તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૨
- પ્રસંગઃ ગુરુમાં આત્મબુદ્ધિ = બ્રહ્મરૂપ
તા . ૨૩-૫-૧૯૮૬. મુંબઈ, નીલકંઠ મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે, ' બ્રહ્મરૂપ થવું એટલે શું ? ' પ્રમુખસ્વામી મહારાજ કહે, સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જવાય. સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનવું, પછી આપણામાં બીજો ભાવ ન રહે કે હું નીલકંઠ છું, વાણિયો છું. સત્પુરુષ એ જ આપણું થાય સર્વસ્વ છે. જેટલું આજ્ઞા પ્રમાણે વર્તાય, સત્પુરુષમાં વધારે હેત થાય એટલા બ્રહ્મરૂપ. ’.
- પ્રસંગ : ગુરુમાં જોડાણ કોને કહેવાય ?
સને ૧૮૬૧. મુંબઈ. નૈરોબીના છગનભાઈનો પત્ર હતો. તેમાં લખ્યું હતું કે, ' જેમ ભારતમાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે અને જેવી રીતે અહીં આફ્રિકામાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે, તેવી રીતે અમે આપમાં જોડાઈ જઈએ તેવી અમારી ઉપર દૃષ્ટિ કરશો. ’
આ વાત સાંભળી ત્યારે યોગીજી મહારાજ કહે, ‘ લ્યો, લખતાંય નથી આવડતું. જોડાણ કોને કહેવાય ખબર છે ? જેવી રીતે શાસ્ત્રીજી મહારાજની સેવા કરી, તેમનો સત્સંગ કરી, અમે તેમની સાથે એકમેક થઈ ગયા છીએ તેને જોડાણા કહેવાય. બાકી તો ઓળખ્યા કહેવાય. ’
- પ્રસંગ : સુષુપ્તિમાં પણ ગુરુનું અનુસંધાન !
સંવત ૧૯૯૩. રાજકોટમાં યોગીજી મહારાજને સારણગાંઠનું ઓપરેશન કરાવવાનું હતું. હોસ્પિટલમાં યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરીને જ ઓપરેશન માટે જવાની ઇચ્છા હતી, પરંતુ સ્ટ્રેચરવાળા ઉતાવળા થતા હતા.
તેવામાં શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ પહોંચ્યા. સ્ટ્રેચરવાળા ઊભા હતા. યોગીજી મહારાજ બેઠા થયા અને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં. શાસ્ત્રીજી મહારાજે બે હાથ માથે મૂક્યા અને આશીર્વાદ આપ્યા.
બે ક્લાકે સારણગાંઠનું ઓપરેશન પૂરું થયું. યોગીજી મહારાજને સ્ટ્રેચરમાં પાછા લાવી ખાટલા ઉપર સુવાડ્યા, પણ હજી ક્લોરોફોર્મની અસર ચાલુ હતી. ભાનમાં ન આવવાથી સૌ ગભરાયા. આથી શાસ્ત્રીજી મહારાજે સૌને ધૂન કરવા કહ્યું.
થોડીવારે યોગીજી મહારાજે માથું ફેરવ્યું. આંખો ઉઘાડી ત્યાં જ તેમને શાસ્ત્રીજી મહારાજની દિવ્ય મૂર્તિનાં દર્શન થયાં. જાગ્રત થતાં જ યોગીજી મહારાજ પ્રથમ આ શબ્દો બોલ્યા, ‘ સ્વામીને દૂધ પાયું ? ’ સુષુપ્તિમાં પણ તેમને ગુરુનું અનુસંધાન હતું ! તેથી જ ઘેનમાંથી જાગી તેઓએ પ્રથમ ગુરુને યાદ કર્યા.
- પ્રસંગ : અખંડ ગુરુનું અનુસંધાન
અમદાવાદ. એક વખત અમદાવાદના કિશોરોએ પ્રમુખસ્વામી મહારાજને પ્રશ્નોત્તરીમાં પૂછ્યું, ‘ બાપા ! આપને કઈ ઋતુ સૌથી વધુ ગમે ? સ્વામી કહે, ‘ વસંત. ’ કિશોરોએ વળતો પ્રશ્ન પૂછ્યો, ‘ વસંત જ કેમ ? ’ સ્વામી કહે , ‘ એ ૠતુમાં મહારાજ પ્રગટ થયાને ! એટલે. '
સને ૧૯૮૭. રટુ ગામમાં પારાયણ હતી. પ્રમુખસ્વામી મહારાજ, સદ્ગુરુ સંતો અને કોઠારી સંતો આવ્યા હતા. કુલ ૧૦૦ જેટલા સંતો હતા. એ વખતે પ્રશ્ન પુછાયો : ‘ આપનો અને શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો સંબંધ કેવો ? પિતા - પુત્ર, ગુરુ - શિષ્ય કે ભગવાન - ભક્તનો ? ’ સ્વામી કહે : ‘ ભગવાન અને ભક્તનો ! '
સને ૧૯૭૭. વેમ્બલી (ઇંગ્લેન્ડ). પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્ન પુછાયો : ‘ આપના જીવનમાં ભગવાનનો અનુભવ ક્યારથી થયો ? ’ પ્રમુખસ્વામી મહારાજ કહે : ‘ જ્યારથી શાસ્ત્રીજી મહારાજ અમારા ગુરુ મળ્યા ત્યારથી. ’
- પ્રસંગ : ગુરુમાં ભગવાનના ભાવથી જોડાણ
સને ૨૦૧૫. સારંગપુર. પ્રમુખસ્વામી મહારાજની ઉંમર ત્યારે ૯૩ વર્ષની હતી. તેઓ બીમાર હોવા છતાં છડી દ્વારા ભક્તોને દિવ્યલીલા કરી સ્મૃતિઓ આપતા હતા. એક સંતે મહંતસ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, ‘ આપ કયા ભાવથી સ્વામીનાં દર્શન કરો છો ? ' મહંતસ્વામી મહારાજ બોલ્યા, ‘ ભગવાનના ભાવથી, ઘનશ્યામ મહારાજ બાળલીલા કરતા હોય એવું અનુભવાય છે. ’
- પ્રસંગ : ગુરુનાં સપનાં
સને ૧૯૬૧. મુંબઈ. વહેલી સવારે યોગીજી મહારાજ ઊઠ્યા અને સેવકોને કહ્યું, ‘ આજે રાત્રે અમને સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થયાં. સ્વામી રંગમંડપમાં બિરાજમાન હતા. આજુબાજુ સંતોની સભા ભરાઈને બેઠી હતી. એટલામાં ખૂણામાં સ્વામીએ કચરો જોયો. તેથી પોતે ઊઠીને ત્યાં ગયા અને સાવરણો લઈ કચરો વાળવા લાગ્યા. એટલામાં હું ત્યાં પહોંચ્યો અને કહ્યું, ‘ સ્વામી દયાળુ ! આપ આ શું કરો છો ? આપથી ન વળાય, લાવો હું વાળું છું. ’ સ્વામી કહે, ‘ લ્યો વાળો. ’ એમ કહી તેમણે મને સાવરણો આપ્યો. એટલામાં મારી આંખ ઊઘડી ગઈ. ’
યોગીજી મહારાજને લગભગ દરરોજ ગુરુનાં - સેવાનાં સ્વપ્ન આવતાં. જરા વિચારીએ કે કેટલી હદે આખો દિવસ તેમના મનમાં ગુરુ રમતા હશે !
- પ્રસંગ : જગત ભૂલી જવાનું , ગુરુમય રહેવાનું
૮-૧૦-૧૯૯૧ . ઝિમ્બાબ્વેથી લિલોન્ગવે જતાં પ્લેનમાં એક સંતે કહ્યું, ‘ બાપા, આપને ઠાકોરજીનું ખૂબ જ અનુસંધાન રહે છે. ' ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, ‘ આ તો સાક્ષાત્ શ્રીજીમહારાજ છે. આપણને મૂર્તિ જેવું લાગે પણ ભગવાન જ છે. આપણે બીજું બધું ભૂલવાનું છે. જગત છે જ નહીં. આ બધે ફરીએ છીએ, જોઈએ છીએ, એ બધું ભૂલી જવાનું (ગુરુને) ચાલતા જોયા છે, સૂતા જોયા છે, જમતા, રમતા, ખાતા, પીતા જોયા છે. વોકિંગ, આસન કરતા જોયા છે. એ બધી સ્મૃતિ પળે - પળે કરવાની છે. આ વાત કરીએ છીએ એની સ્મૃતિ રાખવાની. તો મહારાજનું સુખ આવે. મહારાજ - સ્વામી અખંડ ભેગા છે, એવો સતત અનુભવ રહ્યા કરે. '
- પ્રસંગ : દરેક ક્રિયામાં ગુરુની સ્મૃતિ
૪-૬-૨૦૧૦. લીમડી. પ્રમુખસ્વામી મહારાજ વોકિંગ કરતા હતા. એક સંતે હરિકૃષ્ણદાસ સ્વામી રચિત શાસ્ત્રીજી મહારાજની ચેષ્ટાનું ગાન શરૂ કર્યું. સ્વામી ગુરુની લીલાઓમાં તલ્લીન થઈ ગયા. વોકિંગ પૂરું થઈ ગયું. મશીનની સ્વિચ ઓફ થઈ ગઈ. છતાં સ્વામી ગુરુની સ્મૃતિમાં લીન હતા. સેવકોએ પેલા સંતને કહ્યું, ‘ હવે પૂરું કરો. ’ સ્વામી કહે, ‘ ના. ના. જેટલું બાકી છે એટલું પૂરું કરો. ’
ચેષ્ટા પૂરી થઈ ત્યારે સ્વામી ગાનાર સંતને નમીને તેમના માથે હાથ મૂકીને કહે, ‘ વાહ ! શાસ્ત્રીજી મહારાજની લીલા સંભળાવી. ' સ્વામીને વોકિંગનો હાંફ હતો, છતાં તેઓ બહુ ખુશ હતાં.
એક સ્પષ્ટતા
ગુણાતીત સત્પુરુષ ભગવાન નથી, તેમના દ્વારા ભગવાન પૃથ્વી પર વિચરે છે. ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે. ભક્તિ પણ એમની જ કરવાની છે. ગુણાતીત સત્પુરુષની પૂજા માનસી દ્વારા શ્રીજીમહારાજની જ પૂજા - માનસી થતી હોવાથી આવું કરી શકાય. આ રીતે ગુણાતીત સંતોને જેવી ગુરુભક્તિ, પ્રભુભક્તિ છે - તેવી જ આપણે પણ જીવનમાં લાવવાની છે.
🔵 આત્મા સુધી વિચાર પહોચી જવો જોઈએ.
- પ્રસંગ : પોતાનો પરિચય ગુરુ દ્વારા
સને ૨૦૧૨ અને ૨૦૧૩ ના રોકાણ દરમ્યાન એક સંતે શાસ્ત્રીજી મહારાજ જેવી પાઘડી પહેરેલો સ્વામીનો જ ફોટો સ્વામીને ૧૦-૧૫ વખત જુદા - જુદા સમયે બતાવ્યો હતો. તેઓ પૂછતા, ‘ આ કોણ છે ? ' સ્વામી દર વખતે કહેતા : ‘ શાસ્ત્રીજી મહારાજ. યજ્ઞપુરુષદાસજી. ’
ગુણાતીત સત્પુરુષને આટલી હદે પોતાના ગુરુમાં જોડાણ હોય છે કે પોતાનું અસ્તિત્વ ભૂલી પોતાનો પરિચય ગુરુના નામે આપે છે. આને કહેવાય આત્મા સુધી પહોંચી ગયેલો વિચાર.
🔵 તો પૃથ્વી પર અક્ષરધામનું સુખ.
આ રીતે આખો દિવસ ગુરુહરિમય દરેક ક્રિયા થાય તો પૃથ્વી પર જ અક્ષરધામનું સુખ આવે.
સને ૧૯૮૮. વિદેશયાત્રા દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ મોરેશિયસ આવતા હતા. પ્લેનમાં સંતોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામી બોલ્યા હતા, ‘ સત્પુરુષને પોતાનો આત્મા માની લેવો. સત્પુરુષનો વિચાર એ જ અક્ષરધામનું સુખ છે. એ વિચાર સાથે અક્ષરરૂપ માનતા જાઓ તો સંકલ્પમાત્ર (માયામાત્ર) ટળી જાય. આ વિચાર સાથે ભજન - ભક્તિ થાય તો અંગ દૃઢ થાય. એ વિના કર્યા કરીએ તો સંસ્કાર થાય પણ અંગ ન બંધાય. '
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Top suruchi
ReplyDeleteBhavya
ReplyDelete