મનુષ્યભાવને લીધે દુઃખ. લેખ-૨
🔶 મુદ્દો -૧ : આપણે પણ મનુષ્યભાવને લીધે પાછા પડીએ છીએ
(૧) સત્પુરુષના આશીર્વાદ ન ફળે ત્યારે
આપણે સ્વામીશ્રીને પત્ર લખ્યો હોય, તેમની મુલાકાત લીધી હોય કે ફોન પર કાંઇક આશીર્વાદ માંગ્યા હોય. તેમણે આપ્યા હોય કે ‘ જાઓ, કામ થઈ જશે ! ' અને કામ ન થાય. ઊલટું ક્યારેક કામ વધુ બગડે ત્યારે આપણને એમ થાય કે તેઓ ખરેખર ભગવાનનું સ્વરૂપ હશે કે નહીં !
ઉપાય : આપણે ફક્ત આ જન્મનું સારું - ખરાબ દેખાય છે. મોટાપુરુષને અનંત જન્મનું યોગ્ય - અયોગ્ય દેખાતું હોય છે. તેઓને આપણું કલ્યાણ કરવું છે, તે માટે આ જન્મે થોડું દુ:ખ આપીને પણ તેઓ આપણી વાસના ટાળે છે. આ તેઓના સૌથી મોટા આશીર્વાદ છે. ભક્તોના દુશ્મન ભગવાન કે સંત ક્યારેય હોય જ નહીં.
- પ્રસંગ : રોગ મટે નહીં તેનું કારણ હોય છે
ગાનાના મગનભાઇ પ્રભુદાસને ત્રીજી વાર પરણવાની ઇચ્છા હતી. ત્યારે તેમને ભયંકર રોગ થયો. તેનાથી છૂટવા તેમણે શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે, ‘ ધામમાં લઈ જાવ. '
ત્યારે સ્વામી કહે, ‘ હું તો આજે ને આજે તમને ધામમાં લઈ જાઉં. પણ પછી ૨૦ જન્મ લેવા પડશે અને હમણાં જો ૨૦ દિવસ દુઃખ ભોગવી લો તો એક દિવસમાં એક જન્મ ઓછો થશે. ત્યારે તે હરિભક્ત ૨૦ દિવસ દુઃખ ભોગવી લેવાનું નક્કી કર્યું. પછી સ્વામી તેમની કસર ટાળી, ૨૦ દિવસ બાદ તેમને ધામમાં લઈ ગયા.
- પ્રસંગ : પૈસા મળે નહીં તેનું કારણ હોય છે.
એક હરિભક્ત હતા. તેમના શરીર પર જ્યોતિષશાસ્ત્ર મુજબ ચિહ્ન એવાં હતાં કે તેમના નસીબમાં ભવિષ્યમાં રાજા જેવું સુખ હતું, પરંતુ હાલ પગમાં ચંપલ પણ નહી. ત્રણ જ્યોતિષીએ આ જોયું હતું.
શાસ્ત્રીજી મહારાજને નારણજી મહારાજે વાત કરી, ‘ આમ કેમ ? ' શાસ્ત્રીજી મહારાજ કહે, ‘ અમે જ તેમને એવા રાખ્યા છે. નહીંતર સત્સંગ છોડી પરદેશમાં જઇને સ્ત્રીઓ નચાવતા હોત. '
- પ્રસંગ : કારણ વિના દુઃખ વેઠવું પડે તેનું કારણ હોય છે
શ્રીજીમહારાજ ચાલીને જતા હતા. મૂળજી બ્રહ્મચારીના કહેવાથી એક ગાડાવાળા ખેડૂતે તેમને ગાડામાં બેસાડ્યા. બપોરે સૌ વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા. થોડા સમયે તે જગ્યાએ વાણિયાની જાન આવી. જાનવાળાનો ઘરેણાંનો ડબ્બો ખોવાયો હતો. એક વાણિયાએ શોધતાં - શોધતાં શ્રીજીમહારાજને પૂછ્યું.
શ્રીજીમહારાજ કહે, ‘ આ ગાડાવાળા પાસે છે. ' પેલા બધાએ ગાડાવાળાને ખૂબ માર્યો, પણ ડબ્બો ન મળ્યો. તેથી બધા જતા રહ્યા. ગાડાવાળો કહે, ‘ મેં ઘરેણાંનો ડબ્બો લીધો જ ન હતો. છતાં મને માર કેમ ખવડાવ્યો ? ’ શ્રીજીમહારાજ કહે, ‘ આ લોકો તારા ૭ જન્મના વેરી હતા. તે દુઃખ અમે ૧૫ મિનિટમાં પતાવ્યું ! હવે તારું આ જન્મે કલ્યાણ થઈ જશે. ’
(૨) સત્પુરુષ બીમારી ગ્રહણ કરે ત્યારે
જ્યારે ભગવાન અને સંત બીમારી ગ્રહણ કરે, અશક્તિ દેખાડે, ઊંઘ - ઝોકાં - ભૂખ - પીડા વગેરે દેખાડે ત્યારે આપણને મનુષ્યભાવ આવી જાય છે.
ઉપાય : અહીં ખૂબ જ વિચારવા જેવું છે. જેમના આશીર્વાદથી અનેક લોકોના રોગ મટી જતા હોય તેઓ પોતાની બીમારી ન મટાડી શકે ? મટાડી જ શકે. પરંતુ શ્રીજીમહારાજે વરદાન માંગ્યું છે કે મારા ભક્તને વીંછી કરડવાનું દુઃખ હોય તો તે મને મળે પણ મારો ભક્ત દુઃખી ન થાય. બસ એ મુજબ સત્પુરુષ પણ સંતો - ભક્તોની બીમારી - રોગ પોતે લઈ લે છે. અને બિમારી આવે તોય ભક્તિ, નિયમ, દૃઢતા, બળ વગેરે ન છોડવા જોઈએ તેનો આદર્શ મૂકે છે કે જેથી આપણને બીમારી વખતે પ્રેરણા મળે અને દુઃખ સહન કરવાનું બળ મળે.
- પ્રસંગ : સત્પુરુષ માટે બીમારી લીલા છે
મણિભાઈએ એકવાર શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, ‘ આપ ઘણી વખતે બીમાર થાઓ છો. તેનું કારણ શું ? ' આ સાંભળી સ્વામીએ મંદ - મંદ હસતાં કહ્યું, ‘ મારે પૂર્વ કર્મ છે જ નહીં. ' અને પોતાનું ઓશીકું ઊંચું કરી કહ્યું, ‘ આની નીચે રોગ મૂકી રાખ્યા છે, તે જરૂર પડે ત્યારે બોલાવું છું અને પછી કાઢી નાખું છું. તાવ, વા ગમે તે રોગને આજ્ઞા કરું કે આવ, તો આવે ને કહું કે જતો રહે, એટલે ઓશીકા નીચે બેસી જાય. ઘણા હરિભક્તો રોગાદિક પીડાની ખૂબ વાતો કરે ત્યારે હું પણ કહું કે મને પણ રોગ પીડે છે. શ્રીજીમહારાજ સારું કરશે. ગુણાતીત સત્પુરુષની આ શક્તિ છે.
યોગીજી મહારાજ કહેતા : ' જો હું ધારું તો જમું નહી, હંમેશાં ઉપવાસ કરું. જો હું ધારું તો સૂવું નહીં, જો હું ધારું તો.... એમ દિવ્યભાવમાં વર્તુ.પણ તો પછી તમે વૃદ્ધિ કેમ પામો ? તમને સેવા મળે અને તેથી સંસ્કાર વધે અને વૃદ્ધિ પમાયે માટે અમે તમને સેવા આપીએ છીએ.'
(૩) સત્પુરુષ સંકલ્પ પૂરો ન કરે ત્યારે
સત્પુરુષ સર્વજ્ઞ છે, અંતર્યામી છે, બધાના સંકલ્પો જાણે છે અને પૂરા કરે છે - વગેરે ક્યારેક સંક્લ્પ પૂરો ન પણ થાય.
ઉપાય : સત્પુરુષનું ચેકિંગ આ રીતે ન કરાય, પણ (૧) ગુરુનું વર્તન જોવાય. (૨) ગુરુના ગુરુનું વર્તન જોવાય. (૩) ગુરુના શિષ્યોનું વર્તન જોવાય તથા ગુરુ વિશે તેમના ગુરુઓ મહિમા કહી ગયા - તેના આધારે સત્પુરુષની ચકાસણી થાય છે. સંકલ્પ પૂરા કરે - ન કરે તેના પરથી સત્પુરુષનું માપ ક્યારેય ન કઢાય.
- પ્રસંગ : સંકલ્પી ભગત ન થવું
શાસ્ત્રીજી મહારાજના સમયમાં હરિકૃષ્ણદાસ નામના એક સંત હતા. એકવાર શાસ્ત્રીજી મહારાજ બોચાસણમાં સૌ સંતો - ભક્તોને પ્રસાદ આપતા હતા. હરિકૃષ્ણદાસ સભામંડપમાં દૂર બેઠા હતા. તેમને થયું : ‘ લાવોને તપાસ કરીએ કે સ્વામી અંતર્યામી - સર્વજ્ઞ છે કે નહીં ! ' પછી તેમણે સંકલ્પ કર્યો કે જો સ્વામી સાચા સંત હોય તો મને સામેથી બોલાવીને પ્રસાદી આપે. એવામાં સ્વામીએ તેમને દૂરથી જ ‘ એ સંકલ્પી ભગત ! ' કહી નજીક બોલાવ્યા. પછી પ્રસાદ આપી કહ્યું, ‘ ભગવાન અને સંત અંતર્યામી છે જ. બધાના બધા વિચારો - સંકલ્પો જાણે જ છે એમ સ્વીકારવું . પણ આવા સંકલ્પો ન કરવા. અમે પૂરા ન કરીએ તો મનુષ્યભાવ આવી જાય. '
(૪) સત્પુરુષ મનનું મરોડે ત્યારે
સત્પુરુષ દિવ્યભાવ દેખાડે, આપણા ધાર્યમાં ભળી જાય ત્યારે તો મહિમા સમજાય જ, પરંતુ સત્પુરુષ આપણે વિચાર્યું હોય તેનાથી ઊલટું જ કરે, આપણા મનનું મરોડે, બીજા કોઈ સત્સંગમાં બરાબર ન હોય તેને પણ લાભ આપે - આગળ કરે ત્યારે આપણને સત્પુરુષમાં મનુષ્યભાવ આવે છે. ઉપાય : સત્પુરુષ આપણા મનનું ધાર્યું ન થવા દે ત્યારે પણ તેઓ જે કરે છે તે આપણ સારા માટે જ કરે છે, તે ભાવના રાખવી જોઈએ. એકવાર પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા હતા જે ‘ હું કોઈને દુઃખી કરવા આવ્યો જ નથી. ’ મનનું મરડીને પણ તેઓ કલ્યાણ આપે છે.
- પ્રસંગ : અંતરનો રાજીપો
ગઢડામાં એક વખત રાજબાઈએ શ્રીજીમહારાજને પૂછ્યું, ‘ મહારાજ ! તમે રાજી થાવ તો વસ્ત્ર, થાળ, હાર આપો છો, પણ અંતરથી રાજી થાવ તો શું આપો ? ’ શ્રીજીમહારાજ કહે,‘ અંતરથી રાજી થઈએ તો ભક્તને અમારા વિના ક્યાંય બંધાવા દઈએ નહીં. પુત્રમાં હેત હોય તો પુત્રનો નાશ કરીએ. દ્રવ્યમાં હેત હોય, તો દ્રવ્યનો નાશ કરીએ. શરીરમાં રોગ આપીએ કે જેથી સાંસારિક પદાર્થમાં પ્રીતિ રહે જ નહીં. સુકાયેલાં હાડકાં પર જેમ કીડી, મકોડો, માખી ચઢે નહીં, તેમ ભક્તને અમે સંસારમાંથી અળગો (જુદો) કરીએ કે જેથી તે અમારી સામે જ જુએ.'
- પ્રસંગ : સત્પુરુષ કરે તે બધાના ભલા માટે
શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. ચોકમાં ખાટલો નાંખી બેઠા હતા. બીજી બાજુ બે યુવકો કોઈ બાબતે ઝઘડ્યા અને ઝપાઝપી પર આવી ગયા. ત્યારબાદ બંનેને કોઈ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ આવ્યું. જેનો વાંક હતો તેને શાસ્ત્રીજી મહારાજે લાડુની પ્રસાદી આપી. બે સારા શબ્દો કહ્યા અને તેને વખાણ્યો.
બીજો યુવક નિર્દોષ હતો છતાં પેલા યુવકની હાજરીમાં સ્વામીએ તેને પ્રસાદ ન આપ્યો. આશીર્વાદ પણ ન આપ્યા. ઊલટું વઢ્યા ! હરિભક્તોને આ અન્યાય લાગ્યો. બંને ગયા ત્યારે સ્વામી કહે, ‘ બીજો યુવક તો આપણો જ છે. એને સાચવવાની કાંઈ જરૂર નહોતી. પેલાને આપણો બનાવવો છે ! ' સત્પુરુષ જે કરે છે તે સૌના ભલા માટે કરે છે.
(૫) સત્પુરુષ અજ્ઞાન દેખાડે ત્યારે
સત્પુરુષ ઘણીવાર અજ્ઞાન દેખાડે છે. એટલે કે અનંતકોટિ બ્રહ્માંડો તેમના એક રૂંવાડામાં ફરતાં હોવા છતાં તેઓ દુનિયાની નાની - નાની ઘણી બાબતોનું તેમને જ્ઞાન જ ન હોય, તેવું દેખાડે છે, પરંતુ તેઓ આવાં ચરિત્રો એટલા માટે કરે છે કે આપણને વધુ યાદગાર બની જાય છે.
- પ્રસંગ : લીલા સંભારી રાખવી
સને ૧૯૭૦. નૈરોબી. યોગીજી મહારાજ કહે, ‘ કાગળમાં દૂધ કેવી રીતે આવે ? અમને બતાવો. ' ભાસ્કરભાઈ દૂધનું એક પેકેટ લઈ આવ્યા. તે જોઈ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘ દૂધ ગાળીને ભર્યું હશે ? કોઈ જગ્યાએ કાણું નથી તો પેકેટમાં દૂધ ભર્યું કેવી રીતે ? પેકેટમાંથી દૂધ કેવી રીતે નીકળે ? ’ સ્વામી આતુરતાથી બધું પૂછી રહ્યા હતા.
ભાસ્કરભાઈએ પેકેટનો ખૂણો કાપ્યો ને દૂધની ધાર થઈ. ‘ હા ભઈ ! આ ન જોયું હોત તો આપણું શું થાત ? આફ્રિકા બે વખત આવેલા પણ આ જોયેલું નહીં. ’ યોગીબાપાએ સંતોષ વ્યક્ત કર્યો. પછી કહે, ‘ કાઢો પ્રથમનું ત્રીજું. લીલાચરિત્ર સંભારી રાખવાનું વચનામૃત. ’ પછી તેમણે વાત કરી, ‘ પડીકાં લીધાં ને તોડ્યાં. આ બધી લીલા સંભારી રાખવી. ’
🔶 મુદ્દો -૨ : ભગવાન ને સંતમાં મનુષ્યભાવ આવે તે મૂર્ખામી છે
- પ્રસંગ : મારામાં દોષ છે જ નહીં
- પ્રસંગ : વાળંદને સમાધિ
શ્રીજીમહારાજ અગતરાઈમાં હતા. અચાનક ઘોડી તોફાને ચડી. શ્રીજીમહારાજ નીચે પડી ગયા. અને જમણા પગનું હાડકું ભાગી ગયું. એક વાળંદ શ્રીજીમહારાજને પાટો બાંધવા આવ્યો. વાળંદે કહ્યું, ‘ દહીં, છાશ કે ખટાશ ન ખાશો. ' આઠમા દિવસે શ્રીજીમહારાજે દહીં માગ્યું. પર્વતભાઈએ ના પાડી. શ્રીજીમહારાજે હઠ પકડી. તેથી પર્વતભાઈએ દહીં આપ્યું. ત્યાં વાળંદ બીજો પાટો બાંધવા આવ્યો અને ખિજાયો.
શ્રીજીમહારાજ કહે, ‘ તું પાટો છોડી જો. ’ જોયું તો પગ સાજો જ હતો ! શ્રીજીમહારાજે વાળંદ પર દૃષ્ટિ કરી તેને સમાધિ કરાવી. વાળંદે સમાધિમાં એક લાખ અને અઠ્ઠાસી હજાર પયગંબરોને શ્રીજીમહારાજની સ્તુતિ કરતા જોયા ! તરત જ તે શ્રીજીમહારાજના પગમાં પડી ગયો.
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,
--------------------------------------------
--------------------------------------------
Rakesh bhai
ReplyDelete