મહિમાનો વિચાર

  •  પ્રસંગ : ભક્તોમાં મુક્તોનાં દર્શન 

                               ૧-૭-૨૦૦૧. રાજકોટ . પ્રમુખસ્વામી મહારાજ પ્રતીક ઉત્તરાયણ પર્વ નિમિત્તે આહલેક માટે સજ્જ થઈ ચૂક્યા હતા. ત્યાં ઉપરથી એક પ્લેન ઊડ્યુ. તેની ઘરઘરાટીને લીધે સ્વામી થોડીવાર મૌન ઊભા રહ્યા. શ્રીકૃષ્ણ પંડ્યા કહે, ‘ દેવતાઓ આપની પ્રદક્ષિણા ફરે છે. દેવતાઓ પણ ઝોળી આપવા આવ્યા છે. ’ 

                    સ્વામી કહે, ‘ દેવતાઓ અહીં અક્ષરધામના મુક્તો બેઠા છે એનાં દર્શન કરે છે. દેવો તો બધા ઉપર ઊડ્યા કરે. આપણે તો અક્ષરધામમાં મહારાજની સેવામાં બેઠેલા મુક્તોનાં દર્શન કરીએ છીએ. ’ 


  • પ્રસંગ : ભક્તો બ્રહ્મની મૂર્તિ 

                    સને ૧૯૬૫. ગોંડલ. એક બપોરે ગુણવંતભાઈ એક યુવકની વાત કરતાં યોગીજી મહારાજને કહે, ‘ બાપા ! એ સેવા કરતા નથી ને બીડી પીવે છે. ’ સ્વામી કહે, ‘ તમે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં છે ? ’ તેઓ કહે, ‘ ના. ’ યોગીબાપા કહે, ‘ એણે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં છે. તેઓ તમારાથી જૂના છે. તમારે મહિમા સમજવો જોઈએ. તમે અમારી સાથે રહ્યા ને અવયવ ન બદલાય તો શું ગુણ આવ્યા ? અભાવ - અવગુણ કોઈનો આવવો ન જોઈએ, તો રજકણ બદલાયા કહેવાય. ’ પછી ગુણવંતભાઈએ ક્ષમા માંગી ત્યારે રાજી થઈ આશીર્વાદ આપતાં સ્વામી કહે, ‘ સંબંધવાળા સંતો - ભક્તોને વિશે સંપ, સુહૃદભાવ, એકતા વધશે, જાવ. ' 

                    તા . ૧૫-૫-૧૯૫૯. યોગીજી મહારાજે પાલેજથી ભરૂચ જતાં ટ્રેનમાં યુવકોને કહ્યું, ‘ મને નાનામાં નાના સત્સંગીનો અભાવ કોઈ દી ' આવે નહીં. ઈ દેખાય જ નહીં. દેખાવા દઉં નહીં. બ્રહ્મની મૂર્તિ દેખું. માયિકભાવ આવે નહીં. ચૈતન્યમૂર્તિ સમજું. ’



  • પ્રસંગ : હરિભક્તોની ચરણરજનો મહિમા 

                    ૧૯૫૭-૧૯૫૮, વિરમગામ. રાત્રિસભા બાદ સૌ ચેષ્ટા બોલી આરામમાં ગયા. રાત્રે બે વાગ્યા ત્યારે વલાસણના ડાહ્યાભાઈ કંઈક અવાજ સંભળાતાં બેઠા થઈ ગયા. તેમણે જોયું તો યોગીજી મહારાજ પોતાના ગાતરિયાના છેડાથી જમીન પર પડેલી ધૂળ ચાળતા હતા. તેમણે સ્વામીને પૂછ્યું, ‘ બાપા, આ શું કરો છો ? ' યોગીબાપા કહે, ‘ ગુરુ, બોલશો નહીં. ’ પછી એકદમ ધીમેથી કહ્યું, ‘ હરિભક્તો જાગી જશે. ’

                   ડાહ્યાભાઈ ધીમેથી કહે, ‘ પણ બાપા, આપ અત્યારે શું કરતા હતા ? ' સ્વામી સહજભાવે કહે, ‘ એ તો અહીં હરિભક્તો સભા કરીને બેઠેલા તે એમની ચરણરજ ભેગી કરી માથે ચઢાવવી છે. ’ ડાહ્યાભાઈ કહે, ‘ આમ કેમ ? ’ ત્યારે યોગીબાપા કહે, ‘ હરિભક્તો કેવા મહિમાવાળા ! ઘરબાર, બૈરાં, છોકરાં, મૂકીને અહીં આવી સત્સંગ કરે છે, સેવા કરે છે, કેવું બળ ! કેવી આત્મબુદ્ધિ ! ’ પછી કહે, ‘ જાવ, હવે સૂઈ જાવ. આ કોઈને કહેવું નહીં, દાટી દેવું ! ' 


  • પ્રસંગ : હાથ છોડી જતા રહેશે 

                   સને ૧૯૫૯. કંડારી . ડૉક્ટર રમણભાઈ (હાલ પૂજ્ય ડૉક્ટર સ્વામી) એ યોગીજી મહારાજને એકાંતમાં મળવાની ઇચ્છા દર્શાવી. સ્વામી તેમનો હાથ પકડી તેમને એક ઓરડામાં લઈ ગયા ને કહે, ‘ શું વાત છે ? ' રમણભાઈએ એક હરિભક્તના સત્સંગ વિરુદ્ધ વર્તનની સાચી વાત કરી. સ્વામી તરત જ એમનો હાથ છોડી એક શબ્દ પણ બોલ્યા વિના બહાર ચાલ્યા ગયા ! આ પ્રસંગ પરથી રમણભાઈએ પ્રેરણા લીધી કે, ‘ છતી આંખે અંધ રહેવું. છતે કાને બહેરા રહેવું - એ સ્વામીનો મત છે અભાવ - અવગુણમાં પડવું નહીં એ એમનો સિદ્ધાંત છે. નહીંતર તેઓ આપણો હાથ છોડી જતા રહેશે. ’ 


  • પ્રસંગ : બધા બ્રહ્મરૂપ છે જ 

                   તા. ૨૭-૪-૧૯૯૮. એક સંત પ્રમુખસ્વામી મહારાજને કહે, દરેક મંડળમાં ૨-૩ બ્રહ્મરૂપ થયેલા રાખવા. કોઈ બીજાને નમૂનારૂપે બતાવી શકાયને. બાકી અંતકાળે તો બધા બ્રહ્મરૂપ છે જ, થવાના જ છે - પણ એ કોઈને મનાય નહીં. ’ 

                   પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘ બધાની બ્રહ્મરૂપ સ્થિતિ છે જ. બીજાને મનાય નહીં, દેખાય નહીં , પણ બ્રહ્મરૂપ છે જ. સત્સંગ મૂકીને જતા નથી તો બ્રહ્મરૂપ છે જ. નહીં તો જતો રહે. અહીં સત્સંગમાં બેઠા છે, એટલે સ્થિતિ છે, બ્રહ્મરૂપ છે. ભગવાન અને સંતને રાજી કરવાનું તાન છે. બાકી ક્યાં માથાકૂટમાં પડવું એમ થાય. સત્સંગમાં છે તો બ્રહ્મરૂપ છે જ. મોટાપુરુષના વચનમાં વર્તે છે તો બ્રહ્મરૂપ છે જ ... ’ 


  • પ્રસંગ : અક્ષરધામના મુક્તો 

                  તા. ૨૩-૪-૨૦૦૭ . સારંગપુર. પ્રમુખસ્વામી મહારાજને ભોજન દરમ્યાન સંતોએ પ્રશ્ન પૂછ્યા. તેમાં એક પ્રશ્ન એક પાર્ષદે પૂછ્યો, ‘ આપ સૌ ભક્તોને કેવી દૃષ્ટિએ જુઓ છો ? ’ 

                 તેના જવાબમાં ૪ વિકલ્પ હતા : (૧) ગુરુ શિષ્યને જુએ તેમ, (૨) માતા - પિતા બાળકને જુએ તેમ, (૩) મિત્ર મિત્રને જુએ તેમ અથવા (૪) ભગવાન ભક્તને જુએ તેમ ? ત્યારે સ્વામી બોલ્યા, ‘ બધા અક્ષરધામના મુક્તો છે. આ સંતો, હરિભક્તો, યુવકો, બાળકો બધા જ અક્ષરધામના મુક્તો છે. યોગીબાપા પણ એ જ કહેતા. '


  • પ્રસંગ : વાત સાંભળી તેના બે ઉપવાસ 

                 સને ૧૯૫૩. અમદાવાદ. ‘ સત્સંગિજીવન’ની પારાયણ સમયે વિનુભાઈ (હાલ મહંતસ્વામી મહારાજ) દર્શને આવ્યા. યોગીજી મહારાજે તેમના ખબર - અંતર પૂછ્યા. પછી કહે, ‘ ટ્રેનમાં શું કર્યું ? ’ વિનુભાઈ ગૂંચવાયા. કારણ કે ટ્રેનમાં એક હરિભક્તે એક સંતના અવગુણની ઘણી વાતો કરી હતી. છતાં વિનુભાઈએ અચકાતાં - અચકાતાં કહ્યું, ત્યારે સ્વામી કહે, ‘ બે ઉપવાસ કરી લેજો. વાત તમે સાંભળી કેમ ? ' પછી બોલનાર હરિભક્તને બોલાવી સ્વામીએ કહ્યું, ‘ તમે ૧ ઉપવાસ કરી લેજો. ’ 

                 અભાવ - અવગુણની વાત ગુણાતીત સંતને ગમતી જ નથી. એ મૂકીએ તો અક્ષરરૂપ થયા કહેવાઈએ.


🙏Jai Swaminarayan🙏

--------------------------------------------

--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------

Comments

Post a Comment