારણે ક્રોધે ભરાઈ સનકાદિકે કહ્યું કે, ‘ તમે ભગવાનના પાર્ષદ છો, પરંતુ તમારી બુદ્ધિ ઘણી જ મંદ છે. માટે વૈકુંઠમાંથી પડીને અસુરનો જન્મ પામો કે જ્યાં કામ, ક્રોધ અને લોભ નામે ૩ શત્રુઓ મનુષ્યમાં નિવાસ કરે છે. ' જય-વિજયે પસ્તાવો થતાં માફી માંગી તો સનકાર્દિકે કહ્યું, ‘ દરેક જન્મમાં ભગવાન તમારો મોક્ષ કરશે. ૩ જન્મો પછી તમે ફરીથી અહીં આવી જશો. ’
અહંકારને લીધે જય-વિજયના ૩ જન્મો થયા :
સતયુગમાં પ્રથમ જન્મ : હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે.
ત્રેતાયુગમાં બીજો જન્મ : કુંભકર્ણ અને રાવણ તરીકે.
દ્વાપર યુગમાં ત્રીજો જન્મ : દંતવક્ર અને શિશુપાલ તરીકે.
- મુદ્દો ૩ : મમત્વને લીધે ફરી-ફરી જન્મ
પ્રસંગ : ઋષભદેવ ભગવાનને ૧૦૦ પુત્રો હતા. તેમાંના એક પુત્ર ભરતજીએ રાજ્યનો ત્યાગ કર્યો હતો. હિમાલયમાં પુલહાશ્રમમાં ગંડકી નદીને કિનારે તેમણે તપ શરૂ કર્યું હતું. ભરતજી એકવાર પાણીમાં બેસીને ઓમકારના જાપ કરતા હતા, ત્યાં અચાનક સિંહની ગર્જના થઈ. આ સાંભળી ડરને લીધે એક હરણી નદી કૂદવા ગઈ અને તેના પેટમાંથી બચ્ચું પાણીમાં નીકળી ગયું અને હરણી મરી ગઈ.
ભરતજીને અતિશય દયા આવી કે આ હરણીના બચ્ચાનું હવે કોણ ? તેથી તેઓ બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. તેની ખાવા-પીવા-રહેવાની વ્યવસ્થા કરી, બચ્યું પણ ભરતજી તપ કરે ત્યારે તેમની પાસે આવી તેમના ખભે ચઢી જતું, તેમની સામે જોઈ હસતું, તેમને જીભ વડે ચાટતું. ધીરે-ધીરે ભરતજીનાં ભક્તિ વગેરે કર્મ છૂટતાં ગયાં અને તેઓ હરણના બચ્ચાની સંભાળમાં જ વ્યસ્ત રહેવા લાગ્યા. તેઓ મૃગમાં અત્યંત આસક્ત થઈ ગયા. બચ્ચાંનો અલ્પ વિયોગ પણ તેઓસહન કરી શકતા નહીં. મૃત્યુ સમયે પણ મૃગની સ્મૃતિ થવાથી ભરતજીનો બીજો જન્મ હરણ તરીકે થયો. પરંતુ મૃગના શરીરમાં તેમને પૂર્વજન્મની સ્મૃતિ હતી તેથી તેઓએ જેમ-તેમ કરીને મૃગનું શરીર છોડ્યું.
પછી ભરતજીનો ત્રીજો જન્મ અંગિરસ ગોત્રમાં પવિત્ર બ્રાહ્મણના ઘેર થયો. પૂર્વ જન્મની સ્મૃતિને કારણે તેઓ સગાં-સંબંધીના સ્નેહથી ઘણા ડરતા હતા. હૃદયમાં ભગવાનને ધારીને પોતે ગાંડાની જેમ વર્તતા. પિતાના પ્રેમપૂર્વકના અતિ આગ્રહ છતાં તેઓએ અભ્યાસ કર્યો જ નહીં. પિતાના મૃત્યુ બાદ તેમનાં માતા સતી થઈ ગયાં. પોતાના ભાઈઓ તથા અન્ય વ્યક્તિઓ તેમનું ખૂબ અપમાન કરતા હતા છતાં તેઓ તે બધું મન પર લેતા નહીં. તેમના ભાઈઓ તેમને સડેલું કે દાઝી ગયેલું અન્ન આપતા છતાં તેઓ નિઃસ્વાદીપણે જમી લેતા. વળી તેઓ જ્યાં-ત્યાં સૂઈ રહેતા તેથી તેઓ ‘ જડભરત ’ કહેવાયા.
આ રીતે ૩ જન્મ બાદ તેઓનો મોક્ષ થયો.
- મુદ્દો ૪ : મનુષ્યભાવરૂપી માયાને લીધે થાય ફરી-ફરી જન્મ
ભગવાન અને સંત દિવ્ય ન સમજાય, તેમનામાં મનુષ્યભાવ આવ્યા કરે - તેના લીધે જ આપણને સાક્ષાત્કાર થતો નથી. તેઓને ૧૦૦ % નિર્દોષ સમજીએ તો આપણે પણ ૧૦૦ % નિર્દોષ થઈ જઈએ, આપણો મોક્ષ થઈ જાય. આપણને જન્મ મળ્યો એનો અર્થ એ કે આપણે ભગવાન અને સંતને ૧૦૦ % નિર્દોષ જાણ્યા નથી.
પ્રસંગ : સત્પુરુષને નિર્દોષ જાણવા.
સને ૧૯૫૯. મોજીદડ ગામથી એક યુવકે મુંબઈના હરિભક્ત હર્ષદભાઈને પત્ર લખ્યો, ‘ પૂજ્ય યોગીજી મહારાજ હવે બાળક જેવી ક્રિયા કરે છે. જો કે હંમેશાં ‘ મનુષ્યભાવ ન લાવવો. ’ વગેરે વાતો કહે છે, તેથી તેમનો અભિપ્રાય નિર્દોષબુદ્ધિનો હોય તેમ જણાય છે. ' આ પત્ર તેમણે યોગીજી મહારાજને સહી કરવા આપ્યો. સ્વામી પત્ર વાંચી કહે, ‘ આવું શું લખ્યું છે ? હું ક્યાં બાળક જેવી ક્રિયા કરું છું ? આવું કોઈ દિવસ લખવું નહીં. ’ પછી કહે, ‘ મનુષ્યભાવ એટલે સંત પંચવર્તમાનમાં ફેર પાડે, બીજો કોઈ પંચવર્તમાનમાં ફેર પાડતો હોય તેને ટોકે નહીં અને રોકે પણ નહીં, આ સંતનો મનુષ્યભાવ છે. હું તો એવો મનુષ્યભાવ કોઇ દિવસ બતાવતો નથી. સંતની બીજી દેહની ક્રિયામાં દિવ્યભાવ રાખવો. '
પછી યોગીબાપાએ તે યુવક પાસે સંતના મનુષ્યભાવની વ્યાખ્યા પાંચ વાર બોલાવી. પછી યુવકે પૂછ્યું, ‘ આવું જાણવા છતાં નિર્દોષબુદ્ધિ રાખવી કઠણ કેમ પડે છે ? ’ સ્વામી કહે, ‘ તમે મને નિર્દોષ જાણ્યો જ નથી. ફક્ત ઉપરથી નિર્દોષ જાણ્યો છે. જીવમાં નહીં. નહીંતર નિષ્કામ, નિષ્કપટ થઈ જવાય. '
આમ ભક્તને ઘણીવાર સત્પુરુષમાં મનુષ્યભાવ રહે છે. તેથી દોષ ટળતા નથી અને જન્મ પર જન્મ લેવા પડે છે.
🔴 જન્મ-મરણનું ચક્કર 🔴
(વચનામૃત ગઢડા અંત્ય -૩૯) જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે.
એકવાર અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યું : ‘મનુષ્યદેહ ક્યારે મળે ? ’ શ્રીકૃષ્ણ કહે, ‘ ૪૦૦ ગાઉ લાંબી અને પહોળી અને ૧ ગાઉ ઊંડી વાવને પાણીથી ભરવાની. માથાના વાળનાં ૪ ઊભાં ફાડિયાં કરવાનાં. એમાંથી ૧ ફાડિયાને પાણીમાં બોળીને બહાર ખંખેરવાનું. આ રીતે જ્યારે એ વાવનું બધું જ પાણી ઉલેચાઈ જાય ત્યારે બીજો મનુષ્યદેહ મળે ! '
" આપણને ભગવાને કેવળ કૃપા કરીને મનુષ્યનો જન્મ આપ્યો છે. તેમાંય માયા પાર કરાવી શકે તેવા શ્રીજીમહારાજ અને પ્રગટ ગુણાતીત સંત મહંતસ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઇ છે. માટે છેલ્લો જન્મ કરી લેવો. "
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Comments
Post a Comment