દુ:ખો શાથી જન્મે છે ?? લેખ-૨
મુદ્દો-૧ : " પોતાને આત્મા માનીએ તો કોઈ દુ:ખ લાગે નહીં "
(૧) શારીરિક દુઃખ લાગે નહીં :
૧૨-૭-૨૦૧૭. શિકાગો (અમેરિકા). છેલ્લા ૪ મહિનાથી મહંતસ્વામી મહારાજને પેટમાં દુઃખાવો થતો હતો. જમવાની રુચિ જ થતી ન હતી. એ નિમિત્તે અહીં એક ખાસ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તેઓએ સ્વામીશ્રીની તપાસ કરી એક દવાનું સૂચન કર્યું અને કહ્યું, ‘ આ દવા લેવાથી તેઓ ખુશ રહેશે. ' સ્વામીશ્રી તરત જ કહે, ‘ અમે તો કાયમ ખુશ જ હોઈએ છીએ. ’
પછી કહે, ‘ આ તો પૂછ્યું એટલે દુ:ખાવાની વાત કરી. બાકી તો ચાલ્યા જ કરે. કોલકાતાથી દુઃખાવો ચાલે છે. ' સેવક સંતે ડૉક્ટરને પૂછ્યું, ‘ આ દવા ન લેવાય તો ? ’ ડૉક્ટર કહે, ‘ તો દુઃખાવો ખૂબ જ વધી જવાની શક્યતા છે. હાલ પણ દુઃખાવો તો છે જ. ’
સ્વામીશ્રી કહે, ‘ આત્મબળથી બધું ચાલે છે. ' ડૉક્ટર કહે, ‘ આપની વાત સાચી છે. આપ ખૂબ જ મજબૂત છો. બાકી પેટનું આવું દુ:ખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ દુઃખમાં મેં અનેક લોકોને રડતા પણ જોયા છે. ’ આમ સત્પુરુષ , શારીરિક દુઃખમાં આત્મબળે સુખી રહેવાની પ્રેરણા આપે છે.
(૨) માનસિક દુઃખ લાગે નહીં :
સને ૧૯૦૪. પ્રમુખસ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી પ્રથમવાર આફ્રિકાની વિદેશયાત્રાએ જતા હતા. મુંબઈ મંડળે ખૂબ જ ધામધૂમથી વિદાય આપી હતી. પ્લેન નૈરોબી પહોંચ્યું, સેંકડો ભક્તો સ્વાગત માટે આવ્યા હતા. પરંતુ ગેરસમજને લીધે જાહેરાત થઈ કે : ‘ પ્રમુખસ્વામીએ ભારત પાછા જવાનું છે. બીજા લોકો ઊતરી શકશે. ’ કાપો તો લોહી ન નીકળે એવું સૌને થઈ ગયું. પરંતુ સ્વામી બોલ્યા, ‘ જેવી ભગવાનની મરજી. '
થોડીવારે બીજી જાહેરાત થઈ કે બધાએ પાછા જવાનું છે. સૌ ઉદાસ-હતાશ થઈ ગયા કે ભારત મોઢું શું બતાવીશું ! ફક્ત સ્વામી સ્થિર હતા. એ સમયે ભક્તિપ્રિયદાસ સ્વામી વિચરણનો રિપોર્ટ લખતા હતા. તેમણે સ્વામીને ડાયરી આપી તો સ્વામીએ લખ્યું : ‘ મહારાજ સ્વામીની મરજી હોય તેમ થાય, માટે રાજી રહેવું. કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં. અક્ષરરૂપ થઈને મહારાજની ભક્તિ કરવી એટલે દુઃખ ન થાય. ’
પ્લેનમાં પાછા વળતાં સ્વામીએ એવી વાતો કરી કે હાસ્યની છોળો ઊડી. પ્લેનમાં સ્વામીએ સ્થિરતાની અને કર્તાપણાની સમજણ દૃઢાવતું ગઢડા પ્રથમનું ૭૪ મું વચનામૃત વાંચ્યું અને સૌને બળ આપ્યું. આમ પોતાને અક્ષરરૂપ માને તેને દુઃખ ન લાગે.
(3) આર્થિક દુઃખ લાગે નહીં :
ચીનના તત્ત્વચિંતક કન્ફ્યુશિયસ ગરીબ હોવા છતાં પોતાને સમ્રાટ તરીકે ઓળખાવતા. આ અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું, ‘ હું આળસુ નથી, પણ શ્રમ કરું છું. પછી મારે રાજા રાખે છે તેવા સેવકોની શી જરૂર ? જેને શ્રમ નથી કરવો તેવા આળસુને સેવકો જોઈએ. માટે મારી પાસે સેવકો ન હોવા છતાં હું સમ્રાટ છું. વળી, હું કાયર કે ડરપોક નથી. કાયર વ્યક્તિને જ શસ્ત્રોની જરૂર પડે છે. માટે હું સમ્રાટ છું. આ ઉપરાંત ધન-સંપત્તિની દરિદ્ર માણસોને જરૂર પડે. હું ક્યાં ગરીબ છું ? હું તો આંતરિક સંપત્તિથી ભરપૂર છું. આ રીતે હું બધી દૃષ્ટિએ સમ્રાટ છું. ’
જે વ્યક્તિ પોતાની જાતમાં ઊંડો ઊતરે છે, તેને શરીર ટકાવવાથી વધુ ધનની પરવા રહેતી નથી. તેથી તે દુનિયાનાં આર્થિક દુઃખોથી પર થઈ જાય છે.
(૪) પારિવારિક દુઃખ લાગે નહીં :
મહાભારતના યુદ્ધમાં પુત્ર અભિમન્યુ મરાયો તેથી અર્જુન હતાશામાં સરી પડ્યો. એકવાર કૃષ્ણ અને અર્જુન મહેલના બગીચા તરફ જતા હતા. સાંજે એક ફૂલ ચૂંટતા બાળકને સાપ કરડ્યો. ફૂલની ટોપલી અર્જુનને આપી, પિતાને સમાચાર આપવાનું કહી, બાળક મૃત્યુ પામ્યો. કૃષ્ણ અને અર્જુન બંને પેલા બાળકના પિતા પાસે ગયા અને આઘાતના આ સમાચાર આપ્યા. પિતા એકદમ સ્થિર રહ્યા. અર્જુનને આશ્ચર્ય થયું અને પૂછ્યું તો પિતાએ કહ્યું સંસાર તો મરણશીલ છે, જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ’ બાળકની માતાને સમાચાર મળ્યું ત્યારે માતાએ કહ્યું, ‘ મૃત્યુ તો દેહનું છે. આત્મા તો અજર, અમર છે. ’ અર્જુનને અંતર્દષ્ટિ થઇ અને તે અભિમન્યુના શોકમાંથી બહાર નીકળી યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો.
આ રીતે પરિવારમાં સૌને આત્મા માનીએ, શરીરને નાશવંત માનીએ તો દુઃખ ન લાગે. વળી, માતા, પિતા, દાદા, દાદી, ભાઈ, બહેન વગેરે સૌને આત્મા માનીએ, અક્ષરમુક્ત માનીએ તો ગુસ્સો, શંકા-કુશંકા, દુરાગ્રહ વગેરે કાંઈપણ ન થાય અને અખંડ સુખ રહે.
મુદ્દો-૨ : થઈએ અક્ષરરૂપ
" આત્મારૂપ = બ્રહ્મરૂપ = અક્ષરરૂપ = ગુણાતીતરૂપ = મહંતસ્વામી મહારાજ જેવા થવું. "
આપણા સંપ્રદાયમાં ‘ હું આત્મા છું. ’ એનો અર્થ છે : ‘ હું બ્રહ્મ છું, અક્ષર છું, ગુણાતીત છું, મહંતસ્વામી મહારાજ જેવો છું.
- પ્રસંગ : આત્મારૂપે ભગવાનનું ચિંતવન કરે તે ખરા સત્સંગી
વહેલી સવારે શ્રીજીમહારાજ સંઘ સહિત મેવાસા ગામન દરવાજે પધાર્યા. ગામના ગઢનો દરવાજો ખૂલવાની વાર હતી. તેથી શ્રીજીમહારાજે છાપરવડી નદીમાં સંઘ સહિત સ્નાન કર્યું. પૂજાપાઠથી પરવારેલો સંઘ દરવાજો ખૂલવાની રાહ જોતો હતો. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સમયનો સદુપયોગ કરી એક બાજુ બેસી શાસ્ત્રો વાંચતા હતા. શ્રીજીમહારાજ ફરતાં-ફરતાં તેમની પાસે જઈને બેઠા. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે, ‘ દેશમાં સત્સંગ કેવો થયો ? ' ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘ સત્સંગ તો બહુ થયો છે. ’
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘ તમે કેવા સત્સંગી થયા છો ? ’ ત્યારે કહ્યું જે, ‘ અમે પણ ખરેખરા સત્સંગી થયા છીએ. ’
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘ તમે તો હજુ ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો અને જો ખરેખરા સત્સંગી થયા હો તો કહો જે અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ ? ' ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘ ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘ અમારા ખરેખરા સત્સંગી તો ગોરધનભાઈ તથા પર્વતભાઈ વગેરે છે. તેઓ અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે. ’ પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ‘ હે મહારાજ ! એવા સત્સંગી કેમ થવાય ? ' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘ એવા સત્સંગી તો તો થવાય - જો માયિક ભાવ ટાળીને, પોતાના આત્માને અક્ષરરૂપ માનીને, મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરો - તો એવા સત્સંગી થવાય. ’
- પ્રસંગ : હું અક્ષર છું - એમ દરરોજ બોલવાનું
૧૮-૦૬-૨૦૦૮. સારંગપુર. પ્રમુખસ્વામી મહારાજે કસરત પૂરી કરી. એક વાક્ય બોલવાનું કહ્યું એટલે સ્વામી કહે : ‘ હું ટળે હરિ ઢુંકડા. તે ટળાય દાસે રે ' આટલું કહ્યા પછી સામે ઊભેલા વિરાટસ્વરૂપદાસ સ્વામી સામે જોઈને પૂછ્યું, ‘ આનો અર્થ ખબર છે ? ’ તેઓ કહે, ‘ ના. ’
સ્વામી કહે, ‘ હું એટલે આઈ અને ઢુંકડા એટલે નજીક. જો અભિમાન ટળે તો ભગવાન નજીક આવે. હું વિરાટ પણ નથી. હું અમેરિકા પણ ગયો નથી. હું ભણ્યો પણ નથી. હું વકીલ પણ નથી. આપણે કોઈ વસ્તુ છે જ નહીં. આપણે રિપબ્લિકન પણ નથી અને ડેમોક્રેટ પણ નથી. વી.આઈ.પી. પણ નથી. આવી માન્યતા કરી હોય તો કોઈ કાંઈ બોલી જાય તોપણ કાંઈ દુઃખ થાય નહીં. કોઈ આવું બોલે તો એમ સમજવું કે બોલે, એ તો શરીરને બોલે છે. શરીર એ મારું નથી. આપણે તો ભગવાનના છીએ. આપણે આત્મા છીએ. આ જ્ઞાનનો ખ્યાલ રહે તો ગમે ત્યાં જઈએ, પણ આનંદ રહે. માટે આ જ્ઞાન સિદ્ધ કરવું. '
વિરાટસ્વરૂપદાસ સ્વામી કહે, ‘ હું પ્રયત્ન કરીશ. ' સ્વામી કહે, ‘ હા, પ્રયત્ન તો કરવાનો જ. દરરોજ આ બોલવાનું. કોઈ બોલી જાય તો પછી આ યાદ હોય તો વાંધો ન આવે. આ યાદ રાખ્યું હોય, ગોખી રાખ્યું હોય તો કામમાં આવે. કોઈ વસ્તુ રાખી મૂકી હોય તો સમય આવે કામ લાગે, એમ આ એક અમૂલ્ય વસ્તુ કહેવાય - હું અક્ષર છું ને બ્રહ્મ છું. '
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Jay swaminarayan 🙏🖤🙏🙏
ReplyDelete