પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરક સ્મૃતિઓ...
◼️ તા. 21-5-2017, અમદાવાદ
સ્વામીશ્રીએ ચેષ્ટાગાન કર્યું. હજુ પોઢવાની થોડી વાર હતી. તેથી સેવક સંતે પૂછ્યું : ‘સંતોને કથાનો લાભ આપવો છે ?’
સ્વામીશ્રી કહે : ‘ના, બધું કહી દીધું.’ પણ પછી રુચિ દર્શાવતાં કહે : ‘લાવો...’
સ્વામીશ્રીએ વરસવાનું શરૂ કર્યું, પ્રિય ગ્રંથ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ની સાખે :
મહારાજ દરેક બ્રહ્માંડમાં એક વાર જાય. એ બધી વાર આપણે ચૂકી ગયા. આ પહેલી વાર મેળ પડે છે. કોઈ બહુ કીમતી વસ્તુ પહેલી વાર મળતી હોય તો છોડો તમે ? તો આ ભગવાન મળ્યા (ભાર દઈને બોલ્યા). હવે ગાફલ-ગમાર ન રહેવું. કામ કાઢી લેવાનું છે. પરીક્ષામાં ત્રણ કલાકમાં કામ કાઢી લઈએ છીએ તેમ આ 50-60 વર્ષની જિંદગીમાં કામ કાઢી લેવાનું છે. ગાફલ-ગમાર રહીએ, આળસ-પ્રમાદ કરીએ... તો એ તો કરતા’તા જ. એક સેકન્ડ પણ છોડવા જેવી નથી.’
આ શબ્દો ખૂબ જ કીમતી ગણાય, કારણ કે આ શબ્દો સ્વામીશ્રીની ઊલટના હતા.
◼️ તા. 24-5-2017, અમદાવાદ
સ્વામીશ્રી અભિષેક મંડપમ્માં પધાર્યા. અહીં મહાપૂજાનાં દર્શન કરતા હતા ત્યારે કનુભાઈ પટેલ (યુ.એસ.) મહાપૂજાની ઘંટડી વગાડતાં કહે: ‘આપની આજ્ઞાથી ઘંટડી વગાડીએ છીએ.’
સ્વામીશ્રી કરનું લટકું કરતાં બોલ્યા : ‘તો બ્રહ્મરૂપ.’
શ્રીજીમહારાજ અને ગુરુપરંપરાની પ્રાસાદિક વસ્તુઓનાં દર્શન કરતાં, સૌની મનોવૃત્તિ રજૂ કરતાં કહે : ‘ઘંટડી વગાડીએ છીએ, પણ સાથે બીજું ઘણું વગાડીએ છીએ.’
સ્વામીશ્રીએ જાણે કે આપણા અંતરના ભાવોને પકડીને શબ્દદેહ આપી દીધો.
આજે રાત્રે એક સંતે સખાભાવે વિનંતી કરતાં સ્વામીશ્રીને કહ્યું : ‘સત્પુરુષની સામર્થી ખરી કે દૃષ્ટિ કરે ને બધાના વિકારો ટળી જાય અને બધા દિવ્ય જ દેખાયા કરે ?’ સ્વામીશ્રીએ હા પાડી.
તે સંત કહે : ‘તો એવી દૃષ્ટિ અમારા બધા પર કરી નાખો ને !’
‘શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ કોઈએ કર્યું નથી.’ સ્વામીશ્રીએ કહ્યું. આનો સીધો અર્થ એ થાય કે શક્તિ તો છે પણ રીતિ નથી.
પછી ધીરે રહીને કહે : ‘પાત્રતા પ્રમાણે થાય.’
અર્થાત્ પાત્રતા કેળવીશું તો દૃષ્ટિ થશે જ.
◼️ તા. 27-5-2017, સારંગપુર
આજે રાત્રે ભોજન પૂર્ણ થયા બાદ પાર્ષદોએ ‘છેલ્લો જન્મ’ એ શીર્ષક હેઠળ ડિબેટ રજૂ કરી, જેમાં અડધા પાર્ષદો ‘આ જ આપણો છેલ્લો જન્મ છે’ તે પક્ષમાં હતા. તો સામેના બીજા અડધા પાર્ષદો ‘ના, 2-4-5 જન્મ લીધા પછી છેલ્લો જન્મ થશે,’ તે સમજણનું જોરશોરથી પ્રતિપાદન કરી રહ્યા હતા. નિર્ણય આવતો નહોતો. તેથી અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ, સ્વામીશ્રી પર છોડવામાં આવ્યો. સ્વામીશ્રી સમક્ષ ત્રણ વિકલ્પો મૂકવામાં આવ્યા.
1. ‘આ જ છેલ્લો જન્મ - વાસ્તવિકતા’
2. ‘આ જ છેલ્લો જન્મ - આશ્વાસન’ અને
3. ‘અન્ય’
સ્વામીશ્રીએ ‘આ જ છેલ્લો જન્મ, વાસ્તવિકતા’ એ બોર્ડ ઊંચું કર્યું. પછી સામેથી માઇક માંગીને કહે :
‘અંબરિષ રાજાની કન્યાનો મુરતિયો જોવા નારદજી ગયા. પાછા આવ્યા ત્યારે કન્યાની 10 પેઢી થઈ ગઈ હતી. એટલે 10 જન્મ થાય તોય કાંઈ હિસાબમાં નથી. સ્વામીએ વાતોમાં કહ્યું : ‘ગમે તેવો હશે તોય પાંચ જન્મમાં તો ધામમાં લઈ જશે.’ અનંત જન્મોની સરખામણીમાં પાંચ જન્મ તો કાંઈ ન કહેવાય, માટે છેલ્લો જન્મ.’
બીજી રીતે જોઈએ : ‘જ્યાં પણ એ પાંચ જન્મ લેવાના થશે, ત્યાં સત્પુરુષનો યોગ રહેશે. અને સત્પુરુષનો યોગ છે એટલે અક્ષરધામ જ છે. માટે ગમે એટલા જન્મ થાય, પણ સત્પુરુષનો યોગ રહેશે, માટે છેલ્લો જન્મ. 99% તો કામ થઈ ગયું છે. પણ 1% છે ને !’
◼️ તા. 28-5-2017, સારંગપુર
સાંજે 5-07 વાગ્યે બ્રહ્મવત્સલદાસ સ્વામીએ આજના યુવા તાલીમ કેન્દ્રના દશાબ્દી મહોત્સવની સભાના વ્યવસ્થાપક સંતો તરફથી આવેલો સંદેશ સ્વામીશ્રીને જણાવ્યો : ‘અત્યારે તડકો ખૂબ છે, પવન સાવ નજીવો છે અને હવે બધાને બેસાડવાની શરૂઆત કરવાની છે, તો આપ દયા કરો તો પવન શરૂ થાય, વાદળ આવે અને ઠંડક થાય તો સૌને આ ઉત્સવનું સુખ આવે.’
પત્રલેખન અટકાવીને સ્વામીશ્રીએ ધૂન કરી. તરત જ સમાચાર આવ્યા કે ‘પવન જોઈતો હતો તે પ્રમાણે શરૂ થઈ ગયો છે.’
નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણિ ગ્રંથમાં લખ્યું છે :
શશિ સૂરજ શેષ સિંધુ, સર્વે રહે અમારા વચનમાં રે,
વારિ વસુધા વહનિ, મરુત ડરે વળી મનમાં રે...
પવનની સ્વિચ સ્વામીશ્રીના હાથમાં જ છે એવું સૌએ અનુભવ્યું.
Comments
Post a Comment