મનુષ્યભાવને લીધે દુઃખ. લેખ-૧
🔶 મુદ્દો -૧ " આખી દુનિયા મનુષ્યભાવને લીધે દુઃખી છે "
- પ્રસંગ : સતીને દુઃખ આવ્યું
સતી એટલે પાર્વતીજી. રાવણ સીતાજીને ઉપાડી ગયો ત્યારે રામ ભગવાને સીતાજીને શોધવા માટે વ્યાકુળ થઈ ગયા હતા. તે વખતે સતીને રામ ભગવાનની પરીક્ષા કરવાની ઇરછા થઈ. શિવજીએ ના પાડી છતાં સતી સીતાજીનું રૂપ લઈ રામ પાસે ગયાં. એમને મનમાં એમ કે ભગવાન રામ મને જોતાં તરત જ ઘેલા થઈ જશે, પણ થયું ઊલટું જ.
રામ ભગવાને તરત જ કહ્યું : “ માતા ! એકલા કેમ છો ? શિવજી ક્યાં ?' અને સતી ભોંઠા પડી ગયાં, પછી સતી શિવજી પાસે આવ્યાં. શિવજીએ તેમને બધું પૂછ્યું, પણ સતીએ છુપાવ્યું. શિવજીએ ધ્યાનમાં આખું ચરિત્ર જોયું અને તેમને બધો ખ્યાલ આવી ગયો.
સતીએ સીતાજીનો વેશ ધર્યો તેથી શિવજીના હૃદયમાં ઘણો જ ખેદ થયો, શિવજી કહે,' તમને રામચંદ્રજીએ માતા કહ્યા એટલે હવે મારાથી તમારો પત્ની તરીકેનો સ્વીકાર ન થાય.' આમ સતીને ઘણાં વર્ષો સુધી શિવજીનો વિરહ સહન કરવો પડ્યો.
આમ, ભગવાનમાં મનુષ્યભાવ જુએ તે દુ:ખી થાય.
- પ્રસંગ : ત્રિભોવનભાઈ દ્રોહ કરી બેઠા
સોખડા ગામના ત્રિભોવનભાઈ ખૂબ જ સમર્પિત અને નિષ્ઠાવાન હરિભક્ત હતા. તેઓએ બોચાસણ મંદિરની સેવા માટે ૧૨ બળદ અને ૬ ગાડાં આપી દીધાં હતાં. અને શાસ્ત્રીજી મહારાજનો ખૂબ પક્ષ રાખ્યો હતો. શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે તેઓને એટલો બધો ભક્તિભાવ અને પ્રેમ હતો કે સ્વામી સામે કીર્તન ગાય કે 'ઘેલડી ડોલું રે ...' અને મુજરા પણ કરે.
પરંતુ તેમને પીજ ગામના મોતીભાઈ સાથે વધુ પડતું પ્રેમબંધન થઈ ગયું હતું. મોતીભાઈને પણ આ ગમતું નહી. તેમણે એકવાર શાસ્ત્રીજી મહારાજને આ વાત કરી. સ્વામીએ કહ્યું, ‘તેઓ જ્યારે એવું કરે ત્યારે તમારે ઉપેક્ષા કરવી, તિરસ્કાર કરવો.'
આ વાતની જાણ જ્યારે ત્રિભોવનભાઈને થઈ ત્યારે તેમને શાસ્ત્રીજી મહારાજ પર ખૂબ ગુસ્સો આવ્યો અને આણંદના રેલવે સ્ટેશન પર લાકડી લઈને સ્વામીને મારવા દોડ્યા !!!
- પ્રસંગ : આંબા શેઠને પસ્તાવો થયો
ગઢાડી ગામમાં આંબા શેઠ નામના નિષ્ઠાવાન અને સમર્પિત હરિભક્ત રહેતા હતા. તેઓ દરરોજ સાંજે એલચીવાળા પાણીમાં દાતણ પલાળતા અને રોજ વહેલી સવારે ગઢાડીથી ૧૨ ક્લિોમીટર ચાલીને ગઢડા જઈ શ્રીજીમહારાજને તાજું એલચીવાનું દાતણ આપતા. તેમણે શ્રીજીમહારાજનું નામ 'ન્યાલકરણ' પાડ્યું હતું. કોઈએ પૂછ્યું: 'આવું નવું નામ કેમ પાડ્યું ? સર્વમંગલ નામાવલીમાં શ્રીજીમહારાજનાં ૧૦૦૮ નામ છે. જનમંગલ નામાવલીમાં ૧૦૮ નામ છે. તે કાંઈ ઓછાં છે !' ત્યારે આંબા શેઠ કહે, ‘એ બધું બરાબર પણ શ્રીજીમહારાજ આપણને સૌને ન્યાલ કરવા આવ્યા છે. તેથી મેં નામ ‘ન્યાલકરણ’ પાડ્યું છે.'
પરંતુ એકવાર એક ગજબ પ્રસંગ બની ગયો. ગઢડામાં દાદાખાચરના દરબારમાં શ્રીજીમહારાજ વાસુદેવ નારાયણના ઓરડેથી લીમડાના વૃક્ષ નીચે જતા હતા. ત્યાં સામેથી અદીબા નામનાં મહિલા ભક્ત આવ્યાં. શ્રીજીમહારાજે તેમના ખભે હાથ મૂક્યો અને બે પગથિયાં નીચે ઊતર્યા. આ દૃશ્ય આંબા શેઠે જોયું અને તેમને થયું, 'આ ન્યાલકરણ ! આ ભગવાન ! અમને યુવાન સ્ત્રીને અડવાની ના કહે છે અને પોતે જ હાથ મૂકે છે ? આવા ભગવાન !'
આંબા શેઠ શ્રીજીમહારાજને મળ્યા વિના દરબારના પ્રવેશદ્વારથી જ પાછા ગઢાડી જતા રહ્યા અને દાતણ લાવવાનું પણ બંધ કરી દીધું. શ્રીજીમહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે મુક્તાનંદ સ્વામીને ગઢાડી મોકલ્યા. મુક્તાનંદ સ્વામીએ મહિમાની વાતો કરી તેમની શંકા દૂર કરી દીધી કે “અદીબાને શ્રીજીમહારાજ સાથે લગ્ન કરવાનો સંકલ્પ હતો. તે ફક્ત હાથ મૂકી શ્રીજીમહારાજે પૂરો કરી દીધો હતો.”
- પ્રસંગ : બ્રહ્માજી ભૂલા પડી ગયા
શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે બ્રહ્માજીએ અદ્ભુત સ્તુતિ કરી હતી, પણ તેમને ભગવાનની પ્રસાદી લેવાની ઇચ્છા હતો.
હવે શ્રીકૃષ્ણ ભગવાન મોટા થવા લાગ્યા. એકવાર તેઓ મિત્રો સાથે રમવા ગયા. જમવાનો સમય થયો એટલે બધા મિત્રો સાથે શ્રીકૃષ્ણ ભગવાન જમવા લાગ્યા. આકાશમાંથી દિવ્યરૂપે બ્રહ્માજીએ ભગવાનની આ બાળલીલા જોઈ. તેઓને થયું, ‘જમીને ભગવાન તળાવમાં હાથ ધોશે તો હું માછલી બની જાઉં અને ભગવાનના હાથે ચોંટેલી પ્રસાદી પાણીમાં પડે તે જમુ.'
પરંતુ શ્રીકૃષ્ણ ભગવાને મનુષ્ય ચરિત્ર કર્યું. તેમણે જમીને પાણીથી નહીં ધૂળથી જ હાથ લૂછી નાંખ્યા. આ દૃશ્ય જોઈ બ્રહ્માજીને થયું, નોય નોય પરબ્રહ્મ, આ તો ગોવાળિયો છે.' ખુદ બ્રહ્માજી ભગવાનના ચરિત્રમાં ભૂલા પડી ગયા !
🔶 મુદ્દો -૨ " મનુષ્ય ચરિત્રોમાં છે રહસ્ય "
- પ્રસંગ : મુનિબાવાનો મનુષ્યભાવ ટાળ્યો
મુનિબાવા સુરતમાં રહેતા. તેઓ વેદાંતી-સંન્યાસી હતા. બ્રહ્માનંદ સ્વામી તેમની પાસે સંસ્કૃત ભણવા માટે ગયા હતા. તેમણે મુનિબાવાને શ્રીજીમહારાજના મહિમાની ઘણી વાતો કરી હતી. મુનિબવાને થયું કે, 'ચાલો, શ્રીજીમહારાજના દર્શને જઈએ.' તેઓ સાધુ થવાની તૈયારી સાથે ગઢડા આવ્યા ! પણ શ્રીજીમહારાજે કોઈ ઐશ્વર્ય દેખાડ્યું નહીં. તેથી મુનિબાવાને તો શ્રીજીમહારાજ સામાન્ય માણસ જેવા જ લાગ્યા. તેઓ મૂંજાઈ ગયા કે બ્રહ્માનંદ સ્વામીએ ધક્કો ખવડાવ્યો.
બે દિવસ પછી તેઓ કહે, 'ચલો બ્રહ્માનંદ હમ તો જાતે હે.' બ્રહ્માનંદ સ્વામીએ વિચાર્યું કે, 'આ તો ભારે કરી ! હું કેટલી મહેનત કરીને, સમજાવીને આમને લઈ આવ્યો હતો અને શ્રીજીમહારાજ તો તેમની સામે પણ જોતાં નથી !' બ્રહ્માનંદ સ્વામીએ મુનિબવાને કહ્યું,' એકાદ દિવસ તો રહો.' ત્યારે મુનિબાવા પરાણે ત્યાં રોકાયા.
બીજે દિવસે સવારે શ્રીજીમહારાજ લીમડા નીચે ઊભા હતા. મુકુંદ બ્રહ્મચારી મોટો ગોળ તકિયો લઈને આવતા હતા તેમના હાથમાંથી તકિયો લઈને શ્રીજીમહારાજે પોતાની એક આંગળી ઉપર ફેરવ્યો અને ફેંક્યો. અને આશ્ચર્ય ! તકિયો ગાદી પર જેમ ગોઠવવાવો હતો તેમ ગોઠવાઈ ગયો ! મુનિબાવા બેઠા-બેઠા આ જોતાં હતા. શ્રીજીમહારાજમાં એમને વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર ફેરવતા હોય તેવાં દર્શન થાય ગયા અને તેમને થયું કે,' હવે રહી જઈએ.' પછી તેઓ સાધુ થઈ ગયા.
- પ્રસંગ : મનુષ્યભાવ છે જ નહીં
સને ૧૯૬૭. ગોંડલ. આણંદના બાવાજીભાઈ યોગીજી મહારાજનાં દર્શને આવ્યા. તેમણે સ્વામીને પ્રાર્થના કરી, ‘ બાપા ! કૂવામાં પાણી નથી. તેથી આશીર્વાદ લેવા આવ્યો છું. ’ સ્વામી હસતાં - હસતાં કહે, ‘ અમારે પણ ગોંડલમાં પાણી નથી તેનું કેમ કરવું ? ’ પછી સૌ મંદિરના કૂવા પાસે પહોંચ્યા. યોગીબાપા બાવાજીભાઈને કહે, ‘ તમે મંદિરના આ કૂવામાં દૃષ્ટિ કરો તો પાણી થાય ! ’ બાવાજીભાઈને થયું : ‘ હું આશીર્વાદ લેવા આવ્યો ને સ્વામી મારી પાસે આશીર્વાદ માંગે છે ? ! ’
પછી યોગીબાપા તેમને અક્ષરદેરીમાં લઈ ગયા અને ગુલાબનાં બે પુષ્પો ચરણારવિંદ પરથી લઈને તેમને આપ્યાં. પછી કહે, ‘ આ પુષ્પો તમારા કૂવામાં નાંખજો. જે સ્થળે કૂવામાં પડશે ત્યાં બોર કરવો. સ્વામીના આશીર્વાદથી પાણી થશે. ’ બાવાજીભાઈએ પ્રસાદીનાં પુષ્પો તેમના કૂવામાં નાખ્યાં અને ત્યાં ફક્ત ૬૦ ફૂટે જ પુષ્કળ પાણી થયું ! બાવાજીભાઈ આશ્ચર્યમાં ડૂબી ગયા. બીજી બાજુ યોગીબાપાએ બાવાજીભાઈને પત્ર લખ્યો હતો : ‘ તમે ગોંડળના કૂવામાં દૃષ્ટિ કરી હતી તે કૂવામાં અમારે ઘણું પાણી થયું છે. તમારે પણ ઘણું પાણી બોરમાં થઈ જ ગયું હશે. '
આપણને સમજાય કે ન સમજાય ભગવાન અને સંત જે કોઈ ચરિત્ર કરે છે, તે યોગ્ય જ છે, દિવ્ય જ છે. ઘણીવાર તેઓ મનુષ્યચરિત્રમાં રહેલી દિવ્યતા દર્શાવે છે, ઘણીવાર નથી દર્શાવતા, પણ આપણે ભૂલા ન પડવું.
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Comments
Post a Comment