ભગવાનની પ્રાપ્તિ. લેખ-૩
મુદ્દો-૧ : " સાકાર-દિવ્ય ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે "
- પ્રસંગ : સાકાર ભગવાનનાં દર્શન
શીતળદાસ નામે એક મુમુક્ષ બ્રાહ્મણ હતાં. રામાનંદ સ્વામીની ખ્યાતિ સાંભળીને તેઓ તેમનાં દર્શન કરવા લોજમાં આવ્યા હતા, પરંતુ રામાનંદ સ્વામી થોડા દિવસ પહેલા જ અંતર્ધાન થયા છે તે સાંભળીને, નિરાશ થઇને, તેમણે પાછા જવા વિચાર કર્યો.
તેવામાં શ્રીજીમહારાજે તેઓને સમાધિ કરાવી. જેમાં 14 અવતારો ને રામાનંદ સ્વામી શ્રીજીમહારાજની સ્તુતિ કરે છે, તેવાં તેમને દર્શન થયાં. સમાધિમાં શ્રીજીમહારાજની તેઓએ પૂજા કરી. પરંતુ અક્ષરધામના અનંત મુક્તાની પૂજા કરવાની પણ તેઓને ઇચ્છા થઇ. તેમની ઇચ્છા જાણી શ્રીજીમહારાજ તેમને કહે, ‘ આ એક-એક અવતાર અને રામાનંદ સ્વામી પુરુષોત્તમ હોય, તો મારાં અનંત સ્વરૂપો થાઓ... એમ સંકલ્પ કરો. ' પછી તેમણે તેવો સંક્લ્પ કર્યો. પરંતુ તેમના અનેક સ્વરૂપો ન થયાં.
પછી શ્રીજીમહારાજ કહે , ‘ હવે (હું) શ્રીજીમહારાજ સર્વોપરી હોય, તો મારાં અનંત સ્વરૂપ થાઓ એમ સંકલ્પ કરો. ' તેઓએ જેવો આ સંકલ્પ કર્યો, ત્યાં તો તેમનાં અનેક સ્વરૂપો થયાં ! પછી તેઓએ બધા જ મુક્તોની પૂજા કરી.
શીતળદાસ જ નહીં, અનેક ભક્તોને સમાધિમાં અક્ષરધામમાં દિવ્ય સાકાર શ્રીજીમહારાજનાં દર્શન થયાં છે, માટે શ્રીજીમહારાજ સદા સાકાર છે, પૃથ્વી પર પધાર્યા ત્યારે પણ તેઓ સાકાર હતા, મનુષ્ય જેવા હતા, તથા અક્ષરધામમાં પણ સાકાર છે. આ રીતે શ્રીજીમહારાજે અનેકને સમાધિ કરવી પોતાના સાકારસ્વરૂપની પ્રતીતિ કરાવી હતી.
વળી, અનેક ભક્તોને અંતકાળે તેડી જઈ શ્રીજીમહારાજ તેમને અક્ષરધામમાં પોતાના દિવ્ય-સાકાર સ્વરૂપનાં દર્શન કરાવે છે.
- એક સત્યપ્રસંગ : ભગવાન નિરાકાર નથી
એક સત્સંગી બંધુ એક આશ્રમમાં ગયા. તે આશ્રમના લોકો ભગવાનને નિરાકાર માનતા હતા. તેમણે સત્સંગી બંધુને કહ્યું, ‘ ભગવાન નિરાકાર છે. ' સત્સંગી બંધુ કહે, ‘ આવું તમને કોણે કહ્યું ? ’ આશ્રમવાસી કહે, ‘ અમારા ગુરુજીએ. ' સત્સંગી બંધુ કહે, ‘ તમારા ગુરુજીને કોણે કહ્યું ? ’ આશ્રમવાસી કહે, ‘ ભગવાને. ’
સત્સંગી બંધુ કહે, ‘ ભગવાને કહ્યું એટલે ભગવાનને મુખ થયું કે નહીં ? વળી, ભગવાને તમારા ગુરુને કહ્યું તેથી તેમની સામે જોઈને જ કહ્યું હશેને ! એટલે આંખ થઈ કે નહીં ? વળી, બોલી તે જ શકે જેને સાંભળ્યું હોય. જેના કાન ચાલતા ન હોય તે બોલી પણ ન શકે. તેથી ભગવાનને કાન પણ થયા. હવે મુખ, કાન, આંખ થયાં, તો મગજ વિના એવું કેમ થાય ! એ બધું થયું તો મસ્તક આવ્યું કે નહીં ! મસ્તક એમ ને એમ લટકે ? શરીર પણ આવ્યું કે નહીં ? ! ’ આશ્રમવાસી કહે, ‘ એ બધું અમે ન જાણીએ. ભગવાન નિરાકાર છે. ' સત્સંગી બંધુએ આગળ ચર્ચા ટાળી, પરંતુ નિરાકાર સમજનાર ઘણી જગ્યાએ ફસાઈ જાય છે. માટે ‘ ભગવાન નિરાકાર છે. ’ એ વાત બિલકુલ ખોટી છે.
મુદ્દો-૨ : " અજબ-ગજબ સૃષ્ટિ રચનાર ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે "
(૧) અમેરિકાના પ્રોફેસર મોરોવિટ્સે આત્મા વિનાના કેવળ શરીરની કિંમત 6×1018 (60 ની પાછળ 18 શૂન્ય) ડૉલર કહી છે. આ સંદર્ભમાં માનવનું જીવન ૭૦ વર્ષ ગણીએ, તો દરેક સેકંડની કિંમત ૨ અબજ ૭૨ કરોડ ડૉલર થાય !!!
(૨) ' Making the most of your mind ' નામના પુસ્તકમાં ટોની બુઝાન (Tony Buzan) લખે છે : ‘મનુષ્યના મગજમાં ૧૦ અબજ ન્યુરોન્સ છે. તેમાં એકડા પાછળ એક કરોડ કિલોમીટર સુધી ‘ શૂન્ય - 0 ’ ટાઇપ કરીએ એટલાં આંતરિક જોડાણ (Interconnection) છે ! કોઈ પણ ક્ષણે મગજમાં ૧ લાખથી ૧૦ લાખ રાસાયણિક પ્રક્રિયા (Chemical Reactions) થાય છે ! '
(૩) મગજ ઉપરાંત માનવ શરીરનાં અન્ય મહત્ત્વનાં અંગો જેવાં કે આંખ, કાન, નાક, કિડની, લિવર, હૃદય, જીભ, ફેફસાં તથા અસ્થિતંત્ર, સ્નાયુતંત્ર, ડી.એન.એ. (DNA) વગેરે ઉપર વિચાર કરીએ તો મગજ કામ કરતું બંધ થઈ જાય એવું છે !
(૪) તેથી જ વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટન કહેતા : ‘બીજા કોઈપણ પુરાવાની ગેરહાજરીમાં હાથના પંજામાંના અંગૂઠાની રચના જ મને ભગવાનના અસ્તિત્વની ખાતરી કરાવે છે. '
(૫) ભગવાને સજીવોની ૮૪ લાખ જાતિઓ બનાવી છે. જેમાંથી હાલ સુધીમાં ૧૭,૫૦,૦૦૦ સજીવ જાતિઓની વિજ્ઞાન દ્વારા નોંધ થઈ છે. વિવિધ વનસ્પતિ, વિવિધ પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, વિવિધ જીવ-જંતુઓ, ઊંડા ઊતરીએ તો પાર જ ન આવે એવું ભગવાનનું સર્જન છે.
(૬) આ સિવાય સપનું, સમય, લાગણી, મન, વિચાર, આત્મા વગેરે ખરેખર શું છે ? તેની તો કોઈને ૧૦૦ % ખબર જ નથી. ટૂંકમાં, ભગવાન સાકાર છે અને તેમણે આટલી અદ્ભુત સજીવ-નિર્જીવ સાકાર સૃષ્ટિની રચના કરી છે. આ બધું બનાવનાર ભગવાન આપણને પ્રગટ મળ્યા છે.
મુદ્દો-૩ : " અંતર્યામી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે "
- પ્રસંગઃ અંતરની વાત કરી દીધી
વડતાલ. આણંદનો એક બ્રાહ્મણ શ્રીજીમહારાજ પાસે આવ્યો. તે કહે, ' તમે ભગવાન હોવ તો મારા અંતરની વાત કરો. ' શ્રીજીમહારાજે કહ્યું, ‘ એ રહેવા દો. ' બ્રાહ્મણે ૩ વાર કટાક્ષ કર્યો. ત્યારે શ્રીજીમહારાજે બોલવાનું શરૂ કર્યું : ' તું અને તારોકાકો મુંબઈથી આવતા હતા. એક કાળી પેટીમાં ૨,૦૦૦ રૂપિયા હતા. ’ બ્રાહ્મણ મૂંઝાયા. શ્રીજીમહારાજ કહે, ' તે પગ દબાવવાના બહાને તારા કાકાનું ગળું દબાવી તેને મારી નાંખ્યા છે ! ' આ સાંભળી બ્રાહ્મણ શ્રીજીમહારાજના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. શ્રીજીમહારાજે કહ્યું, ‘ ૧,૦૦૦ રૂપિયા તારા કાકાનાં સગાંઓને આપી આવજે. '
- પ્રસંગ : ભગવાન આપણને હંમેશાં જુએ છે
સને ૧૯૮૮. લંડનના યુવકોને અંતરમાં એવી ભાવના હતી કે પ્રમુખસ્વામી મહારાજને ફૂલનો મુગટ પહેરાવવો. ઓસ્ટ્રિયા દેશમાં એક સ્થળે સ્વામી ઊતર્યા હતા. યુવકોએ કહ્યું : ‘ હાર ગૂંથીને પહેરાવવો છે. ' સ્વામીએ અંતર્યામીપણે જ કહ્યું : ' હાર બરાબર છે પણ મુગટ પહેરાવવાનો નથી. ' યુવો આ સાંભળી તાજ્જુબ થઈ ગયા. કારણ કે આ વાત તેઓએ કોઈને કહી ન હતી. તોપણ યુવકોએ કહ્યું : ' બાપા ! અહીં તો એકાંત છે, કોણ જોવાનું છે ? ' સ્વામી તરત કહે : ‘કોણ શું ? ભગવાન તો બધું જુએ છે ને ! '
મુદ્દો-૪ : " સારનો સાર : ગુરુમાં ‘પ્રત્યક્ષ પરબ્રહ્મ’નો ભાવ "
ટૂંકમાં સમજવાનું એટલું છે કે અનંત બ્રહ્માંડના રાજાધિરાજ, અનંત સુખના નિધિ, સાકાર-દિવ્ય શ્રીજીમહારાજ હાલ ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે. આપણે મહંતસ્વામી મહારાજમાં 'પ્રત્યક્ષ પરબ્રહ્મ' ના એટલે કે ભગવાનના ભાવથી જોડાઈ જઈએ એ સાધનામાં સારનો સાર છે. આપણને ગુણાતીત સંત દ્વારા ભગવાન મળી ગયા છે-એ વાતનો આપણે અખંડ કેફ રાખવો જોઈએ.
સને ૧૯૮૮. નૈરોબી. પ્રમુખસ્વામી મહારાજે એક સંતને કહ્યું હતું : ‘ જે અક્ષરધામમાં છે તે જ આ છે. માટે સાક્ષાત્ ભગવાન મળ્યા છે એવો ઉમંગ, કેફ ને બળ રાખવાં. કોઈ પૂછે કે ભગવાન જોયા છે ? તો હા પાડવી. ’
આજે મહંતસ્વામી મહારાજ સ્વરૂપે ભગવાન શ્રીજીમહારાજ આપણને દર્શન દે છે ! ભગવાન આપણી સાથે વાતો કરે છે, આપણી વાત સાંભળે છે. આપણને આશીર્વાદ આપે છે. આપણને માયા પાર કરવા તેઓ પૃથ્વી પર આવ્યા એ કેટલું મોટું ભાગ્ય !! આપણાં પુણ્યનો પાર નથી !
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Comments
Post a Comment