સંતુલિત જીવન માટે સત્પુરુષનો આગ્રહ
" સંતુલિત જીવન માટે સત્પુરુષનો આગ્રહ "
- આર્થિક સંતુલનનો આગ્રહ
કોઈને છેતરવા, ખોટું બોલવું , ચોરી કરવી, કામચોરી કરવી, સટ્ટો - જુગાર વગેરે રમી પૈસા કમાવા - આ બધું સત્પુરુષને ક્યારેય ગમતું નથી. આપણે એ રસ્તે ન જઈએ તો આર્થિક રીતે અક્ષરરૂપ થયા કહેવાઈએ.
- અભ્યાસકીય સંતુલનનો આગ્રહ (નિયમિત સારો અભ્યાસ)
બાળપણ એ ભણવાની ઉંમર છે . તેમાં ‘ વિધાર્થી નંબર વન ' બની ભણવું જોઈએ. એકવાર પ્રમુખસ્વામી મહારાજ પધરામણી બાદ પોતાના ઉતારે આરામ કરી રહ્યા હતા. કેટલાક યુવકો સ્વામીશ્રીનાં ચરણ દાબતા હતા. એવામાં એક બાળક ત્યાં આવ્યો. તેને પણ ચરણચંપી કરવાનું મન થયું.
પરંતુ તે બાળક અભ્યાસમાં આળસ રાખતો હતો. તે જાણી સ્વામીએ તેને કહ્યું, ‘ તું અભ્યાસ કરે તે મારી સેવા જ છે. તને પગ તો પાંચેક મિનિટ દાબવા મળશે, પણ તું રોજ ૧ કલાક વધુ અભ્યાસ કરીશ, તો તેં ૧ કલાક સેવા કરી ગણાશે. ૨ કલાક કરીશ, તો બે કલાક સેવા કરી ગણાશે, એમ હું માનું છું. મારો બધો થાક ઊતરી જશે. મારી તબિયત સારી થઈ જશે. ’
૩-૧૦-૨૦૧૭, લંડન. શાળાના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે જણાવ્યું : ‘ અહીં અભ્યાસ કરવા આવ્યા છો , તો વ્યવસ્થિત કરવો જ જોઈએ. તમે ગમે તેટલા હોશિયાર હો, કઠિન પુરુષાર્થ કરવો જ પડે. આ પાયાનો નિયમ છે. તમે એકવાર અભ્યાસ કરો તો ભૂલી જવાય, પણ જે રીતે કરવો જોઈએ તે રીતે અભ્યાસ કર્યા જ કરો - કર્યા જ કરો તો શ્રેષ્ઠ ગુણાંક આવે છે. અભ્યાસ વિનાની બીજી બધી વસ્તુઓ (વીડિયો ગેમ-કાર્ટૂન સીરિયલ-સિનેમા- વધુ પડતી રમત) ભૂલી જવાની. ભણવું એ મુખ્ય વસ્તુ છે. સ્વામીબાપા અને ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે - ભણવા જાઓ. ’
૨-૯-૨૦૦૫. અટલાદરા. કેટલાક કિશોરોને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા. એક કિશોર કુસંગની સોબતમાં ચડી ગયો હતો અને ખરાબ વાંચન તથા વીડિયો જોવાની ટેવનો ભોગી બની ગયો હતો. ભણવામાં એનું ચિત્ત લાગતું ન હતું. એને પ્રેરણાવચનો કહેતાં સ્વામીએ જણાવ્યું, ‘ ટી.વી. કે ઇન્ટરનેટ આ બધું જ તું મૂકી દે. આ બધું ભૂલવાનું છે. તને જે દુઃખ થાય છે અને ખરાબ વિચારો આવ્યા કરે છે, ભણવાનું મન થતું નથી એનું કારણ આ બધું છે. ખરાબ ફિલ્મો જુએ એટલે પછી ખોટા વિચારો જ આવે અને સ્ત્રીનું આકર્ષણ એવું છે કે વિચારો તો આવી જ જાય. કુસંગ કરાવે એવા મિત્રોને છોડી જ દે. બધું ભૂલી જઈને અભ્યાસમાં ધ્યાન આપ. ભણતર એ અત્યારે મોટી વસ્તુ છે. '
આપણે સારો અભ્યાસ કરીએ તો અક્ષરરૂપ થયા કહેવાઈએ .
- પારિવારિક સંતુલનનો આગ્રહ (ઘરસભા)
શારીરિક, આર્થિક, અભ્યાસકીય, સામાજિક - દેશ સંબંધિત, સાંસ્કૃતિક સંતુલન કદાચ થોડું ખોરવાય પણ પારિવારિક સંતુલન બરાબર હોય તો વ્યક્તિને દુ:ખ ઓછું લાગે છે. એથી વિરુદ્ધ બીજાં બધાં સંતુલન બરાબર હોય અને પારિવારિક સંતુલન જરા પણ ખોરવાય તો વ્યક્તિ દુઃખી - દુઃખી થઈ જાય છે. માટે સૌથી મહત્ત્વનું સંતુલન પારિવારિક સંતુલન છે.
સને ૧૯૮૭ , મુંબઈ. પ્રમુખસ્વામી મહારાજ પત્રલેખન કરી રહ્યા હતા. પત્રોનો થપ્પો જોઈ ધીરેન્દ્રભાઈ વીંછી નામના હરિભક્તે સ્વામીને પૂછ્યું, ‘ સ્વામી ! આ બધી ટપાલોમાં શું હોય છે ? સ્વામી કહે, ‘ દુઃખની વાતો. ’ ધીરેન્દ્રભાઈએ પૂછ્યું, ‘ આ બધાં દુઃખો ટાળવાનો કોઈ ઉપાય ખરો ? અમારે અમારા પ્રશ્નોના પત્રો લખવા જ ન પડે અને પ્રશ્નો ઊભા જ ન થાય તેવો કોઈ ઉપાય બતાવોને ! ’ સ્વામીએ જવાબ આપ્યો, ‘ ઘરસભા. રોજ રાત્રે જો ઘરના બધા સભ્યો ભેગા થાય, થોડી કથા-વાર્તા કરે, તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. થાય તોપણ તેને ઉકેલવાનું બળ મળે અને તેના દુઃખનો ભાર ન લાગે. '
પ્રસંગઃ ઇન્ટરનેશનલ લેવલે સંપ
૨૨-૮-૨૦૧૦, ડલાસ (અમેરિકા), કેવિન નામના એક અમેરિકન હરિભક્ત મહંતસ્વામી મહારાજની મુલાકાતે આવ્યા. તેઓ આખા વિશ્વમાં એકતા માટે કાર્ય કરતી સંસ્થા યુ.એન. (યુનાઈટેડ નેશન) માં સારી પોસ્ટ પર નોકરી કરે છે. તેમણે મહંતસ્વામી મહારાજને પૂછ્યું, ‘ ઇન્ટરનેશનલ સંપ કેવી રીતે થાય ? ’ સ્વામીશ્રી એકદમ પ્રેક્ટિકલ જવાબ આપતાં કહે, ‘ ફેમિલીથી શરૂ કરો, તો ઇન્ટરનેશનલ લેવલે સંપ થશે. ’
અમદાવાદ, પ્રમુખસ્વામી મહારાજ મંદિરમાં ભગવાનનાં દર્શન કરતા હતા. લંડનથી આવેલા બાળમંડળના બાળકો પણ સાથે હતા. સ્વામીએ બાળકોને મંદિરની પ્રદક્ષિણામાં સાથે લીધા. ત્યાં પ્રદક્ષિણામાં અવતારો, દેવો, ભક્તો વગેરેની મૂર્તિઓ મૂકવામાં આવી છે. તેમાંથી શ્રવણને બતાવીને સ્વામીએ કહ્યું, ‘ જુઓ, આ શ્રવણ છે. એ એનાં મા - બાપને લઈને જાય છે.... ત્યાં (લંડનમાં) મા-બાપને ક્યાં લઈ જાય ? ’ ‘ ઓલ્ડ-એજહોમ ( વૃદ્ધાશ્રમ ) માં ! ' બાળકોએ કહ્યું. સ્વામી કહે, ‘ આપણે એવું ન કરવું. આપણી સંસ્કૃતિ કહે છે કે મા - બાપની જિંદગીના અંત સુધી સેવા કરવી. સમજ્યા ? '
આપણે સંપ રાખીએ, મા - બાપને ક્યારેય ન ભૂલીએ, તો પારિવારિક રીતે અક્ષરરૂપ થયા કહેવાઈએ.
- સામાજિક - દેશ સંબંધિત સંતુલનનો આગ્રહ (સ્વચ્છતા અને શિસ્ત)
૧૨-૧૨-૨૦૦૬ . મહેળાવ. પ્રમુખસ્વામી મહારાજ રસોડાના શેડ પાસે આવ્યા. ત્યાં વાસણ ઊટકાતાં હતાં. બાંધકામ ચાલુ હોવાથી ત્યાં પાણી બહાર ફેલાતું હતું. સ્વામી ટકોર કરતાં કહે, ‘ આ રીતે પાણી બહાર ફેલાય તો મરછર થાય અને રોગ થાય. સ્વચ્છતા પહેલેથી રાખવી. આયોજન પહેલેથી કરવું કે પાણી ગટર ભેગું થઈ જાય. સ્વચ્છતાનો બરાબર ખટકો રાખવો. '
બોચાસણ. ગુરુપૂનમનો સમૈયો હતો. પ્રમુખસ્વામી મહારાજ સભા બાદ ઉતારે પધાર્યા. ભોજનનો રૂમ ખૂબ નાનો હતો. તેથી અંદર પ્રવેશવા માટે ભક્તો પડાપડી કરતા હતા. સ્વામીને આ અશિસ્ત જરા પણ ગમી નહીં. તેઓ બોલ્યા, ‘ બંધ કરો પડાપડી. અમારાં દર્શન માટે આવું ક્યારેય કરવું નહીં. આપણે માણસ છીએ. પશુ નહીં. લાઇનસર આવવું - જવું - બેસવું. પશુની જેમ ન વર્તવું. રાડારાડી, પડાપડી, ધમાલ-મસ્તી એ કાંઈ માણસનાં લક્ષણ છે ? ! ’
બોચાસણ. પ્રમુખસ્વામી મહારાજ વૃદ્ધ સંતોને મળવા તેમના નિવાસસ્થાને ગયા. પાછા વળતાં તેમની નજર બાથરૂમ તરફ ગઈ. ત્યાં ખૂબ ગંદકી હતી. સ્વામી અન્ય સંતોને કહે, ‘ તમે જાઓ. હું આવું છું. ' સૌને થયું કે સ્વામી બાથરૂમમાં લઘુ (મૂત્રત્યાગ) કરવા ગયા હશે. પરંતુ સ્વામીએ સાવરણો હાથમાં લીધો અને બાથરૂમનું બારણું બંધ કરી તમામ ગંદકી સાફ કરી દીધી. આ રીતે આપણે પણ ઘરમાં - શરીરમાં ચોખ્ખાઈ રાખીએ તો સામાજિક રીતે અક્ષરરૂપ થયા કહેવાઈએ.
૧૦-૨-૨૦૦૬. અટલાદરા. પ્રમુખસ્વામી મહારાજ આરામમાં જવા પલંગ પર બેઠા હતા. એક નાનો બાળક યજ્ઞેશ સ્વામી પાસે આવ્યો અને કાનમાં કહે, ‘ તમને કેવા બાળકો ગમે ? ' સ્વામી કહે, ‘ જે ભક્ત થાય એવા બાળકો ગમે. જે રોજ માળા ફેરવે, રોજ પૂજા કરે, રોજ દંડવત્ - પ્રદક્ષિણા કરે, રોજ સારો અભ્યાસ કરે, માતા - પિતાનું કહ્યું કરે તેવા બાળકો ગમે. ’
અમદાવાદ. પ્રમુખસ્વામી મહારાજ યુવકોને દર્શન આપતા હતા. એક પછી એક તેઓ સૌ યુવકોનાં નામ પણ બોલતા હતા. એક યુવક ઊભો થયો. તેને જોઈ બીજો યુવક કહે, ‘ આનું નામ ‘ બોખી ’ છે. ’ કારણ એ હતું કે તે યુવકને સૌ ‘ બોખી ’ કહી ખીજવતા હતા. પેલો યુવક સ્વામીને કહે, ‘ બોલો ... બોખી ... ' સ્વામી તરત જ બોલ્યા, ‘ ના, એવું ના બોલાય. ’
આ રીતે આપણે નિયમિતતાવાળું - શિસ્તવાળું જીવન બનાવીએ, વાણી - વિવેક રાખીએ, તો સામાજિક રીતે અક્ષરરૂપ થયા કહેવાઈએ.
વિદ્યાનગર, છાત્રાલયના એક બ્લોકમાં પ્રમુખસ્વામી મહારાજ નિરીક્ષણ માટે પધાર્યા. એક રૂમમાં ગયા. રૂમ સ્વચ્છ હતી. પરંતુ ગેલેરીમાં ખૂણામાં થોડા સાબુ જેમ - તેમ પડ્યા હતા. એક મસોતું ગંધાતું હતું. સ્વામીએ તે રૂમમાં રહેતા વિદ્યાર્થીઓને બોલાવ્યા અને પેલું મસોતું જાતે જ ઊંચકીને કહે, ‘ જુઓ આ મચ્છર ! તમે આવું રાખો પછી એને આમંત્રણ આપવા જવું પડે ? પછી ફરિયાદ કરીએ એ કેમ ચાલે ? આ સાબુ, આ શીશી બધું વ્યવસ્થિત મૂકવું. અત્યારથી એવી ટેવ પાડવી. સ્વચ્છતા માટે ટાપટીપ કરવી. '
સને ૨૦૦૭, લંડન. પ્રમુખસ્વામી મહારાજ એક બાળકને મળ્યા. આ બાળકે એક ભાઈની મર્સિડીસ નામની મોંઘી ગાડી પર લોખંડના સળિયા વડે લિસોટા પાડી દીધા હતા અને તેના કાચને તોડી નાંખ્યો હતો. બાળકને સ્વામી આગળ હાજર કરવામાં આવ્યો ત્યારે એ કહે, ‘ મારાથી ભૂલ થઈ ગઈ છે. ’ સ્વામી કહે, ‘ તને કોઈએ શિખવાડેલું ? ' તે કહે, ‘ ના. ’ સ્વામી કહે, ‘ તો પછી આવો વિચાર કેમ આવ્યો ? ’
બાળકે કહ્યું, ‘ મારા પપ્પાની ગાડી કરતાં આ ગાડી સારી લાગી એટલે મનમાં ઈર્ષ્યા જાગી ને ક્રોધ આવી ગયો. ’ નાના બાળકનો આવો ઈર્ષ્યાભાવ જોઈ સ્વામી આશ્ચર્યચકિત થઈ ગયા. છતાં મોટા દિલથી એની ભૂલને માફ કરતાં સ્વામી કહે, ‘ આ રીતે કોઈનીય ઈર્ષ્યા ન કરવી. આવું કરવાથી તારી ગાડી સારી થઈ જવાની નથી. આપણે સત્સંગી થયા. નાનપણથી આવી ટેવ પડી જાય તો આગળ જતાં ઘણું નુકસાન થાય, માટે ફરીથી હવે ક્યારેય આવું કરીશ નહીં. ભગવાને ભૂલ માફ કરી છે. કોઈને નુકસાન કરવું નહીં. એની જગ્યાએ સારી રીતે ભણીશ તો સારી નોકરી મળશે ને આવી ગાડી પણ મળશે. ’
આ રીતે આપણે સ્વચ્છતા રાખીએ, કોઈને નુકસાન ન પહોંચાડીએ, શિસ્તમાં રહીએ, તો સામાજિક રીતે અક્ષરરૂપ થયા કહેવાઈએ.
- સાંસ્કૃતિક સંતુલનનો આગ્રહ (ભાષા, ભૂષા,ભજન અને ભોજન)
સ્વામી કહે. ‘ આપણે તો સ્વામિનારાયણની ફેશન રાખવી. અમારી ટ્રેડિશન આ દેખાય એ જ છે. ધોતિયું ને ગાતરિયું. એમાં બધી ફેશન આવી ગઇ. પટાપટી કરીએ, તો કેટલા વિચિત્ર લાગીએ ?! એટલે આપણે સાદાઈ સારી. બહુ ટાપટીપ કરવા જઈએ, એમાં મજા નહીં.
સને ૨૦૦૪. એડિસન (અમેરિકા). પ્રમુખસ્વામી મહારાજ સાંજે સભામાં જવા માટે નીકળ્યા. સ્વામી સાથે આજે એક ગુજરાતી યુવાન પોલીસ તરીકેની ફરજ પર આવ્યો હતો. સ્વામીએ તેનું નામ પૂછ્યું. એ કહે, ‘ મિલન પટેલ. ’ સ્વામી કહે, ‘ અને ગામ ? ’ તે કહે, ‘ ભાદરણ. ’ સ્વામી સાથે વાત કરતાં તે થોડું અંગ્રેજી અને થોડું ગુજરાતી બોલી રહ્યો હતો.
સ્વામી એને કહે, ‘ ગુજરાતી આપણે ભૂલવાનું નહીં. ’ ‘ કેમ ?' પેલાએ સામેથી પ્રશ્ન કર્યો. સ્વામી કહે, ‘મારા જેવા સાથે વાત કરતાં ફાવેને એટલા માટે. ’ મિલન કહે, ‘ યસ યસ. ' મિલન બધું સમજી શકતો હતો, પણ ગુજરાતી બરોબર ન આવડતું હોવાથી તેને જવાબ આપવામાં બહુ વિચાર કરવો પડતો હતો. સ્વામી એને કહે, ‘ જો આપણી ભાષા જતી ન રહે એનો ખ્યાલ આપણે રાખવાનો છે. આપણી ભાષા સચવાશે તો આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણો સત્સંગ અને આપણો ધર્મ સચવાશે ... ’
આપણે ગુજરાતી વાંચતાં, લખતાં, બોલતાં શીખીએ, તો સાંસ્કૃતિક રીતે અક્ષરરૂપ થયા કહેવાઈએ.
૧૪-૧૦-૨૦૦૪. મોમ્બાસા. એક યુવક પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યો. સ્વામીને સાંભળવામાં તકલીફ પડે એટલા ધીરા અવાજમાં તે કહે, ‘ અભ્યાસ બરોબર થતો નથી. ' સ્વામી ક્ષણભર એની સામે જોઈ રહ્યા. એના બંને કાનમાં રિંગ હતી. એવી જ નાની રિંગ આંખની ઉપરની ભ્રમરમાં પણ એણે નંખાવી હતી. વાંકડિયા સજાવેલા વાળ હતા. હાથમાં ૨-૪ કડાં પહેર્યાં હતાં. છાતીનું બટન ખુલ્લું હતું.
એના પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વામી કહે, ‘ આ બધા નાટારંગ મૂકી દે. આ નાટારંગને લીધે જ એકાગ્રતા રહેતી નથી. ફેશન કરવા જાય છે એટલે અભ્યાસ બરાબર થતો નથી. માટે આ નાટારંગો મૂકી દે. નહીં તો જિંદગી બગડશે. ટી.વી.માં તો ઘણું બધું આવે, પણ એ જોઈને આપણે આપણું જીવન બગાડવાનું નથી. આ કંઠી પહેર અને રોજ ભગવાનને નિયમિત પ્રાર્થના કરજે અને સમય મળે ત્યારે મંદિરે દર્શને આવજે. '
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Jay Swaminarayan
ReplyDelete