ભગવાનની પ્રાપ્તિ. લેખ-૨

મુદ્દો-૧ : " આશ્ચર્યકારી સૂક્ષ્મ સૃષ્ટિના રચયિતા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે "

  • પ્રસંગ : થોડાં પુણ્યે યોગ ન થાય

                    નીલકંઠવર્ણી મઢડા ગામે જેઠા મેરના ઘરે પધાર્યા. કારણ કે જેઠા મેર અને તેમનાં પત્ની ૧૦૦ જન્મથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં હતાં. તેવી સાધનાના ફળરૂપે વર્ણી તેમના ઘરે પધાર્યા હતા. જેઠા મેરે રસોઈ કરી વર્ણીને જમાડ્યા. જમીને વર્ણી સૂઈ ગયા. 

                   જેઠા મેર અને તેમનાં પત્ની દર્શન કરતાં હતાં. તેમણે જોયું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા અનંત અવતારો સૂતેલા વર્ણીનાં દર્શન અને સેવા માટે આવ્યા હતા ! પતિ-પત્ની પોતાનાં ભાગ્ય માનવા લાગ્યાં કે કેવા દુર્લભ ભગવાન આપણા માટે પધાર્યા.


મુદ્દો-૨ : " સર્વ કર્તાહર્તા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે "

  • પ્રસંગ : મરજી વિના પાંદડું પણ ન હલે 
                  વીસનગરો સુબો લાલદાસ શ્રીજીમહારાજનો દ્વેષી હતો, તે સત્સંગીને ખૂબ હેરાન કરતા હતો. ગઢડામાં શ્રીજીમહારાજ પાસે આ વાત પહોંચી. તેમનાથી રહેવાયું નહીં, ભક્તોની રક્ષા માટે તેઓ એકલા અડધી રાત્રે વીસનગર જવા નીકળ્યા. 

                  મૂળજી બ્રહ્મચારી ચકોર હતા. તેઓ પાછળ પાછળ ચાલ્યા. શ્રીજીમહારાજે તેમને પથ્થર મારી પાછા વાળવા પ્રયત્ન કર્યો, પણ તેઓ શ્રીજીમહારાજ પાસે પહોંચી જ ગયા અને કહે, ' સૂબો મહાદ્વૈષી છે, એકલા જશો તો કેદ કરશે.' 

                 શ્રીજીમહારાજે હસીને પૂછ્યું, ‘ બ્રહ્મચારી ! અમને કેવા સમજો છો ? ' બ્રહ્મચારી કહે ‘ ભગવાન. ' એટલે શ્રીજીમહારાજ કહે, ‘ તો પછી સૂબાનાં નાડી-પ્રાણ કોના હાથમાં છે ? વૃક્ષો-પાન એ બધું જે પવનના આધારે હલે છે, તે પવન અમારા આધારે વહે છે. અમારી ઇચ્છા વિના અનંત કોટિ બ્રહ્માંડમાં પાંદડુંય હલતું નથી. ’ 

                 મૂળજી બ્રહ્મચારીને સ્પષ્ટરૂપે સમજાઈ ગયું કે શ્રીજીમહારાજ જ સર્વ કર્તા-હર્તા છે. પછી તો શ્રીજીમહારાજે વીસનગર જઈ, સૂબાનું પરિવર્તન કરી, ભક્તોને ઉગાર્યા. 

                આવા તો અનેક પ્રસંગો છે, જે દર્શાવે છે કે જગતમાં સજીવ કે નિર્જીવ જે કાંઈપણ છે, તે શ્રીજીમહારાજના નિયમનમાં (કન્ટ્રોલમાં) છે. તેઓ ધારે તે કરી શકે, એટલે કે પથ્થરને ચાલતો કરી શકે, ગમે ત્યારે વરસાદ પાડી શકે, મરેલાને જીવંત કરી શકે, અપંગને અંગ આપી શકે, અભણને વિધા આપી શકે. !


મુદ્દો-૩ : " અક્ષરબ્રહ્મ સંત દ્વારા આપણને શ્રીજીમહારાજની પ્રાપ્તિ થઈ છે "

  •  પ્રસંગ ગુણાતીતાનંદ અક્ષરબ્રહ્મ 
                    સારંગપુરમાં રાઠોડ ધાધલને ત્યાં શ્રીજીમહારાજ વિરાજમાન હતા. રાત્રે શ્રીજીમહારાજ સંતો સાથે રાસ રમ્યા. રાસ રમતાં-રમતાં તેઓ કબીરના પદો ગાતા હતા : 

                    ' કોટિ કૃષ્ણ જોડે હાથ, કોટિ વિષ્ણુ નમે માથ ; જહાં સદ્દગુરુ ખેલે વસંત. ' 

                    એમ ગાઈને શ્રીજીમહારાજે પોતાના હાથમાં પકડેલી છડી (ડાંડિયો-લાકડી) ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં ત્રણ વખત અડાડી. પછી શ્રીજીમહારાજે સંતોને પૂછ્યું, ' એવા સદ્દગુરુ કોણ?' ત્યારે આનંદાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બોલ્યા, ' મહારાજ ! એવા સદ્દગુરુ તો આપ.' 

                  ત્યારે શ્રીજીમહારાજે કહ્યું , ' એ તો સદ્દગુરુનો મહિમા કહ્યો છે. અમે તો સાક્ષાત પુરુષોત્તમનારાયણ છીએ, એવા સદ્દગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે અને તેઓ અક્ષરબ્રહ્મનો અવતાર છે. ' ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેતાં-કહેતાં તેમનો આનંદ સમાતો ન હતો. 

                  આમ, શ્રીજીમહારાજ અવારનવાર પોતાના પરમહંસોને અને ભક્તોને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાવતા કે, ' આ ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનુ અક્ષરધામ છે. તેમના જેવા (અક્ષરરૂપ) થશો, તો જ તમને મારી ભક્તિનો અધિકાર મળશે. ' અને સૌ પરમહંસો પણ ગુણાતીતાનંદ સ્વામીનો આવો મહિમા સમજતા હતા.


મુદ્દો-૪ : " સારનો સાર : ગુરુમાં ‘પ્રત્યક્ષ પરબ્રહ્મ’નો ભાવ "

                 ર્વોપરી ભગવાન શ્રીજીમહારાજ જેવા અક્ષરમાં રહ્યા છે તેવા બીજે ક્યાંય રહ્યા નથી. એવા પ્રગટ અક્ષર મહંતસ્વામી મહારાજ આપણને મળ્યા છે.

                  સને ૧૯૯૧. ઝિમ્બાબ્વેથી દારેસલામ જતાં પ્લેનમાં પ્રમુખસ્વામી મહારાજ સ્વસ્વરૂપની ઓળખાણ આપતાં બોલ્યા હતા : ‘ તમે ગાઓ છોને કે સંત તે સ્વયં હરિ. તે મુજબ આંખોમાં જોનારા ભગવાન છે. બોલનારા, સાંભળનારા, જમનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત્ મહારાજ જ છે. કોઈ દોષો છે જ નહીં. મનુષ્યભાવ બતાવે પણ દિવ્ય જ છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે. તે આવી દૃઢતા થાય એ છે. આવી નિષ્ઠા થાય એ જ સત્સંગ સાચો. આ સાક્ષાત્ મહારાજ છે એવી દૃઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. અખંડ મહિમા રહે. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. ' 

                 આજે મહંતસ્વામી મહારાજ સ્વરૂપે ભગવાન શ્રીજીમહારાજ આપણને દર્શન દે છે ! ભગવાન આપણી સાથે વાતો કરે છે, આપણી વાત સાંભળે છે. આપણને આશીર્વાદ આપે છે. આપણને માયા પાર કરવા તેઓ પૃથ્વી પર આવ્યા એ કેટલું મોટું ભાગ્ય !! આપણાં પુણ્યનો પાર નથી !



🔴 બોધવાર્તા : શૂળીનું દુઃખ કાંટે મટાડે 🔴

                 એક  નગરમાં ઘણા ચોર રહેતા હતા. તેઓ નાની-મોટી ચોરી કરતા હતા. એકવાર તેઓએ સંકલ્પ કર્યો કે રાજમહેલમાંથી મોટી ચોરી કરી જીવનભરની ઝંઝટ મટાડી દેવી. આમાંનો એક ચોર ગામના સંત પાસે જઈ કથા સાંભળતો હતો. ચોરી માટે નક્કી કરેલા દિવસના આગલા દિવસે જ, કથા સાંભળવા જતી વખતે તેને કાંટો વાગ્યો. કાંટો પગની આરપાર નીકળી ગયો. તેને ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું. બધા ચોરોએ આયોજન મુજબ મહેલમાં ધાડ પાડી , ચોરી સફળ થઈ. હવે જે ચોરને કાંટો વાગ્યો હતો, તેના સંબંધીઓ તેને વઢવા લાગ્યા કે સંત પાસે ગયો ન હોત, તો કાંટો ન વાગત અને ઘણો માલ મળત.


              પરંતુ એવામાં જ ગામમાં રાજાનું લશ્કર આવ્યું. તમામ ચોરોને મિલક્ત સાથે પકડી લીધા. રાજાએ બધા ચોરોને શૂળીની સજા ફરમાવી, પરંતુ સંત અને ગામના લોકોએ પેલા ચોર માટે સાક્ષી પુરાવી કે તેણે ચોરી કરી ન હતી. તેથી પેલો ચોર બચી ગયો. આમ , પ્રારબ્ધમાં લખાયેલાં પૂર્વજન્મનાં ખરાબ કર્મોનું ફળ વ્યક્તિએ ભોગવવું જ પડે છે, છતાં ભગવાન પોતાના ભક્ત માટે તેની માત્રા ઘટાડી દે છે. 


              વળી, શ્રીજીમહારાજે રામાનંદ સ્વામી પાસે પોતાના આશ્રિત માટે બે વરદાનો પણ માગ્યાં છે. માટે શ્રીજીમહારાજ જે કરે છે, તે સારું જ કરે છે તેવી દઢતા સાથે સત્સંગ કરવો. રોગ આવે, આર્થિક કટોકટી સર્જાય, માન - અપમાન થાય, મનોકામના પૂર્ણ ન થાય તોય ક્યારેય સત્સંગ છોડવો નહીં.


🙏Jai Swaminarayan🙏

--------------------------------------------

--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------


Comments